8000 મીટરથી ઊંચા દુનિયાના 14 શિખરો સર કર્યા, ફક્ત 6 મહિનામાં... જાણો કોણ હતા પર્વતારોહક નિર્મલ પૂરજા
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Remembering Nirmal Purja: બ્રિટિશ-નેપાળી પર્વતારોહક નિર્મલ 'નિમ્સ' પૂરજાએ માત્ર 6 મહિના અને 6 દિવસમાં વિશ્વના સૌથી ઊંચા, દુર્ગમ અને જીવલેણ ગણાતા 14 પર્વતોને સર કરીને આખી દુનિયાને અચંબિત કરી દીધી હતી. સાહસ જેના લોહીમાં વહેતું હતું એવા નિર્મલ પર્વતારોહણ દરમિયાન પીઓકેમાં આવેલા કારાકોરમ પર્વતમાળાના 'બ્રોડ પીક' પર હિમપ્રપાત(Avalanche)નો ભોગ બન્યા. તેમની 10 સભ્યોની આંતરરાષ્ટ્રીય ટીમ પર્વત શિખરથી માત્ર થોડા જ અંતરે હતી ત્યારે ત્રાટકેલા બરફના તોફાને તેમના જીવ લઈ લીધા. નિર્મલ પૂરજાનો મૃતદેહ રવિવાર, 2 ઑગસ્ટ, 2026ના રોજ મળી આવ્યો હતો.
નિર્મલ પૂરજા કોણ હતા? જન્મ અને પારિવારિક પૃષ્ઠભૂમિ
43 વર્ષીય નિર્મલ પૂરજા પર્વતારોહણ ક્ષેત્રે 'નિમ્સ દાઈ' નામે જાણીતા હતા. તેઓ મૂળ નેપાળના વતની હતા.
- પરિવાર અને પૃષ્ઠભૂમિ: તેમનો જન્મ એક સૈનિક પરિવારમાં થયો હતો. તેમના પિતા નંદ બહાદુર ભારતીય ગોરખા સૈનિક હતા. તેમનું 3 વર્ષ પહેલાં અવસાન થયું હતું. નિર્મલના માતા પૂર્ણા કુમારી પણ હયાત નથી. ચાર ભાઈ-બહેનોમાં નિર્મલ સૌથી નાના હતા. નિર્મલ હિંદુ ધર્મ અનુસરતા હતા. તેમણે એક ગોરખા સૈનિકની પુત્રી સૂચિ સાથે લગ્ન કર્યા હતા. તેમને એક પુત્રી છે.
- બાળપણ અને સ્વભાવ: નિર્મલ બાળપણથી જ ખૂબ હઠીલા અને ઝનૂની સ્વભાવના હતા. જે નક્કી કરે તે પૂરું કરીને જ જંપતા.
- સૈન્ય સેવા: ચિતવનની સ્મોલ હેવન સ્કૂલમાં અભ્યાસ કર્યા બાદ નિર્મલ બ્રિટિશ સૈન્યની પ્રખ્યાત 'ગોરખા રાઇફલ્સ'માં જોડાયા હતા. ત્યાર બાદ તેઓ બ્રિટિશ સશસ્ત્ર દળોની 'સ્પેશિયલ બોટ સર્વિસ'(SBS)માં પસંદગી પામનારા પહેલા નેપાળી નાગરિક હતા.
પર્વતારોહણ ક્ષેત્રે મેળવેલી સિદ્ધિઓેએ વૈશ્વિક ખ્યાતિ અપાવી
- 14 શિખરોનો વર્લ્ડ રૅકોર્ડ (2019): તેમણે 'Project Possible' અંતર્ગત વિશ્વના 8,000 મીટરથી વધુ ઊંચાઈ ધરાવતા તમામ 14 શિખરોને રૅકોર્ડબ્રેક સમયમાં, માત્ર 6 મહિના અને 6 દિવસમાં, સર કરી લીધા. અગાઉ આ સિદ્ધિ મેળવનારનો રૅકોર્ડ સાડા સાત વર્ષનો હતો.
- નેટફ્લિક્સ ડોક્યુમેન્ટરી: તેમની આ અકલ્પનીય યાત્રા પર નેટફ્લિક્સ દ્વારા '14 Peaks: Nothing Is Impossible' નામે દસ્તાવેજી ફિલ્મ બની, જેણે તેમને વિશ્વભરમાં સેલિબ્રિટી બનાવી દીધા.
- K2 પર શિયાળામાં વિજય (2021): વિશ્વના બીજા સૌથી ઊંચા અને અત્યંત ખતરનાક શિખર K2 પર શિયાળાની ઋતુમાં પ્રથમ સફળ ચઢાણ કરનારી નેપાળી ટીમનું નેતૃત્વ નિર્મલ પૂરજાએ કર્યું હતું.
- એક્સપિડિશન કંપની: તેમણે 'Elite Exped' નામની સાહસિક એક્સપિડિશન કંપનીની સ્થાપના કરી હતી, જેના માધ્યમથી તેઓ અન્ય આંતરરાષ્ટ્રીય ક્લાઇમ્બર્સને માર્ગદર્શન આપતા હતા.
બ્રોડ પીક પર ભયાનક હિમપ્રપાતને પગલે સર્જાઈ દુર્ઘટના
પાકિસ્તાનની કારાકોરમ પર્વતમાળામાં આવેલું 8,051 મીટર ઊંચું બ્રોડ પીક વિશ્વનું 12મું સૌથી ઊંચું અને ચઢાણ માટે અતિશય મુશ્કેલ શિખર મનાય છે. નિર્મલ અને તેમની ટીમ 29 જુલાઈ, 2026ના રોજ પાકિસ્તાનના ગિલગિટ, બાલટિસ્થાનમાં આવેલા શિગાર જિલ્લામાંથી બ્રોડ પીકના અંતિમ ચઢાણ (Summit Push) માટે નીકળ્યા હતા. 30 જુલાઈ, 2026ના રોજ સવારે આશરે 9:00 વાગ્યે તેઓ કેમ્પ-2થી કેમ્પ-3 તરફ આગળ વધી રહ્યા હતા ત્યારે અચાનક આવેલા વિનાશક હિમપ્રપાતે તેમના પ્રાણ લઈ લીધા હતા.
અંતિમ ક્ષણોનો વીડિયો સામે આવ્યો
પાકિસ્તાની ટૂર કંપની 'કારાકોરમ વિઝન' દ્વારા સોશિયલ મીડિયા પર શેર કરાયેલા 30 જુલાઈના વીડિયોમાં નિર્મલ પૂરજા અને તેમની ટીમ 5,700 મીટરની ઊંચાઈએ પર્વત ચઢતાં સ્પષ્ટ દેખાતાં હતાં. ટીમના સભ્યો શિખરથી થોડા જ અંતરે હતા ત્યારે અચાનક પર્વત પરથી બરફની એક મહાકાય શિલા તૂટી પડી. બેઝ કેમ્પથી જોઈ રહેલા લોકોએ બરફનું તોફાન શમ્યા બાદ જોયું તો સમગ્ર ટીમ બરફના થર નીચે દટાઈ ગઈ હતી અને કોઈ પર્વતારોહક દેખાતો નહોતો.
આ એક્સપિડિશનમાં 5 દેશોના 10 સભ્ય સામેલ હતા
- નિર્મલ 'નિમ્સ' પૂરજા (ટીમ લીડર- બ્રિટિશ/નેપાળી)
- પુર બહાદુર ગુરુંગ 'યુક્તા' (પર્વતારોહક- નેપાળ)
- નીમા શેરપા (પર્વતારોહક- નેપાળ)
- કિલી પેમ્બા શેરપા (પર્વતારોહક- નેપાળ)
- ગ્યાલુ શેરપા (પર્વતારોહક- નેપાળ)
- નવાંગ થિન્દુ શેરપા (પર્વતારોહક- નેપાળ)
- નાદિરા અલ હાર્થી (મહિલા પર્વતારોહક- ઓમાન)
- મેલોરી ગીસ (મહિલા પર્વતારોહક- અમેરિકા)
- વાંગ ઝોંગ (પર્વતારોહક- ચીન)
- સોહેલ સખી (ગાઈડ અને ફોટોગ્રાફર- પાકિસ્તાન; જે આ ચઢાણ પછી નિવૃત્તિ લેવાના હતા)
રેસ્ક્યુ મિશન જારી, મૃતદેહોની વર્તમાન સ્થિતિ શું છે?
હિમપ્રપાત બાદ તરત જ પાકિસ્તાની સેના અને ગ્રાઉન્ડ રેસ્ક્યુ ટીમ દ્વારા બચાવ કામગીરી શરૂ કરાઈ હતી.
- શુક્રવાર: શોધ ટીમે પ્રથમ તબક્કામાં 4 મૃતદેહો લોકેટ કર્યા હતા. ખરાબ હવામાન છતાં હેલિકોપ્ટર દ્વારા 3 મૃતદેહો(પુર બહાદુર ગુરુંગ, નાદિરા અલ હાર્થી, અને મેલોરી ગીસ)ને નીચે લાવી સ્કાર્દુ શહેરમાં એરલિફ્ટ કરાયા.
- રવિવાર: ગ્રાઉન્ડ રેસ્ક્યુ ટીમ 5,700 મીટરની ઊંચાઈએ નિર્મલ પૂરજાના મૃતદેહ સુધી પહોંચી હતી. તેમની સાથે ચીની નાગરિક વાંગ ઝોંગ તેમજ નેપાળી પર્વતારોહકો નીમા શેરપા અને કિલી પેમ્બા શેરપાના મૃતદેહો મળી આવ્યા હતા.
- હાલની સ્થિતિ: અત્યાર સુધીમાં કુલ 7 મૃતદેહો શોધી કઢાયા છે. પાકિસ્તાની ગાઇડ સોહેલ સખી સહિત 3 પર્વતારોહકો હજુ પણ ગુમ છે.
રેસ્ક્યુ મિશનમાં અનેક પડકારોના કારણે મુશ્કેલીઓ
અતિશય દુર્ગમ ભૂપ્રદેશ, અત્યંત ખરાબ હવામાન અને પાકિસ્તાનની મર્યાદિત 'લોંગ-લાઇન હેલિકોપ્ટર' બચાવ ક્ષમતાના કારણે વધુ ઊંચાઈ પરથી બાકીના મૃતદેહો નીચે લાવવાનું કામ મુશ્કેલ બન્યું છે. લોંગ-લાઇન હેલિકોપ્ટર એટલે એવી બચાવ પદ્ધતિ જેમાં હેલિકોપ્ટર નીચે ઉતાર્યા વગર, તેના તળિયે બાંધેલા 100થી 300 ફૂટ લાંબા મજબૂત દોરડા વડે પર્વતના દુર્ગમ ઢોળાવ પરથી લોકોને કે મૃતદેહોને હવામાં લટકાવીને રેસ્ક્યુ કરવામાં આવે છે.
જન્મભૂમિમાં ઘર બનાવવાની ઇચ્છા અધૂરી રહી ગઈ
26 માર્ચ, 2023 ના રોજ નિર્મલ પૂરજા પોતાની જન્મભૂમિ દાના ગામ ગયા હતા. તેમણે પોતાની બહેન કમલાને તેમની પૂર્વજોની જમીન સાફ કરવા કહ્યું હતું અને ત્યાં ભાઈઓ સાથે મળીને પરંપરાગત શૈલીનું નવું ઘર બનાવવાની યોજના વ્યક્ત કરી હતી. કમનસીબે, તેમનું આ સ્વપ્ન અધૂરું રહી ગયું.
નિર્મલ પૂરજાના મૃત્યુના સમાચાર બાદ વિશ્વભરમાં શોક
નિર્મલ પૂરજા અને તેમની ટીમના અવસાનથી વિશ્વભરમાં શોક વ્યાપી ગયો છે. નેપાળના વડાપ્રધાન બાલેન્દ્ર શાહ, બ્રિટનના પ્રિન્સ વિલિયમ તેમજ વિવિધ દેશોના પ્રખ્યાત પર્વતારોહકોએ ઊંડા દુઃખની લાગણી વ્યક્ત કરી છે. નેપાળના ચિતવનની સ્મોલ હેવન સ્કૂલમાં વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ મીણબત્તીઓ પ્રગટાવી તેમના આત્માની શાંતિ માટે પ્રાર્થના કરી હતી.
પર્વતારોહણના ક્ષેત્રમાં નિર્મલ પૂરજાએ જે હિંમત, ઝનૂન અને આત્મવિશ્વાસ દર્શાવ્યો હતો, તે આવનારી પેઢીઓ માટે પ્રેરણારૂપ બની રહેશે.
નોંધઃ આ લખાય છે ત્યારે તમામ 10 પર્વતારોહકના મૃતદેહ મળી ચૂક્યા છે, જે તમામને નીચે લાવવાની અભિયાન શરૂ કરાયું છે.









