World

યુરોપમાં રશિયા હાઈબ્રીડ વોર કરશે સીઆઈએની ચેતવણીથી ખળભળાટ

By GS Team
27 Sep 20263 mins read
TukuTouch Logo
અમેરિકન જાસૂસી સંસ્થા સીઆઈએએ યુરોપીયન દેશોને ચેતવણી આપી છે કે રશિયા સ્પેન, ફ્રાન્સ કે ઇટલી જેવા ભૂમધ્ય સમુદ્રના દેશો પર હાઈબ્રીડ વોર આદરી શકે છે. રશિયા સમુદ્ર માર્ગે ડ્રોન હુમલા પણ કરી શકે છે. ગેરાબેરા જેવા ડ્રોન જહાજોના કન્ટેનરમાં છુપાવીને લોન્ચ કરી શકાય છે. આ ચેતવણીથી યુરોપમાં ખળભળાટ મચ્યો છે અને સુરક્ષા સઘન બનાવાઈ રહી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

યુરોપમાં રશિયા હાઈબ્રીડ વોર કરશે સીઆઈએની ચેતવણીથી ખળભળાટ
  • ભૂમધ્ય સમુદ્રના દેશો રશિયાના નિશાના પર હોવાનો દાવો
  • રશિયા ફ્રાન્સ, ઇટાલી કે સ્પેન પર સમુદ્ર માર્ગે ડ્રોન હુમલા પણ કરી શકે તેવી સંભાવના પણ વ્યક્ત કરાઈ

વોશિંગ્ટન : અમેરિકન જાસૂસી સંસ્થા સીઆઈએએ કેટલીય યુરોપીયન સરકારોને ચેતવણી આપી છે કે સ્પેન, ફ્રાન્સ કે ઇટલી જેવા ભૂમધ્ય સમુદ્રના કેટલાય દેશોમાંથી ગમે તે દેશ સામે રશિયા હાઈબ્રીડ વોર આદરી શકે છે. આ ઉપરાંત તેમના પર ડ્રોન હુમલા પણ થઈ શકે છે. આ જાણકારી યુરોપીયન દેશોની સાથે શેર કરવામાં આવતા આખા યુરોપમાં ખળભળાટ મચ્યો છે.
સીઆઈએએ આપેલી આ ચેતવણીમાં સમુદ્રમાંથી કરવામાં આવતા સંભવિત હુમલાનો પણ સમાવેશ થાય છે. ડ્રોનને જહાજોના કન્ટેનરમાં છૂપાવીને લઈ જઈ શકાય છે. તેને સમુદ્રમાંથી લોન્ચ કરવામાં આવી શકે છે. લિથુઆનિયાના સંરક્ષણ મંત્રાલયના નજીકના સૂત્રએ જણાવ્યું હતું કે આ પ્રકારે હુમલો કરનારું ડ્રોન ગેરાબેરા હોઈ શકે છે. આ ડ્રોન લગભગ ૧૮ કિલોગ્રામ સુધીના વજનનું હોય છે. આ ડ્રોનની રેન્જ ૬૦૦ કિ.મી.ની હોવાનું કહેવાય છે. ગમે તે કોમર્સિયલ જહાજ પર આ પ્રકારના ડ્રોન લાઈ શકાય છે. આ જાણકારી સીઆઈએના ડિરેક્ટર રેટક્લિફે ૨૫ ઓગસ્ટના રોજ કરેલી મોસ્કો યાત્રા પછી તરત જ લિથુઆનિયા અને અન્ય દેશોને આપી હતી. રેટક્લિફ અમેરિકાના લશ્કરી વિમાનમાં ગયા હતા, જે રસ્તામાં રીગા ખાતે રોકાયું હતું. પરંપરાગત હવાઈ હુમલાની તુલનાએ સમુદ્રમાં છૂપાયેલા ડ્રોનથી હુમલો કરવો વધારે જટિલ હોય છે, પરંતુ તેને છૂપાવવા સરળ હોય છે. ગેરબેરા જેવા ડ્રોનની રેન્જ ૬૦૦ કિ.મી. સુધીની હોવાથી કિનારાથી ઘણે દૂર સમુદ્રમાં રહીને પણ લક્ષ્ય સુધી પહોંચી શકાય છે.
એક જહાજ પર કેટલાય ડ્રોન હોય છે. તેના કારણે એકસાથે અનેક લક્ષ્યાંકો સુધી હુમલો થઈ શકે છે.આ ઉપરાંત એક જ વિસ્તાર પર મોટાપાયા પર હુમલો થઈ શકે છે. યુરોપીયન દેશો માટે આ ભય વધુ મોટો છે, કેમકે સ્પેન, ફ્રાન્સ અને ઇટાલી ભૂમધ્ય સમુદ્રના મહત્ત્વના દેશ છે. અહીં મોટા બંદરો, લશ્કરી થાણા, ઉર્જા સગવડો અને ભારે વસ્તીવાળા શહેર છે. હવે જો કોઈ ડ્રોન હુમલો થાય છે તો ફક્ત ભૌતિક નુકસાન થશે એટલું જ નહીં, આખા વિસ્તારમાં સુરક્ષાનો માહોલ પણ બગડશે. આ હુમલો કોઈ એક દેશને ધ્યાનમાં રાખીને પણ કરવામાં આવી શકે છે, પરંતુ તેના લીધે આખા યુરોપમાં સતર્કતા વધી ગઈ છે.
યુરોપીયન સરકારો હવે પોતાના દરિયાકિનારાના વિસ્તારોની સુરક્ષા વધુ સઘન બનાવી શકે છે. વ્યાપારી જહાજોનું તપાસ વધુ આકરી થવાની સંભાવના છે. ડ્રોનની ઓળખ અને તેમને રોકવા માટે વર્તમાન એર ડિફેન્સ સિસ્ટમને વધુ સક્રિય કરી શકાય છે. નાના ડ્રોન પારંપરિક રાડાર પર સરળતાથી પકડાતા નથી. તેથી ઘણી નવી ટેકનોલોજી અને વધુ દેખરેખની જરૂર પડે છે. આ ચેતવણી યુરોપમાં ચાલતા ભૂરાજકીય તનાવ વચ્ચે આવી છે. યુક્રેનને મદદ કરવા બદલ રશિયા-પશ્ચિમી દેશો વચ્ચેના સંબંધો પહેલેથી જ તનાવપૂર્ણ છે. આ સંજોગોમાં ડ્રોન હુમલાથી ફક્ત લશ્કરી સલામતી જ નહીં નાગરિક સલામતીના પાસા પણ તેની સાથે જોડાયેલા છે.
જો કે આ ચેતવણી છે, હુમલો થશે જ તેવું નથી. આમ છતાં આ બાતમીના આધારે યુરોપીયન દેશ તેમની તૈયારી ઝડપી કરી શકે છે. બંદરો પર કન્ટેનર સ્કેનિંગ, પેટ્રોલિંગ અને ડ્રોન ડિટેકશન સિસ્ટમ પર ભાર મૂકી શકાય છે. પ્રજાકીય સ્તરે અફવાઓથી બચવા અને સત્તાવાર સૂચનાઓ પર ભરોસો કરવાની સલાહ આપી શકાય છે.