- ભારતના અટવાયેલા 14 જહાજોનો નીકળવાનો માર્ગ મોકળો થશે
- વિશ્વના જહાજો જઈ શકશે, પરંતુ શાંતિમંત્રણા પૂરી ન થાય ત્યાં સુધી ઇરાનની ઘેરાબંધી રહેશે, ઇરાન અમેરિકાને સંવર્ધિત યુરેનિયમ આપવા તૈયાર: ટ્રમ્પ
નવી દિલ્હી : અમેરિકા-ઇરાનના યુદ્ધના ૪૯ દિવસ પછી છેવટે હોર્મુઝ ખોલવામાં આવ્યું છે. ઇરાને શુક્રવારે બધા જ વેપારી જહાજો માટે હોર્મુઝ ખુલ્લો કરવાની જાહેરાત કરી હતી. આ જાહેરાત યુદ્ધવિરામ પૂરો થાય ત્યાં સુધી અમલી રહેશે. હોર્મુઝ ખૂલવાની જાહેરાત થતાં જ ક્રૂડમાં કડાકો બોલતા એક સમયે ૧૪ ટકા જેટલું ઘટી ગયું હતું. ડબલ્યુટીઆઈ ક્રૂડ ૮૦ અને બ્રેન્ટ ક્રૂડ ૮૬ ડોલર પર ચાલતું હતું.
જો કે ટ્રમ્પે જણાવ્યું હતું કે હોર્મુઝની ખાડી ખૂલી ગઈ છે, જો કે અમેરિકન નૌકાદળ જ્યાં સુધી શાંતિમંત્રણા પૂરી ન થાય ત્યાં સુધી ઇરાનની ઘેરાબંધી ચાલુ રાખશે તેમ જણાવ્યું હતું. ઇરાન સાથે ટૂંક સમયમાં જ ડીલ થઈ જશે તેવી આશા તેમણે વ્યક્ત કરી હતી. ઇરાને જણાવ્યું હતું કે લેબનોનમાં યુદ્ધવિરામ જાહેર કરવાની અમારી માંગ માનવામાં આવતા અમે હોર્મુઝની ખાડી ખુલ્લી મૂકી છે. તેની સાથે તેમણે જણાવ્યું હતું કે ઇરાન અમેરિકા સાથે મળીને ખાડીમાંથી બધી સુરંગો દૂર કરશે.
ટ્રમ્પે ફરીથી દાવો કર્યો હતો કે ઇરાન સંવર્ધિત યુરેનિયમ આપવા સંમત થઈ ગયું છે. તેમણે જણાવ્યું હતું કે ગયા વર્ષે અમેરિકાના બી-ટુ બોમ્બરોએ ઇરાનના પરમાણુ મથક પર હુમલો કર્યો હતો ત્યાંની બધી જ ન્યુક્લિયર ડસ્ટ આપવા માટે ઇરાન સંમત થઈ ગયું છે. ટ્રમ્પે પહેલી વખત આ દાવો કર્યો ત્યારે ઇરાને નકાર્યો હતો, પરંતુ બીજી વખતના દાવા અંગે હજી સુધી કશું જણાવ્યું નથી.
લેબનોન સાથે યુદ્ધવિરામ પછી પણ ઇઝરાયેલે હુમલા કરતા છેવટે ટ્રમ્પેે મેદાનમાં ઉતરવુ પડયુ હતુ. ટ્રમ્પે જણાવ્યું હતું કે બસ થયું હવે. ઇઝરાયેલ હવે લેબનોન પર હુમલા નહીં કરે. ઇઝરાયેલને અમે ફરીથી મહાન બનાવીશું.
છેલ્લા દોઢ મહિનાથી આખા વિશ્વની નજર હોર્મુઝ પર ટકેલી હતી. વિશ્વના લગભગ ૨૦ ટકા તેલ અને ઓઇલનો પુરવઠો હોર્મુઝમાંથી પૂરો પાડવામાં આવે છે. ભારત માટે આ નિર્ણય ઘણો મહત્ત્વનો છે. તેનું કારણ એ છે કે ભારત સૌથી વધુ ઓઇલ મધ્યપૂર્વના દેશો સાઉદી અરેબિયા, યુએઈ અને કુવૈત પાસેથી ખરીદે છે. આ બધો પુરવઠો હોર્મુઝમાંથી પસાર થાય છે. આના કારણે હોર્મુઝમાં સપડાયેલા ભારતના લગભગ ૧૪ જહાજનો બહાર નીકળવાનો માર્ગ મોકળો થશે.
ઇરાનના વિદેશપ્રધાન અબ્બાસ અરાઘાચીએ આ જાહેરાત કરતાં ક્રૂડ ઓઇલમાં કડાકો બોલ્યો છે. બ્રેન્ટ ક્રૂડ ૧૪ ટકા ઘટીને ૮૬ ડોલર અને ડબલ્યુટીઆઈ ક્રૂડ પણ તેટલા ટકા ઘટીને ૮૦ ડોલર જેટલું થઈ ગયું હતું. ભારત માટે રણનીતિક રીતે અને આર્થિક રીતે પણ હોર્મુઝ ખૂલવી અત્યંત મહત્ત્વની છે. ઇરાનની જાહેરાત પછી ટ્રમ્પે તેને આવકાર આપ્યો હતો અને ઇરાનનો આભાર માન્યો હતો. હોર્મુઝ ખોલવું તે ભારતીય અર્થતંત્ર માટે જાણે એક મોટો બૂસ્ટર ડોઝ છે.
પાક.ના લશ્કરી વડા મુનીર એક રાજકીય પ્રતિનિધિમંડળ સાથે તહેરાનની મુલાકાતે ગયા છે. તેઓ ત્યાં ઇરાનના પ્રમુખ પેજેકિશ્યન, સંસદના સ્પીકર મોહમ્મદ બાઘેર ગાલિબાફ અને રિવોલ્યુશનગરી ગાર્ડ્સના ટોચના કમાન્ડરોને મળ્યા હતા. તેમની સાથે મંત્રણા કરી હતી. મુનિકે ઇરાન સાથેની વાતચીતમાં અમેરિકા સાથે સતત મંત્રણા જારી રાખવા પર ભાર મૂક્યો હતો. આજે પાક.ના અવિરત પ્રયત્નોના લીધે મંત્રણા પ્રથમ રાઉન્ડમાં નિષ્ફળ ગયા પછી બીજા રાઉન્ડમાં આગળ વધે તેવી સંભાવના છે.
મુનીર તહેરાન આવ્યા હતા તો પાક વડાપ્રધાન શહબાઝ શરીફ સાઉદી અરેબિયા અને કતારની મુલાકાત કરી તુર્કીમાં ગયા હતા. અહીં તે અમેરિકન પ્રમુખના આરબ અને આફ્રિકન સલાહકારને મળ્યા હતા. શાંતિમંત્રણાના આગામી તબક્કા અંગે વાત કરી હતી. ઇરાનના હોર્મુઝ ખોલવાના નિર્ણયને અમેરિકા સહિત આખા વિશ્વએ આવકાર્યો હતો.
હોર્મુઝ સ્ટ્રેટને સંપૂર્ણપણે ખુલ્લો મૂકાતા ડાઉજોન્સમાં 900 પોઇન્ટનો ઉછાળો
ઇરાને હોર્મુઝ સ્ટ્રેટને સંપૂર્ણપણે ખુલ્લો મૂક્યાની જાહેરાત બાદ અમેરિકી શેરબજારમાં આજે કામકાજના પ્રારંભિક તબક્કામાં ૯૦૦ પોઇન્ટનો ઉછાળો નોંધાયો હતો.
આ અહેવાલો પાછળ અમેરિકી શેરબજાર ખાતે આજે કામકાજના પ્રારંભિક તબક્કામાં ડાઉજોન્સ ૯૪૮ પોઇન્ટ ઉછળીને ૪૯૫૨૭ની ઉંચી સપાટીએ પહોંચ્યો હતો. જ્યારે નાસ્ડેક કોમ્પોઝીટ ૩૮૩ પોઇન્ટ ઉછળીને ૨૪૪૮૩ની સપાટીએ કાર્યરત હતો.


