Get The App

Explainer : તાઇવાન પર ચીનના હુમલાની આક્રમક તૈયારી, જાણો શું છે ‘ડેવિડસન વિન્ડો’નો રસપ્રદ વિચાર

Updated: Jun 10th, 2026

GS TEAM

Google News
Google News
Explainer : તાઇવાન પર ચીનના હુમલાની આક્રમક તૈયારી, જાણો શું છે ‘ડેવિડસન વિન્ડો’નો રસપ્રદ વિચાર 1 - image

China’s 2027 Taiwan Deadline : રશિયા-યુક્રેન યુદ્ધ અને અમેરિકા-ઈઝરાયેલ-ઈરાન સંઘર્ષથી ત્રાસેલી દુનિયાને માથે ત્રીજા યુદ્ધની તલવાર લટકી રહી છે, અને એ યુદ્ધ છે ચીન અને તાઇવાન વચ્ચે તોળાઈ રહેલું યુદ્ધ. વૈશ્વિક રાજકારણમાં અત્યારે ચર્ચા ચાલી રહી છે કે, ચીન 2027માં તાઇવાન પર આક્રમણ કરવા જઈ રહ્યું છે! તાઇવાનની આસપાસ ચીની વાયુસેના અને નૌકાદળની સતત વધી રહેલી ગતિવિધિથી દુનિયાભરના નિષ્ણાતો ચિંતામાં મૂકાઈ ગયા છે. આ મુદ્દે અમેરિકાના એક લશ્કરી અધિકારી દ્વારા અપાયેલી 'ડેવિડસન વિન્ડો'ની ચેતવણી પણ ચર્ચાસ્પદ બની છે. 

ચાલો, સમજીએ આ ‘ડેવિડસન વિન્ડો’ શું છે અને 2027નું વર્ષ ચીન માટે આટલું ખાસ કેમ છે.

ડેવિડસન વિન્ડો એટલે શું?

'ડેવિડસન વિન્ડો' (Davidson Window) એ બીજું કંઈ નહીં, પરંતુ ચીનની લશ્કરી સજ્જતાને માપવાનો અમેરિકાનો વ્યૂહાત્મક ખ્યાલ છે. વર્ષ 2021માં યુએસ ઇન્ડો-પેસિફિક કમાન્ડના તત્કાલીન કમાન્ડર એડમિરલ ફિલિપ ડેવિડસને એક ગંભીર ચેતવણી આપતાં જણાવ્યું હતું કે ચીન 2027 સુધીમાં તાઇવાન પર જબરદસ્તીથી નિયંત્રણ મેળવવા માટે તેની સૈન્ય શક્તિને ‘અજેય સ્તરે’ તૈયાર કરી લેશે. સંરક્ષણની દુનિયામાં 2021થી 2027 વચ્ચેનો આ સમયગાળો 'ડેવિડસન વિન્ડો' તરીકે ઓળખાય છે. આ ચેતવણીને પગલે જ અમેરિકન કોંગ્રેસે તાઇવાનની સુરક્ષા માટે અબજો ડૉલરની સૈન્ય સહાય મંજૂર કરી છે.

ચીન માટે 2027નું વર્ષ શા માટે આટલું મહત્ત્વનું છે?

ચીન માટે વર્ષ 2027 લશ્કરી અને રાજકીય બંને દૃષ્ટિએ ખૂબ જ ખાસ છે. એના કારણો નીચે મુજબ છે.

  • PLAની 100મી વર્ષગાંઠ: ચીનની સેના એટલે કે પીપલ્સ લિબરેશન આર્મીની સ્થાપનાને 2027માં 100 વર્ષ પૂરા થઈ રહ્યા છે.
  • જિનપિંગની સત્તા: ચીની કમ્યુનિસ્ટ પાર્ટીની 21મી રાષ્ટ્રીય કોંગ્રેસ આ જ સમયગાળામાં યોજાવાની છે. જો જિનપિંગ ફરીથી 5 વર્ષનો કાર્યકાળ મેળવે, તો તેઓ માઓ ઝેદોંગ પછી ચીનના સૌથી લાંબા સમય સુધી શાસન કરનારા સર્વોચ્ચ નેતા બનશે.
  • સૈન્ય આધુનિકીકરણનું લક્ષ્ય: જિનપિંગે સેનાને આધુનિક યુદ્ધો જીતવા જેટલી સક્ષમ સૈન્ય ક્ષમતા હાંસલ કરવાની તૈયારી કરવા માટે જે લક્ષ્ય આપ્યું હતું, તેની સમયમર્યાદા પણ 2027 છે.

પૂર્વ સીઆઇએ ડિરેક્ટર વિલિયમ બર્ન્સ અને અમેરિકન અધિકારીઓના મતે, 2027 એ આક્રમણની ડેડલાઇન નથી પરંતુ 'તૈયારીનું લક્ષ્ય' છે. તેનો અર્થ એ છે કે જિનપિંગે પોતાની સેનાને ત્યાં સુધીમાં ‘અજેય બનવા જેટલી સક્ષમ’ બનવા કહ્યું છે.

ચીન શા માટે તાઇવાન કબજે કરવા માંગે છે?

ચીન મુખ્ય બે કારણસર તાઇવાન કબજે કરવા માંગે છે. 

1. વન ચાઇના પોલિસી - ચીન તાઇવાનને પોતાનો જ એક 'બળવાખોર પ્રાંત' (Renegade Province) માને છે. ભૂતકાળમાં અલગ થઈ ગયેલા આ પ્રાંતને ફરીથી ચીનમાં સમાવીને જિનપિંગ ચીનનું 'મહાન પુનઃએકીકરણ' (Great Reunification) કરવા ઇચ્છે છે. 

2. સેમિકન્ડક્ટર ક્ષેત્ર પર કબજો - તાઇવાન દુનિયાના 90% કરતાં વધુ ઍડ્વાન્સ સેમિકન્ડક્ટર (કમ્પ્યુટર ચિપ્સ) બનાવે છે. જો તાઇવાન ચીનમાં ભળી જાય તો અબજો ડૉલરનું સેમિ કન્ડક્ટર ક્ષેત્ર ચીનને મળી જાય અને ચીન આખી દુનિયાના સ્માર્ટફોન, કાર, મિલિટરી શસ્ત્રો અને AI ટૅક્નોલૉજીને પોતાને ઇશારે ચલાવી શકે. 

શું તાઇવાન ખરેખર ચીનનો હિસ્સો હતું?

ચીનનો દાવો છે કે તાઇવાન મૂળ તો ચીનનો જ ભાગ છે, એટલે એને ચીનમાં ભેળવી દેવાનો ચીનને હક છે. પણ હકીકત કંઈક જુદી જ છે. તાઇવાનનો રસપ્રદ ઇતિહાસ તબક્કાવાર જોઈએ. 

  • મૂળ નિવાસીઓ- હજારો વર્ષ પહેલાં તાઇવાનમાં જે લોકો રહેતા હતા તેઓ ચીની (Han Chinese) નહોતા, પરંતુ ઓસ્ટ્રોનેશિયન(Austronesian) આદિવાસી હતા. એ જ પ્રજાતિ જે અત્યારે ફિલિપાઇન્સ, ઇન્ડોનેશિયા અને હવાઈ ટાપુઓમાં જોવા મળે છે. 
  • યુરોપિયન શાસન- ચીનનો તાઇવાન સાથે કોઈ પણ પ્રકારનો સંબંધ બંધાય તે પહેલાં ઈસ. 1624માં નેધરલૅન્ડના ડચ લોકોએ દક્ષિણ તાઇવાન પર અને સ્પેનિશ લોકોએ ઉત્તર તાઇવાન પર શાસન સ્થાપ્યું હતું. ડચ લોકો જ ચીનથી મજૂરોને તાઇવાન લાવ્યા હતા, જેના કારણે ત્યાં ચીની વસ્તી વધવાની શરૂઆત થઈ હતી.
  • ચીનનો પ્રથમ સત્તાવાર કબજો- ચીનમાં ક્વિંગ (મંચુ) રાજવંશનું શાસન આવ્યું, ત્યારે ઈસ. 1683માં તેમણે પહેલીવાર તાઇવાન ટાપુને ચીનના સામ્રાજ્યનો એક પ્રાંત બનાવ્યો. ક્વિંગ રાજાઓએ તાઇવાન પર આશરે 200 વર્ષ શાસન કર્યું, પરંતુ તેમણે આ ટાપુના માત્ર પશ્ચિમ કિનારા પર જ નિયંત્રણ રાખ્યું. તાઇવાનના પહાડી વિસ્તારો અને ત્યાંના મૂળ આદિવાસીઓ પર તેમનું કોઈ ખાસ નિયંત્રણ નહોતું. 
  • જાપાનનો કબજો- ઈસ. 1895માં ચીનના ક્વિંગ સામ્રાજ્ય અને જાપાન વચ્ચે યુદ્ધ થયું, જેમાં ચીનની હાર થઈ. સંધિના ભાગરૂપે ચીને તાઇવાન જાપાનને સોંપી દેવું પડ્યું. આગામી 50 વર્ષ (1945) સુધી તાઇવાન પર જાપાનનું શાસન રહ્યું. આ ગાળા દરમિયાન તાઇવાનનો ચીન સાથેનો સંપર્ક સાવ તૂટી ગયો.
  • આધુનિક વિવાદની શરૂઆત-  બીજા વિશ્વયુદ્ધમાં જાપાનની હાર થઈ એટલે 1945માં તાઇવાન ફરીથી ચીનને મળ્યું. તે સમયે ચીનમાં રાષ્ટ્રવાદી KMT - Kuomintang સરકાર હતી, જેના નેતા ચિઆંગ કાઈ-શેક હતા.
  • ગૃહયુદ્ધે બાજી પલટી- ઈસ. 1949માં ચીનમાં ગૃહયુદ્ધ ફાટી નીકળ્યું. માઓ ઝેદોંગની કમ્યુનિસ્ટ પાર્ટી જીતી ગઈ. તેમણે મેઇનલૅન્ડ ચીન પર કબજો કરીને પીપલ્સ રિપબ્લિક ચાઇના બનાવ્યું. હારેલી KMT સરકારના લાખો સૈનિકો અને નેતાઓ ભાગીને તાઇવાન જતા રહ્યા અને ત્યાં પોતાની અલગ સરકાર એટલે કે રિપબ્લિક ઓફ ચાઇના ચલાવવા લાગ્યા.
  • ચીનનો દાવો પોકળ- ચીનનો દાવો છે કે તાઇવાન સદીઓથી તેમનો ઐતિહાસિક ભાગ છે. પરંતુ હકીકત એ છે કે ક્વિંગ રાજવંશ પહેલાં તાઇવાન ક્યારેય ચીનનો ભાગ નહોતું. 1949માં આજનું આધુનિક ચીન બન્યું, ત્યારથી લઈને આજ સુધી એક પણ દિવસ માટે કમ્યુનિસ્ટ ચીને તાઇવાન પર શાસન કર્યું નથી. એટલે સદીઓ અગાઉના કનેક્શનને આધારે આજે ચીન તાઇવાન પર દાદાગીરી કરે એ વાજબી નથી.

શું ચીન ખરેખર આક્રમણ કરશે, ગુપ્તચર તંત્રના રિપોર્ટ શું કહે છે?

માર્ચ 2026માં જાહેર થયેલા યુએસ ઈન્ટેલિજન્સ એસેસમેન્ટ મુજબ, ચીન હાલમાં 2027માં તાઇવાન પર સીધો સૈન્ય હુમલો કરવાની કોઈ યોજના ધરાવતું નથી. ચીન હજી પણ યુદ્ધ કર્યા વગર દબાણની રાજનીતિ (Grey-zone operations) દ્વારા તાઇવાનને પોતાનામાં ભેળવી દેવાનું લક્ષ્ય રાખી રહ્યું છે. જો કે, તેણે લશ્કરી વિકલ્પો તો ખુલ્લા જ રાખ્યા છે. એટલે કે ચીન ભલે અત્યારે હુમલો નહીં કરે, એવું જણાતું હોય, પણ 2027 આવતાં સુધીમાં ચીનનો ઇરાદો બદલાઈ જાય એવું પણ બની શકે.

આ પણ વાંચો : VIDEO : PoKમાં પાકિસ્તાની સેનાનું Mi-17 હેલિકોપ્ટર ક્રેશ, 21ના મોત

તાઇવાનની વળતી સૈન્ય તૈયારી

ચીનના સંભવિત ખતરાને જોતાં તાઇવાન પણ પોતાની સંરક્ષણ વ્યવસ્થાને મજબૂત કરવા માટે નીચે મુજબના પગલાં લઈ રહ્યું છે.

- અમેરિકન શસ્ત્રોની ખરીદી: તાઇવાન અમેરિકા પાસેથી આશરે 14 અબજ યુએસ ડૉલર સુધીના હથિયારો ખરીદવા માટે ચર્ચા કરી રહ્યું છે.

- આધુનિક શસ્ત્રોની તહેનાતી: પેંગુ અને ડોંગયિન જેવા સંવેદનશીલ ટાપુઓ પર હિમાર્સ (HIMARS) રોકેટ સિસ્ટમ્સ અને લાંબા અંતરની મિસાઇલો ગોઠવાઈ રહી છે.

- અસમપ્રમાણ યુદ્ધ વ્યૂહરચના: નાકાબંધી રોકવા એન્ટિ-શિપ મિસાઇલો, ડ્રોન અને મોબાઇલ લોન્ચર્સ પર વધુ ધ્યાન અપાઈ રહ્યું છે. આ દાયકાના અંત સુધીમાં હાર્પૂન અને સ્વદેશી 'શિંગ ફેંગ' (Hsiung Feng) મિસાઇલોનો મોટો જથ્થો તહેનાત કરાશે.

- સંરક્ષણ બજેટમાં વધારો: વર્ષ 2026માં તાઇવાનની સંસદમાં વધારાના આક્રમક સંરક્ષણ બજેટ અંગે ભારે ચર્ચા બાદ પ્રસ્તાવો રજૂ થયા છે.

અમેરિકાની 'વ્યૂહાત્મક અસ્પષ્ટતા' અને ટ્રમ્પની અસમંજસ

તાઇવાન બાબતે અમેરિકા તરફથી મિશ્ર સંકેતો મળે છે ત્યારે સ્થિતિ વધુ ગૂંચવાય છે. અમેરિકાની ઓફિશિયલ પોલિસીને 'વ્યૂહાત્મક અસ્પષ્ટતા' (Strategic Ambiguity) કહેવાય છે. એટલે કે જો ચીન હુમલો કરશે તો અમેરિકા સીધું યુદ્ધમાં કૂદશે કે નહીં, તે અમેરિકા ક્યારેય ખુલ્લેઆમ કહેતું નથી. આ અસ્પષ્ટતા જ ચીનને રોકી રાખે છે.

અમેરિકન પ્રમુખ ટ્રમ્પે પણ આ મામલે અસ્પષ્ટ વલણ રાખ્યું છે. ટ્રમ્પ દાવો કરી ચૂક્યા છે કે, ‘જિનપિંગે તેમને ખાતરી આપી છે કે, મારા કાર્યકાળમાં ચીન તાઇવાન પર હુમલો નહીં કરે.’ જો કે, ચીને સત્તાવાર રીતે આ વાત સ્વીકારી નથી, અને ‘અભી બોલા અભી ફોક’ માટે જાણીતા ટ્રમ્પના કહ્યા પર કેટલો ભરોસો કરવો, એ પણ મોટો પ્રશ્ન છે. બીજી બાજુ, અમેરિકાએ તાઇવાનને શસ્ત્રોની સપ્લાય અને સૈન્ય સહાય પણ ચાલુ રાખી છે.

ચીનની સેના ‘અજેય’ બની જશે?

મુખ્ય પ્રશ્ન એ નથી કે ચીન 2027માં તાઇવાન પર હુમલો કરી જ દેશે કે નહીં; પ્રશ્ન એ છે કે શું 2027 સુધીમાં ચીનની સેના એટલી શક્તિશાળી બની જશે કે તે ધારે ત્યારે તાઇવાનને પચાવી પાડે? 'ડેવિડસન વિન્ડો' એ યુદ્ધની શરૂઆતનું વર્ષ નથી, પણ ચીનની યુદ્ધ લડવાની સર્વોચ્ચ ક્ષમતા હાંસલ કરવાનું વર્ષ છે, જેના પર આખી દુનિયાની નજર છે.

આ પણ વાંચો : ‘શાંતિપૂર્ણ દેશો’ની યાદી જાહેર, રેન્કિંગમાં અમેરિકાને મોટો ઝટકો, જાણો ભારત-પાકિસ્તાન કયા નંબરે