World

ચીનમાં સંભવિત આક્રમણની ગણતરીએ તાઈવાને 10-દિવસની 'હાન-કુઆંગ' લશ્કરી ડ્રીલ શરૂ કરી

By GS Team
5 Aug 20262 mins read
TukuTouch Logo
દુનિયાનું ધ્યાન ઇરાન, ગાઝા અને યુક્રેન પર હોવા છતાં, તાઈવાને ચીનના સંભવિત હુમલાને ધ્યાનમાં રાખી 10 દિવસીય 'હાન-કુઆંગ' લશ્કરી ડ્રીલ શરૂ કરી છે. તાઈપેઈમાં આર્મી, નેવી અને એરફોર્સ સાથે સામાન્ય નાગરિકોને પણ આક્રમણનો સામનો કરવાની તાલીમ અપાઈ રહી છે. અમેરિકાના ટેકા સાથે તાઈવાન આધુનિક ટેન્કો અને 5000 અનામત દળોને પણ તૈયાર કરી રહ્યું છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ચીનમાં સંભવિત આક્રમણની ગણતરીએ તાઈવાને 10-દિવસની 'હાન-કુઆંગ' લશ્કરી ડ્રીલ શરૂ કરી
  • વિશ્વનું ધ્યાન ઈરાન, રેડ-સી, ગાઝા અને યુક્રેન પર છે ત્યારે
  • તાઈવાને માત્ર સેનાઓને જ નહીં પરંતુ સામાન્ય નાગરિકોને પણ આક્રમણ સમયે સામનો કઈ રીતે કરવો તેની તાલિમ અપાશે

તાઈપેઈ : દુનિયાભરનું ધ્યાન અત્યારે ઇરાન, રેડ-સી, ગાઝા અને રશિયા-યુક્રેન યુદ્ધ પર છે ત્યારે લાગ જોઈને ભૂમિ ઉપરનું સામ્યવાદી ચીન ગમે ત્યારે હુમલો કરી બેસે તેવી ગણતરીએ તાઈવાને ૧૦ દિવસની હાન-કુઆંગ મીલીટરી ડ્રીલ શરૂ કરી દીધી છે. જેમાં તેની સેનાની ત્રણેય પાંખો, આર્મી, નેવી અને એરફોર્સને સાબદાં કરી ૧૦-દિવસની 'હાન-કુઆંગ' લશ્કરી ડ્રીલ શરૂ કરી દીધી છે. તેટલું જ નહીં પરંતુ આક્રમણ આવી જ પડે તો, તેનો સામનો કઈ રીતે કરવો તે માટે પણ સામાન્ય નાગરિકોને તાલિમ આપવામાં આવી રહી છે.
તાઈવાન ચીનની ગ્રે-ઝોન ટેક્ટિક્સનો સામનો કરવા તૈયાર થઈ રહ્યું છે. આ ગ્રે-ઝોન-ટેક્ટિક્સ ખુલ્લાં યુદ્ધથી માત્ર એક ડગલું જ દૂર છે. આથી ચેતી જઈ તાઈવાને ટાપુ પર રહેલાં વિવિધ સ્થળોએ આ 'હાન-કુઆંગ' ડ્રીલ શરૂ કરી દીધી છે.
આ ડ્રીલને અમેરિકાનો આડકતરો ટેકો પણ છે. તેમાં તાઈવાન અમેરિકાથી મેળવેલી આધુનિક ટેન્કોને પણ જોડી રહ્યું છે. તે સાથે ૫૦૦૦ અનામત દળોને પણ યુદ્ધ કાર્યરત રહેવા તૈયાર કરી રહ્યું છે. ગત વર્ષે પણ આવી જ ડ્રીલ યોજાઈ હતી. પરંતુ તે સમયે માત્ર ૩૦૦૦ જેટલા જ રીઝર્વીસ્ટને ડ્રીલમાં જોડવામાં આવ્યા હતા.
ચીન-તાઈવાન વચ્ચેના વિરોધનું મૂળ તેમાં છે કે ચીન તાઈવાનને પોતાનો જ પ્રદેશ માને છે. જ્યારે તાઈવાન પોતાને સ્વતંત્ર સાર્વભોમ રાષ્ટ્ર ગણે છે. જે છે પણ ખરું.
આથી તાઈવાન હવે સંભવિત આક્રમણ સામે પૂરેપૂરું તૈયાર થઈ રહ્યું છે. કારણ કે કેટલાક સમય પૂર્વે ચીનના સરમુખત્યાર શી-જિનપિંગે જાહેરમાં કહ્યું હતું કે અમે છૂટા પડેલા અમારા પ્રાંત તાઈવાનને સમજાવી અમારી સાથે જોડવા માગીએ છે. પરંતુ તે જોડાવા નહીં માને તો અમે બળપૂર્વક તેને જોડી દેશું.
આ સાથે તે પણ ઉલ્લેખનીય છે કે ગત મે માસમાં અમેરિકાના પ્રમુખ ટ્રમ્પ ચીનની મુલાકાતે ગયા હતા. ત્યારે શી-જિનપિંગે તેમને વચન આપ્યું હતું કે તમે જ્યાં સુધી પ્રમુખપદે છો ત્યાં સુધી તો હું તાઈવાન પર હુમલો નહીં કરું પરંતુ ટ્રમ્પ અમેરિકા પાછા ફર્યા તેના બીજા જ દિવસે ચીને તાઈવાન ફરતાં આઠ યુદ્ધ જહાજો મોકલ્યાં તેમાં ૨૪ યુદ્ધ વિમાનો તાઈવાન ફરતાં ઊડી રહ્યાં હતાં. સહજ છે કે તાઈવાન સંભવિત આક્રમણ સામે તૈયાર થાય જ.