World

ક્રૂડ ઓઇલમાં ભડકો ઇરાન સામે મામૂલી કિંમત : ટ્રમ્પની શેખી

By GS TEAM
10 Mar 20262 mins read
ક્રૂડ ઓઇલમાં ભડકો ઇરાન સામે મામૂલી કિંમત : ટ્રમ્પની શેખી

- ઇરાનના પરમાણુ શસ્ત્રો ખતમ કરીશું

- ટ્રમ્પ યોગ્ય કારણ મળે તો અમેરિકન દળોને પણ ઇરાનમાં ઉતારવા માટે તૈયાર

વોશિંગ્ટન : પશ્ચિમ એશિયામાં ઇરાન-અમેરિકા અને ઇઝરાયેલનું યુદ્ધ વકરવાના કારણે ઓઇલના ભાવમાં મોટો ઉછાળો આવ્યો છે. આ અંગે અમેરિકન પ્રમુખ ટ્રમ્પે જણાવ્યું હતું કે ઇરાનના પરમાણુ શસ્ત્રોને ખતમ કરવા માટે ક્રૂડ ઓઇલના ભાવમાં આવેલો આ કામચલાઉ વધારો સ્વીકાર્ય છે. 

ટ્રમ્પે પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ  ટ્રુથ સોશ્યલ પર પોસ્ટ કરતાં લખ્યું હતું કે ઓઇલની કિંમતો તો ઇરાનના પરમાણુ શસ્ત્રોને ખતમ કરવાની કાર્યવાહી પૂરી થતાં પાછી બેસી જશે. આ વધારો કામચલાઉ છે. અમેરિકન અને વૈશ્વિક સુરક્ષા અને શાંતિ માટે ક્રૂડ ઓઇલના ભાવમાં કામચલાઉ વધારો બહુ નાની કિંમત છે. ટ્રમ્પે આ નિવેદન ક્રૂડ ઓઇલના ભાવમાં વધેલી કિંમત સામે લોકોને સાંત્વના પાઠવવાના સ્વરૂપમાં આવ્યું હતું. 

પ્રમુખ ડૉનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે, જો ઘણું સારું કારણ મળશે તો અમેરિકાનાં દળો ઇરાનમાં ઉતારાય પણ ખરાં, પરંતુ તે માટે યોગ્ય કારણ હોવું જોઈએ. પ્રમુખે ઉડતા કિલ્લા જેવા વિમાન એરફોર્સ-વન માં પત્રકારો સાથેની વાતચીતમાં તેઓએ ભૂમિદળ ત્યાં મોકલવામાં આવશે જ તેમ સ્પષ્ટ કહ્યું ન હતું. ઉલટાનું તેમણે પત્રકારોને તે વિષે પૂછાયેલા પ્રશ્નને અયોગ્ય કહ્યો હતો. 

જોકે તેમણે તેવો સંકેત તો જરૂર આપ્યો હતો કે જો ત્યાં ભૂમિદળ મોકલવું પડે તો બરોબરની ગણતરીપૂર્વક લાગે તો કદાચ તેમ થઈ પણ શકે. આ સાથે પ્રમુખે તેમ પણ કહ્યું હતું કે અત્યારે પણ ઇરાનની સેના ઘણી નિર્બળ બની ગઈ છે. તે લાંબા સમય સુધી યુદ્ધમાં ટકી શકે તેમ નથી.

ઇરાન સાથેની મંત્રણા સંભવિત નથી તેમ કહેતાં પ્રમુખે જણાવ્યું હતું કે ઇરાનમાં સમજૂતી સાધવા માટે મંત્રણા કરવી પણ કોની સાથે ? ત્યાં તો વારંવાર ટોચની નેતાગીરીમાં બદલો થતો જાય છે. ઇરાને મંત્રણા માટે રજૂ કરેલો પ્રસ્તાવ ઘણો મોડો આવ્યો છે તેમ કહી તે પ્રસ્તાવને ફગાવી દીધા પછી ડૉનાલ્ડ ટ્રમ્પે બીજા જ દિવસે ઇરાન માટે બિનશરતીય શરણાગતી સ્વીકારી લેવાનો એમનો પ્રસ્તાવ મુક્યો હતો.