Get The App

ભારત-રશિયા સહિતના BRICS દેશો ટ્રમ્પને આપશે ઝટકો, યુદ્ધ વચ્ચે ડૉલરનો દબદબો ખતમ થશે!

Updated: Apr 30th, 2026

GS TEAM

Google News
Google News
ભારત-રશિયા સહિતના BRICS દેશો ટ્રમ્પને આપશે ઝટકો, યુદ્ધ વચ્ચે ડૉલરનો દબદબો ખતમ થશે! 1 - image


BRICS Digital Payment System : ઈરાન અને અમેરિકા વચ્ચે વધતાં તણાવને કારણે વૈશ્વિક બજારમાં ભારે અસ્થિરતા જોવા મળી રહી છે. ભારતીય રૂપિયો ડૉલર સામે 95ના સ્તરને પાર કરી જતાં ભારત હવે પોતાની આર્થિક સુરક્ષા માટે સજાગ થયું છે. રિઝર્વ બૅંક ઑફ ઇન્ડિયા(RBI)એ બ્રિક્સ દેશો સાથે મળીને એક નવી ડિજિટલ પેમેન્ટ સિસ્ટમ વિકસાવવાનો પ્રસ્તાવ રજૂ કર્યો છે.

પશ્ચિમી પ્રતિબંધો અને ડૉલરની અનિશ્ચિતતાનો ઉકેલ

આ નવી પેમેન્ટ સિસ્ટમનો મુખ્ય ઉદ્દેશ્ય પશ્ચિમી દેશો દ્વારા લાદવામાં આવતા પ્રતિબંધો અને અમેરિકી ડૉલરની અસ્થિરતાના પ્રભાવને ઓછો કરવાનો છે. આ ફ્રેમવર્ક હેઠળ બ્રિક્સ સભ્ય દેશો (બ્રાઝિલ, રશિયા, ભારત, ચીન, દક્ષિણ આફ્રિકા, ઇજિપ્ત, ઇથોપિયા, ઇન્ડોનેશિયા, ઈરાન અને UAE) સીમા-પારના વ્યવહારો સ્થાનિક ચલણમાં જ પતાવશે. આનાથી ડૉલરમાં કન્વર્ટ કરવાની ફી બચશે અને પશ્ચિમી બૅંકો પરની નિર્ભરતા ઘટશે.

ભારત માટે 'ઇન્શ્યોરન્સ પોલિસી' સમાન

નિષ્ણાતોના મતે, આ પેમેન્ટ સિસ્ટમ ભારત માટે મહત્ત્વની વસ્તુઓની આયાત કરવા અને નાણાકીય પ્રતિબંધોથી બચવા માટે એક 'વીમા પોલિસી' જેવું કામ કરશે. બ્રિક્સ દેશો પાસે વિશ્વના 42% તેલ અને 40% અનાજનું ઉત્પાદન છે, જે આ જૂથની આર્થિક તાકાત દર્શાવે છે.

અમેરિકા સાથેના સંબંધોમાં સંતુલન

જોકે, ભારત માટે પડકાર એ છે કે આ પ્લાનથી અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ નારાજ ન થાય. ભારત અમેરિકા સાથે વ્યાપાર કરાર કરવા માટે વાટાઘાટો કરી રહ્યું છે, તેથી ભારતે અમેરિકાને વિશ્વાસમાં લેવું પડશે કે આ સિસ્ટમ ડૉલરના વિકલ્પ તરીકે નહીં, પરંતુ માત્ર વ્યવહારોને સરળ બનાવવા માટે છે. નવી દિલ્હીમાં આગામી 14-15 મેના રોજ યોજાનારી બ્રિક્સ વિદેશ મંત્રીઓની બેઠકમાં આ પેમેન્ટ કનેક્ટિવિટીના મુદ્દા પર ગંભીર ચર્ચા થવાની શક્યતા છે.