World

ક્રૂડ ઓઇલના ભાવમાં ધરખમ વધારાથી ઈરાન ખુશ ! પરેશાન ટ્રમ્પે અનેક દેશોને મોકલ્યો સિક્રેટ મેસેજ

By GS Team
30 Apr 20262 mins read
TukuTouch Logo
હોર્મુઝમાં જારી નાકાબંધી વચ્ચે ગુરુવારે કાચા ક્રૂડ ઓઇલની કિંમતોએ છેલ્લા ચાર વર્ષનો રૅકોર્ડ તોડ્યો છે અને ભાવ પ્રતિ બેરલ 126 ડૉલર સુધી પહોંચી ગયા છે. આ ઉછાળા પર ઈરાને પ્રતિક્રિયા આપતાં જણાવ્યું છે કે, અમેરિકાની નાકાબંધીની તેની ક્રૂડ ઓઇલ ઉત્પાદન ક્ષમતા પર કોઈ અસર થઈ નથી, ઉલટાનું ક્રૂડ ઓઇલના ભાવ વધી રહ્યા છે. ઈરાને એવી પણ ચેતવણી આપી છે કે, ક્રૂડ ઓઇલની કિંમતો 140 ડૉલર પ્રતિ બેરલ સુધી જઈ શકે છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ક્રૂડ ઓઇલના ભાવમાં ધરખમ વધારાથી ઈરાન ખુશ ! પરેશાન ટ્રમ્પે અનેક દેશોને મોકલ્યો સિક્રેટ મેસેજ

Crude Oil Price Hike : હોર્મુઝમાં જારી નાકાબંધી વચ્ચે ગુરુવારે કાચા ક્રૂડ ઓઇલની કિંમતોએ છેલ્લા ચાર વર્ષનો રૅકોર્ડ તોડ્યો છે અને ભાવ પ્રતિ બેરલ 126 ડૉલર સુધી પહોંચી ગયા છે. આ ઉછાળા પર ઈરાને પ્રતિક્રિયા આપતા જણાવ્યું છે કે, અમેરિકાની નાકાબંધીની તેની ક્રૂડ ઓઇલ ઉત્પાદન ક્ષમતા પર કોઈ અસર થઈ નથી, ઉલટાનું ક્રૂડ ઓઇલના ભાવ વધી રહ્યા છે. ઈરાને એવી પણ ચેતવણી આપી છે કે, ક્રૂડ ઓઇલની કિંમતો 140 ડૉલર પ્રતિ બેરલ સુધી જઈ શકે છે.

ટ્રમ્પ પરેશાન, અનેક દેશોને ગુપ્ત મેસેજ મોકલ્યો

ક્રૂડ ઓઇલના ભાવમાં દિવસેને દિવસે વધારો થતાં અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ (US President Donald Trump) પરેશાન થઈ ગયા છે અને તેમણે અનેક દેશોને એક સિક્રેટ મેસેજ મોકલ્યો છે. આમાં હોર્મુઝમાં જહાજોની અવરજવર ફરી શરૂ કરવા માટે એક આંતરરાષ્ટ્રીય ગઠબંધન બનાવવાની અપીલ કરવામાં આવી છે. અમેરિકી વિદેશ મંત્રાલયે આ સંદેશ એક સીક્રેટ ડિપ્લોમેટિક કેબલ દ્વારા મોકલ્યો છે, જેની જાણકારી ન્યૂઝ એજન્સી રોયટર્સ દ્વારા આપવામાં આવી છે.

20% ક્રૂડ ઓઇલ પુરવઠો ઠપ અને આર્થિક મંદીનો ખતરો

અમેરિકા-ઈઝરાયેલ અને ઈરાન વચ્ચે 28 ફેબ્રુઆરીએ શરૂ થયેલા યુદ્ધ (US-Israel-Iran War)ના બે મહિના પછી પણ દુનિયાનો મહત્ત્વનો હોર્મુઝ જળમાર્ગ બંધ છે. આના કારણે વિશ્વના 20% ક્રૂડ ઓઇલ અને ગેસના પુરવઠા પર અસર પડી છે, જેનાથી વૈશ્વિક ઊર્જા કિંમતો વધી છે અને આર્થિક મંદીના જોખમો ઊભા થયા છે. અમેરિકા હોર્મુઝમાં નાકાબંધી દ્વારા ક્રૂડ ઓઇલ નિકાસ અટકાવીને ઈરાનને દબાવવાનો પ્રયાસ કરી રહ્યું છે.

આ પણ વાંચો : ભારત-રશિયા સહિતના BRICS દેશો ટ્રમ્પને આપશે ઝટકો, યુદ્ધ વચ્ચે ડૉલરનો દબદબો ખતમ થશે!

ઈરાન પર નવા સૈન્ય હુમલાની ટ્રમ્પની યોજના

એક્સિયોસના અહેવાલ મુજબ, ગુરુવારે અમેરિકી રાષ્ટ્રપ્રમુખ ઈરાન પર નવા સૈન્ય હુમલાની યોજના અંગે જાહેરાત કરવાના છે જેથી ઈરાનને વાતચીતના ટેબલ પર લાવી શકાય. આ સમાચાર બાદ બેન્ચમાર્ક બ્રન્ટ ક્રૂડની કિંમતોમાં ભારે ઉછાળો જોવા મળ્યો છે. ઈરાને સ્પષ્ટ કર્યું છે કે જ્યાં સુધી તેના પર જોખમ રહેશે, ત્યાં સુધી તે હોર્મુઝમાંથી પસાર થતાં જહાજોને રોકતું રહેશે.

ટ્રમ્પની ઈરાનને ધમકી !

આ દરમિયાન ટ્રમ્પે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ દ્વારા જણાવ્યું છે કે, તેઓ ઈરાનને પરમાણુ હથિયાર નહીં રાખવા દે. તેમણે પોસ્ટમાં લખ્યું કે, ‘તેમને નોન-ન્યૂક્લિયર સમજૂતી કરતાં આવડતું નથી. તેમણે જલ્દી સમજદાર બનવું જોઈએ.’ આ પોસ્ટમાં તેમની એક તસવીર પણ હતી જેમાં તેઓ મશીનગન પકડીને ઊભેલા જોવા મળ્યા હતા, તેની સાથે લખ્યું હતું કે, ‘હું હવે મિસ્ટર નાઇસ રહ્યો નથી.’

આ પણ વાંચો : ‘અમારા નવા હથિયારથી હાર્ટએટેક આવી જશે’, ઈરાને ફરી અમેરિકા-ઈઝરાયલના ધબકારા વધાર્યા