ચીને LAC નજીક તહેનાત કર્યા 12 J-20 સ્ટીલ્થ ફાઇટર જેટ, સેટેલાઇટ તસવીરોમાં ખુલાસો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

China deploys J-20 stealth jets near LAC: ભારત સાથેની વાસ્તવિક નિયંત્રણ રેખા(LAC) સામે ચીનની સરહદે ચીની વાયુસેનાની મોટી હલચલ સામે આવી છે. સેટેલાઇટ તસવીરોમાં ખુલાસો થયો છે કે ચીને ભારતીય સરહદ તરફ તેના બે એરબેઝ પર ઓછામાં ઓછા 12 અત્યાધુનિક J-20 સ્ટીલ્થ ફાઇટર જેટ તહેનાત કર્યા છે. તાજેતરના વર્ષોમાં સરહદ નજીક ફિફ્થ જનરેશન સ્ટીલ્થ વિમાનોનો આ સૌથી મોટો જમાવડો માનવામાં આવી રહ્યો છે.
'વાન્ટોર' (Vantor) નામની કોમર્શિયલ સેટેલાઇટ ફર્મ દ્વારા લેવાયેલી આ તસવીરોમાં પીપલ્સ લિબરેશન આર્મી એરફોર્સ (PLAAF) દ્વારા શિનજિયાંગના હોટાન એરબેઝ અને તિબેટના દામક્ષુંગ એરબેઝ પર આ વિમાનો તહેનાત કરાયેલા દેખાય છે.
ક્યાં કેટલા વિમાનો તહેનાત કરાયા?
હોટાન એરબેઝ (શિનજિયાંગ): 9 જુલાઈની તસવીરો અનુસાર, શિનજિયાંગ ઉઇઘુર સ્વાયત્ત વિસ્તારમાં આવેલા આ નાગરિક અને લશ્કરી (દ્વાર-ઉપયોગી) એરબેઝના ટારમેક (રન-વે) પર 8 J-20 ‘માઇટી ડ્રેગન’ સ્ટીલ્થ ફાઇટર પાર્ક કરેલા જોવા મળ્યા હતા. હોટાન એરબેઝ ઉત્તર લદાખમાં આવેલી ભારતીય વાયુસેનાની દૌલત બેગ ઓલ્ડી (DBO) નામની ફોરવર્ડ પોસ્ટ (સેનાની ચોકી) આશરે 245 કિ.મી. અને લેહથી આશરે 389 કિમી દૂર આવેલું છે.
દામક્ષુંગ એરબેઝ (તિબેટ): 25 જૂનની અન્ય એક સેટેલાઇટ તસવીરમાં તિબેટના લ્હાસા પ્રદેશમાં આવેલા દામક્ષુંગ એરબેઝ પર વધુ 4 J-20 વિમાનો પ્રોટેક્ટિવ કેનોપી કવર (રક્ષણાત્મક શેડ) નીચે પાર્ક થયેલા દેખાયા હતા. આ એરબેઝ અરુણાચલ પ્રદેશના તવાંગથી ઉત્તર-પશ્ચિમમાં આશરે 344 કિમી દૂર છે.
આમ, માત્ર બે સપ્તાહના સમયગાળામાં જ બંને લોકેશન પર મળીને કુલ 12 જેટલા J-20 સ્ટીલ્થ ફાઇટર વિમાનો કેમેરામાં કેદ થયા છે.
આ તહેનાતી ભારત માટે કેમ મહત્ત્વની છે?
J-20 એ ચીનનું પ્રમુખ સ્ટીલ્થ ફાઇટર છે, જે તેની ખાસ એરફ્રેમ ડિઝાઇનને કારણે રડારની પકડમાં આવ્યા વિના હુમલો કરી શકે છે. તે ચીનના વિમાનોના કાફલાનું સૌથી અદ્યતન ફાઇટર જેટ ગણાય છે.
સંરક્ષણ સૂત્રોના જણાવ્યા મુજબ, ઊંચાઈવાળા વિસ્તારોમાં આવેલા એરબેઝ પર J-20 વિમાનોનું વારંવાર દેખાવું એ દર્શાવે છે કે ચીન હવે કોઈ ચોક્કસ ઘટનાના પ્રતિભાવરૂપે અસ્થાયી ધોરણે નહીં, પરંતુ નિયમિત લશ્કરી વ્યૂહરચનાના ભાગરૂપે જ આ તહેનાતી કરી રહ્યું છે.
ભારત માટે પડકારજનક સ્થિતિ હોવાનો પણ મત
આ તહેનાતી એવા સમયે સામે આવી છે જ્યારે ભારતીય વાયુસેના તેના ઘટતા ફાઇટર સ્ક્વોડ્રનની સમસ્યાનો સામનો કરી રહી છે. ભારતનો સ્વદેશી LCA તેજસ Mk1A પ્રોજેક્ટ બે વર્ષથી વધુ સમયથી વિલંબમાં છે, જ્યારે રાફેલ સહિત 114 મલ્ટી-રોલ ફાઇટર એરક્રાફ્ટ(MRFA)ની ખરીદી પ્રક્રિયા હજુ સરકારી પ્રક્રિયા હેઠળ જ આગળ વધી રહી છે.
ચીનના સૈન્ય આધુનિકીકરણનો ભાગ:
અગાઉ પણ આ બંને એરબેઝ પર ચીની સૈન્યની ગતિવિધિ નોંધાઈ હતી, પરંતુ અગાઉની તસવીરોમાં J-20 વિમાનોની સંખ્યા ઓછી હતી. નવી તસવીરો સ્પષ્ટ કરે છે કે ચીને સરહદ પર ફ્રન્ટલાઇન સ્ટીલ્થ ફાઇટર્સની સંખ્યામાં નોંધપાત્ર વધારો કર્યો છે. આ પગલું શિનજિયાંગ અને તિબેટમાં પોતાના લશ્કરી માળખાને મજબૂત કરવાના ચીનના વ્યાપક પ્રયાસોનો એક ભાગ છે.
ઉલ્લેખનીય છે કે, ભારત અને ચીન વચ્ચે 3,488 કિ.મી. લાંબી સરહદ છે. વર્ષ 2020માં પૂર્વ લદાખની ગલવાન ઘાટીમાં થયેલી હિંસક વિવાદ બાદ બંને દેશો વચ્ચે તણાવ છે. આ દરમિયાન બંને દેશે વાટાઘાટો દ્વારા કેટલાક ફ્રિકશન પોઇન્ટ્સ પરથી સૈન્ય પાછું ખેંચાયું હોવા છતાં, બંને દેશે LAC પર સૈનિકો, બખ્તરબંધ વાહનો અને અદ્યતન એર એસેટ્સ (વાયુસેનાના સાધનો) નો ભારે જમાવડો યથાવત્ રાખ્યો છે.









