Impact of Trump's statement: મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા તણાવ વચ્ચે અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે રાહતના સમાચાર આપ્યા છે. ડોનાલ્ડ ટ્રમ્પે જાહેરાત કરી છે કે, 'અમેરિકા અને ઈરાન વચ્ચે છેલ્લા બે દિવસથી ખૂબ જ સકારાત્મક વાતચીત ચાલી રહી છે. ઈરાન સાથે ચાલી રહેલી ઊંડી અને વિગતવાર ચર્ચાને ધ્યાનમાં રાખીને, મેં ડિપાર્ટમેન્ટ ઑફ વોરને સૂચના આપી છે કે ઈરાનના પાવર પ્લાન્ટ્સ અને ઊર્જા ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર થનારા તમામ સૈન્ય હુમલાઓને આગામી 5 દિવસ માટે મોકૂફ રાખવામાં આવે.' ટ્રમ્પની આ જાહેરાત બાદ ક્રૂડ ઓઇલના ભાવમાં મોટો ઘટાડો આવ્યો છે. આ સિવાય ગ્લોબલ માર્કેટમાં તેજી જોવા મળી રહી છે.
ક્રૂડ ઓઇલના ભાવમાં 14 ટકાનો મોટો ઘટાડો
બ્લૂમબર્ગના રિપોર્ટ અનુસાર, ડોનાલ્ડ ટ્રમ્પની જાહેરાત બાદ વૈશ્વિક ઓઇલ માર્કેટમાં મોટી હલચલ જોવા મળી છે. ટ્રમ્પના નિવેદન બાદ આંતરરાષ્ટ્રીય બેન્ચમાર્ક બ્રેન્ટ ક્રૂડ ઓઇલના ભાવમાં 14 ટકાનો ધરખમ ઘટાડો નોંધાયો છે, જેના કારણે તેની કિંમત હવે ઘટીને 96 ડૉલર પ્રતિ બેરલના સ્તરે પહોંચી ગઈ છે. આ ઉપરાંત, વેસ્ટ ટેક્સાસ ઇન્ટરમીડિયેટ(WTI)માં પણ 14 ટકાનો ઘટાડો થયો છે. સપ્લાય ચેઇન સુરક્ષિત રહેવાની આશાએ તેલના ભાવમાં આ મોટી રાહત જોવા મળી છે. સ્ટ્રેટ ઑફ હોર્મુઝ ફરીથી ખુલવાની આશાએ બજારને રાહત આપી છે.
ટ્રમ્પના નિવેદન બાદ ગ્લોબલ માર્કેટમાં તેજી
છેલ્લા ચાર સપ્તાહથી ચાલી રહેલી મંદીના દોર બાદ અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના તાજેતરના નિવેદને ગ્લોબલ માર્કેટમાં નવા પ્રાણ ફૂંક્યા છે. ટ્રમ્પની જાહેરાત બાદ અમેરિકી બજારના મુખ્ય ઇન્ડેક્સમાં ઉછાળો જોવા મળ્યો છે. ખાસ કરીને ટૅક્નોલૉજી શેરોમાં ભારે લેવાલી નીકળી હતી, જેમાં એનવીડિયા (Nvidia) 2% અને મેટા (Meta) 1.8% જેટલા વધ્યા છે. યુદ્ધનો ખતરો ટળવાની આશાએ S&P 500 અને નાસ્ડેક(Nasdaq)માં નીચલા સ્તરેથી રિકવરી આવતા રોકાણકારોએ રાહતનો શ્વાસ લીધો છે.
બજાર અત્યારે સંપૂર્ણપણે ભૌગોલિક રાજકીય સ્થિતિ પર નિર્ભર છે. જો આગામી દિવસોમાં ઈરાન સાથેની મડાગાંઠ ઉકેલાશે તો બજારમાં રિકવરી આવી શકે છે, નહીંતર મોંઘવારી અને મંદીનો ખતરો વધવાની શક્યતા છે.


