'ઈસ્લામિક નાટો'માં ભારતને ઘેરવાનું કાવતરું! પાકિસ્તાન-તુર્કીયે બાદ હવે આ પડોશી દેશ પણ હાથ મિલાવે તેવા સંકેત
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Bangladesh Islamic NATO : શેખ હસીનાએ નવી દિલ્હીમાં આશરો લીધા બાદથી ભારત અને બાંગ્લાદેશના દ્વિપક્ષીય સંબંધોમાં સતત તણાવ જોવા મળી રહ્યો છે. આ જ સમયગાળામાં બાંગ્લાદેશ હવે પાકિસ્તાન અને ચીન સાથે પોતાના સંબંધો વધુ મજબૂત કરી રહ્યું છે. હવે ઢાકા તરફથી 'ઇસ્લામિક નાટો'માં સામેલ થવાના સંકેતો આપવામાં આવ્યા છે, જે ભારતીય કૂટનીતિ અને દક્ષિણ એશિયાની સુરક્ષા માટે નવી ચિંતાનો વિષય બની શકે છે.
'ઇસ્લામિક નાટો'માં બાંગ્લાદેશની એન્ટ્રીના સંકેત
પાકિસ્તાન બાદ હવે ભારતનો વધુ એક પડોશી દેશ 'ઇસ્લામિક નાટો'માં જોડાઈ શકે છે. બાંગ્લાદેશે તાજેતરમાં એવો ઈશારો આપ્યો હતો કે, તે સાઉદી અરેબિયા, પાકિસ્તાન અને તુર્કી વચ્ચે થયેલા નવા સંરક્ષણ કરારમાં સામેલ થવાના પોતાના વિકલ્પો ખુલ્લા રાખી રહ્યું છે. આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે પૂર્વ વડાપ્રધાન શેખ હસીનાના પ્રત્યાર્પણની માંગને લઈને બંને દેશો વચ્ચે તણાવ છે. વડાપ્રધાન તારિક રહેમાનના સલાહકાર તરફથી આવેલું આ નિવેદન ભારતનું ટેન્શન નિશ્ચિતપણે વધારી શકે છે.
શું છે મક્કા પેક્ટ અથવા 'ઇસ્લામિક નાટો'?
આ મહિનાની શરૂઆતમાં પાકિસ્તાન, સાઉદી અરેબિયા અને તુર્કીએ 'મક્કા જોઈન્ટ ડિફેન્સ એગ્રીમેન્ટ'નો પાયો નાખ્યો હતો. આ સંરક્ષણ કરારની સૌથી મોટી અને મહત્ત્વની વિશેષતા એ છે કે આ 3 માંથી કોઈપણ એક દેશ પર હુમલો થશે તો તેને ત્રણેય દેશો પર થયેલો હુમલો માનવામાં આવશે. ચર્ચા છે કે આ કરારમાં અન્ય મુસ્લિમ દેશો પણ જોડાઈ શકે છે, જેથી તેને 'ઇસ્લામિક નાટો' નામ આપવામાં આવી રહ્યું છે. વિદેશ બાબતોના સલાહકાર હુમાયુ કબીરે આ કરાર અંગે જણાવ્યું હતું કે, બદલાતા વૈશ્વિક પરિદ્રશ્ય અને પોતાની જરૂરિયાતોના આધારે બાંગ્લાદેશ આ ગઠબંધનમાં સામેલ થવા પ્રત્યે સકારાત્મક વલણ ધરાવે છે. જોકે, કેટલાક નિષ્ણાતો માને છે કે આ ગઠબંધનને નાટો કહેવું યોગ્ય નથી કારણ કે આમાં દરેક દેશ પોતાના હિત સાધી રહ્યો છે અને તેમની પાસે હાલ કોઈ સમાન લક્ષ્ય નથી.
ભારત અને બાંગ્લાદેશ વચ્ચેની કડવાશ
જુલાઈ 2024 માં ઢાકામાં થયેલા હિંસક છાત્ર આંદોલન બાદ શેખ હસીનાને પદ અને દેશ બંને છોડવા પડ્યા હતા. 2024 માં તેમની સરકારના પતન બાદ તેમણે ભારતમાં આશરો લીધો છે. જેનાથી બંને દેશોના સંબંધોમાં તિરાડ પડી છે. બાંગ્લાદેશ સતત હસીનાના પ્રત્યાર્પણની માંગ કરી રહ્યું છે, જ્યારે ભારતે સ્પષ્ટ કર્યું છે કે તે ઉચિત કાનૂની પ્રક્રિયા હેઠળ આ બાબતે વિચાર કરી રહ્યું છે. ભારતના આ જવાબથી બાંગ્લાદેશ સંતુષ્ટ નથી.
ભારત પ્રવાસ અંગે અનિશ્ચિતતા અને ચીન-પાકિસ્તાન સાથે નિકટતા
બંને દેશો વચ્ચેના આ કડવાશભર્યા મુદ્દાઓને લઈને વડાપ્રધાન તારિક રહેમાનના ભારત પ્રવાસ અંગે પણ સંશય ઊભો થયો છે. હુમાયુ કબીરે સ્પષ્ટ કર્યું છે કે ભારત પ્રવાસને લઈને અત્યારે કોઈ ઉતાવળ કરવામાં આવશે નહીં. જ્યાં સુધી બંને દેશો વચ્ચે ઉચિત માહોલ નહીં બને, ત્યાં સુધી આ યાત્રા મુશ્કેલ લાગી રહી છે. આ તમામ ઘટનાક્રમ વચ્ચે બાંગ્લાદેશ ચીન અને પાકિસ્તાન સાથે નિકટતા વધારી રહ્યું છે. તાજેતરમાં જ તારિક રહેમાન ચીન પહોંચ્યા હતા અને હવે પાકિસ્તાન સાથે 'ઇસ્લામિક નાટો'માં જોડાવાનો ઈશારો કરીને ઢાકા ભારતની સુરક્ષા ચિંતાઓમાં વધારો કરી રહ્યું છે.









