ચીને ચૂંટણીમાં દખલ દઇ 22 કરોડ મતદારોના ડેટા ચોર્યા હતા : ટ્રમ્પ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

વોશિંગ્ટન: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ચૂંટણી સુરક્ષાને લઇને રાષ્ટ્રને સંબોધન કર્યું હતું. આ દરમિયાન ટ્રમ્પે અગાઉના ચૂંટણી પરિણામોને લઇને કેટલાક સવાલો ઉઠાવ્યા હતા. ટ્રમ્પે દાવો કર્યો હતો કે ૨૦૨૦માં અમેરિકાની સામાન્ય ચૂંટણીમાં મોટી હેરરીતિ આચરવામાં આવી હતી. આ ચૂંટણીમાં ચીને દખલ દીધી હતી અને અમેરિકાના ૨૨ કરોડ મતદારોના ડેટા ચોરી લીધા હતા. ટ્રમ્પ એ ચૂંટણીની વાત કરી રહ્યા છે જેમાં તેઓ જો બાઇડેન સામે હાર્યા હતા.
અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકાના નાગરિકો માટે એક સંદેશો જાહેર કર્યો હતો. જેમાં તેમણે એવો દાવો કર્યો કે જેને કારણે અમેરિકાનું રાજકારણ ગરમાયું હતું સાથે જ અમેરિકા અને ચીન વચ્ચે ફરી વિવાદ વધવાના એંધાણ છે. ટ્રમ્પે કહ્યું હતું કે ચીને અમેરિકામાં ૨૦૨૦માં યોજાયેલી સામાન્ય ચૂંટણીમાં ગેરરીતિ આચરી હતી. ચીને ૨૨ કરોડ મતદારોનો ડેટા ચોરી લીધો હતો, આટલો મોટો ડેટા ચોરાયો હોવાની જાણકારી અમેરિકાની એજન્સીઓ પાસે હોવા છતા તેને છૂપાવવામાં આવી અને કોઇ જ કાર્યવાહી કરવામાં ન આવી તેવો દાવો ટ્રમ્પે કર્યો હતો.
ટ્રમ્પે દાવો કર્યો હતો કે ૨૦૨૦ની ચૂંટણીમાં ચીને દખલ દીધી હતી તેની જાણકારી તે સમયે અમેરિકાની તમામ સુરક્ષા એજન્સી પાસે હતી, ચીને અમેરિકાની ચૂંટણીમાં અમેરિકાના ડેટા સાથે અત્યાર સુધીની સૌથી મોટી છેરપિંડી કરી છે. આ જાણકારી તાજેતરમાં જાહેર થયેલા દસ્તાવેજોના આધારે સામે આવી હતી. જે પણ મતદારોના ડેટા ચોરી કરવામાં આવ્યા છે તેમાં મતદારોના નામ, સરનામું, ફોન નંબર, રાજકીય પાર્ટીની પસંદગી અને અન્ય સંવેદનશીલ માહિતીઓનો સમાવેશ થાય છે. ડેટાની આ ચોરી ભવિષ્યમાં અમેરિકાની ચૂંટણીમાં સુરક્ષાને લઇને મોટો ખતરો પેદા કરી શકે છે. અમેરિકાની એજન્સીઓને ૨૦૨૦માં જ આ ડેટા ચોરીની જાણકારી મળી ગઇ હતી. અમેરિકાના આશરે ૧૮ રાજ્યોમાં કરોડોના ડેટા ચીને ખરીદ્યા, ચોરી કર્યા કે હેક કરી લીધા હતા. જોકે એજન્સીઓએ આ માહિતી છૂપાવી.
બીજી તરફ ટ્રમ્પના પ્રથમ કાર્યકાળ દરમિયાન અમેરિકાના નેશનલ ઇન્ટેલિજન્સના ડેપ્યુટી ડાયરેક્ટર સુસેન એમ ગોર્ડને ટ્રમ્પના આ નિવેદનને ખતરનાક ગણાવ્યું હતું. તેમણે કહ્યું હતું કે ટ્રમ્પના પ્રથમ કાર્યકાળ દરમિયાન સુરક્ષા એજન્સીઓએ ચૂંટણીમાં વિદેશી દખલને લઇને ચેતવણી આપી હતી. જોકે ટ્રમ્પે આ ચેતવણી પ્રત્યે કોઇ જ ધ્યાન નહોતુ આપ્યું અને તપાસ પર જ સવાલો ઉઠાવ્યા હતા. તે સમયે કાર્યવાહી માટે ટ્રમ્પ પાસે પોતાનો પુરો કાર્યકાળ હતો તેમ છતા તેઓ મૌન રહ્યા અને હવે જો ડાઇડેન પર ઢોળી રહ્યા છે.




