Supreme Court CJI News : બ્રિટનની પ્રતિષ્ઠિત યુનિવર્સિટી ઓફ લંડનના બિર્કબેક કેમ્પસમાં સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ (CJI) સૂર્યકાંતના એક કાર્યક્રમ દરમિયાન ભારે હોબાળો થયો હોવાની ઘટના સામે આવી છે. કાર્યક્રમમાં કેટલાક લોકો દ્વારા ભારતમાં લોકતાંત્રિક વાતાવરણ અને કથિત રીતે અસંમતિના અવાજોને દબાવવા અંગે પ્રશ્નો ઉઠાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ સમગ્ર ઘટનાક્રમ પર લંડન સ્થિત ભારતીય હાઈકમિશને (ઉચ્ચાયોગ) કડક પ્રતિક્રિયા આપી છે અને આ પ્રકારના કૃત્યને સાર્વજનિક સંવાદની મર્યાદાની વિરુદ્ધ ગણાવ્યું છે.
શું હતો સમગ્ર મામલો?
ચીફ જસ્ટિસ સૂર્યકાંત 4 જૂનના રોજ 'આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને આંતરરાષ્ટ્રીય કાયદો' વિષય પર વ્યાખ્યાન આપવા માટે યુનિવર્સિટી ઓફ લંડનની બિર્કબેક સંસ્થામાં પહોંચ્યા હતા. તેમના સંબોધન બાદ સવાલ-જવાબનું સત્ર રાખવામાં આવ્યું હતું, જ્યાં એક વ્યક્તિએ ભારતમાં અસંમતિ પ્રત્યે વધતી કથિત અસહિષ્ણુતાનો મુદ્દો ઉઠાવ્યો હતો.
આ દરમિયાન સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા એક વીડિયોમાં એક મહિલા એવું કહેતી જોવા મળી રહી છે કે, ભારતમાં અને આંતરરાષ્ટ્રીય સ્તરે કાયદાકીય નિરીક્ષકોએ દેશમાં અસંમતિ પ્રત્યે વધતી દુશ્મનાવટ પર ચિંતા વ્યક્ત કરી છે. આ સાથે જ મહિલાએ સીએમઆઈને તેમના તાજેતરના ‘કોકરોચ’ (વંદો) અને ‘પેરાસાઈટ’ (પરોપજીવી) સંબંધી નિવેદન પર સવાલ પૂછવાનો પ્રયાસ કર્યો હતો. જો કે, કાર્યક્રમના આયોજકોએ આ પ્રશ્નનો સ્વીકાર કરવાનો ઇનકાર કરી દીધો હતો અને સ્પષ્ટ કર્યું હતું કે કાર્યક્રમનો વિષય માત્ર એઆઈ (AI) અને આંતરરાષ્ટ્રીય કાયદો હોવાથી, તેને અસંબંધિત પ્રશ્નો સામેલ કરવામાં આવશે નહીં.
ભારતીય હાઈકમિશને શું આપી પ્રતિક્રિયા?
આ ઘટના બાદ ભારતીય હાઈકમિશને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર સત્તાવાર નિવેદન જાહેર કરીને નારાજગી વ્યક્ત કરી છે. હાઈકમિશને જણાવ્યું કે, કોઈ વ્યક્તિ દ્વારા આ રીતે આયોજિત કાર્યક્રમમાં ખલેલ પહોંચાડવાનો પ્રયાસ કરવો બિલકુલ અસ્વીકાર્ય છે. લોકતાંત્રિક સમાજમાં મતભેદો હોવા સ્વાભાવિક છે, પરંતુ તેને સભ્ય અને સન્માનજનક રીતે રજૂ કરવા જોઈએ. સંવાદની ગરિમા જાળવી રાખવી જરૂરી છે અને કાર્યક્રમોમાં અવરોધ ઊભો કરવો એ સ્વસ્થ લોકશાહીનો હિસ્સો હોઈ શકે નહીં.

AI પર CJI સૂર્યકાંતનું મહત્ત્વનું વક્તવ્ય
આ વિવાદ પહેલાં, મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંતે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના વધતા પ્રભાવ અને તેની કાયદાકીય અસરો પર વિગતવાર વાત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, ટેકનોલોજી પોતે જ કલ્યાણકારી કે નુકસાનકારક હોતી નથી, પરંતુ સમાજ અને કાયદો તેનો ઉપયોગ કેવી રીતે કરે છે તેના પર બધો આધાર છે. કાયદાનું કામ ટેકનોલોજીની પ્રગતિનો વિરોધ કરવાનું નથી, પરંતુ એ સુનિશ્ચિત કરવાનું છે કે ટેકનોલોજીકલ પાવર હંમેશા બંધારણીય મૂલ્યો, લોકતાંત્રિક વૈધતા અને માનવીય ગરિમા પ્રત્યે જવાબદાર રહે.


