- દુનિયાની નજર મધ્યપૂર્વ યુધ્ધ ઉપર છે ત્યારે
- પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે દાવો કર્યો છે કે : 'તાઈવાનની પરિસ્થિતિ અમારા હાથમાં જ છે : મારી અને પ્રમુખ શી વચ્ચે તાઈવાન અંગે મંત્રણા ચાલે છે'
નવી દિલ્હી : તાઈવાને મંગળવારે જણાવ્યું હતું કે 'અમારી ફરતાં ચીનના નૌકાદળનાં ૮ યુધ્ધ જહાજોએ ઘેરો નાખ્યો છે. ઉપરાંત બીજા પાંચ જહાજો પણ તાઈવાન ફરતાં ઘૂમી રહ્યાં છે. તેમજ આજ (મંગળવારે) બપોર સુધીમાં જ ચીનનાં યુધ્ધ વિમાનોએ તાઈવાન ઉપરથી ૭ સોર્ટી કરી નાખી છે.
નિરીક્ષકો તેમ કહે છે કે, દુનિયા આખીની નજર અત્યારે મધ્ય પૂર્વમાં અમેરિકા-ઇરાન યુધ્ધ તેમજ ઇઝરાયલ હીઝબુલ્લા યુધ્ધ ઉપર છે. ત્યારે તાઈવાનને ડરાવવા ચીને મોટાપાયે આ લશ્કરી કાર્યવાહી તેની ફરતી હાથ ધરી છે. તે સર્વવિદીત છે. ચીન તાઈવાનને પોતાનો એક પ્રાંત જ દર્શાવે છે, જ્યારે તાઈવાન પોતાને એક સાર્વભૌમ-સ્વતંત્ર રાષ્ટ્ર તરીકે દર્શાવે છે.
તાઈવાનની મીલીટ્રી ઓફ નેશનલ ડીફેન્સે (એમએલડી) મંગળવારે સવારે છ વાગ્યા આસપાસ તેના સૈન્યના અધિકારીઓને જણાવ્યું હતું કે ચીનના નૌકાદળનાં ૮ યુધ્ધ જહાજો પાંચ અન્ય સરકારી જહાજો, તાઈવાનને ઘેરીને પડયાં છે અને ચીનના યુધ્ધ વિમાનોની સાત, સાત સોર્ટીઝ તાઈવાનના દક્ષિણ પશ્ચિમ ભાગ ઉપરથી પસાર થઇ હતી. અમે પરિસ્થિતિ ઉપર પુરું ધ્યાન રાખીએ છીએ.
દરમિયાન અમેરિકાના પ્રમુખ ટ્રમ્પે એન્ડૂઝ જોઇન્ટ મીલીટરી બેઝ ઉપર સૈનિકોને સંબોધતાં સોમવારે જણાવ્યું હતું કે તાઈવાન વિષે હું દરેક સાથે વાત કરવાનો છું. અત્યારે તો ત્યાં પરિસ્થિતિ આપણા હાથમાં છે. મારી અને પ્રમુખ શી જિનપિંગ વચ્ચે તાઈવાન પ્રશ્ને લંબાણપૂર્વક વાતચીત યોજાઇ હતી. તમોને આશ્ચર્યજનક લાગશે પરંતુ તે મીટીંગ હકીકતમાં આશ્ચર્યજનક રીતે સફળ રહી હતી.


