- આખું વિશ્વ ઇરાન, ઇઝરાયેલ અને અમેરિકાના યુદ્ધમાં વ્યસ્ત છે ત્યારે...
- પરમાણુ હુમલો થાય તો આક્રમક રીતે વળતો જવાબ આપવા આ સ્થળનો ચીન ઉપયોગ કરે તેવી શક્યતાઓ
બેજિંગ : ચીનના પરમાણુ હથિયારોને લઇને મોટો ખુલાસો થયો છે, ચીન પોતાના પરમાણુ હથિયારોને વધુ સુરક્ષિત રાખવા માટે પરમાણુ પ્લાન્ટની બાજુમાં જ મોટું સૈન્ય મથક તૈયાર કરી રહ્યું છે. ભવિષ્યમાં પરમાણુ હથિયારો વિરુદ્ધમાં યુદ્ધ થાય તો પોતાના હથિયારોને અમેરિકા જેવા મોટા દેશોના હુમલાથી બચાવવા માટે ચીન આ સુવિધા ઉભી કરી રહ્યું હોવાનું નિષ્ણાતોનું માનવું છે. પરમાણુ પ્લાન્ટની બાજુમાં જ સૈન્ય મથક બનાવી રહેલા ચીનની આ પોલ સેટેલાઇટ તસવીરો દ્વારા ખુલ્લી પડી હતી.
એક આંતતરાષ્ટ્રીય એજન્સીના જણાવ્યા મુજબ ચીન અંતરિયાળ વિસ્તારમાં ન્યૂક્લિયર મિસાઇલ બેઝ પાસે લોન્ચિંગ પેડ, બંકર, કોમ્યુનિકેશનની સુવિધાઓ વગેરે તૈયાર કરી રહ્યું છે. આ એ જ સ્થળ છે કે જ્યાં ચીને પોતાની લાંબી રેન્જની મિસાઇલોને રાખી છે. આ એવી મિસાઇલો છે કે જે અમેરિકાના કોઇ પણ શહેર પર હુમલો કરવા સક્ષમ છે. જેનાથી ભારત પર પણ જોખમ રહેલું છે. સેટેલાઇટ તસવીરોમાં ૮૦થી વધુ એવી જગ્યાઓ દેખાડવામાં આવી છે કે જેનો ઉપયોગ મોબાઇલ મિસાઇલ લોન્ચર અને એર ડિફેન્સ સિસ્ટમ દળ દ્વારા કરવામા આવી શકે છે. અન્ય એક દાવો પણ કરવામાં આવ્યો છે જે મુજબ એવી પણ ફેસિલિટિ ઉભી કરાઇ છે કે જેનો ઉપયોગ ઇલેક્ટ્રોનિક વોર, સેટેલાઇટ કોમ્યુનિકેશન અને કમાન માટે કરવામાં આવી શકે છે.
નોંધનીય છે કે ચીનનું આ વિશાળ પરમાણું લોન્ચપેડ શિનઝિયાંગ પ્રાંતમાં તૈયાર કરવામાં આવ્યું છે. આ સમગ્ર પ્લાન્ટ રણપ્રદેશમાં તૈયાર કરવામાં આવ્યો છે. અગાઉ ક્યારેય આટલા વિશાળ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની કોઇએ નોંધ નહોતી લીધી, પ્રથમ વખત ડ્રેગનની આ અંતરિયાળ વિસ્તારમાં ચાલી રહેલી ગુપ્ત પ્લાનિંગનો ઘટસ્ફોટ થયો છે. હાલમાં તાઇવાન પર ચીન કબજો કરવા પ્રયાસો કરી રહ્યું છે જેને લઇને અમેરિકા દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. ચીન પહેલા પરમાણુ હથિયારનો ઉપયોગ નહીં કરવાની નીતિ ધરાવે છે પરંતુ તાઇવાનને હડપવા માટે તે કઇ પણ કરી શકે છે. હવાઇના પેસિફિક ફોરમની થિંક ટેન્કના એલેક્ઝેન્ડર નેઇલે કહ્યું હતું કે બહુ જ વિશાળ જગ્યા પર આ બાંધકામ થઇ રહ્યું છે. જો ભવિષ્યમાં ચીન પર કોઇ પણ હુમલો થાય તો તેનો આક્રામક રીતે જવાબ આપવા માટે ચીન આ સુવિધા તૈયાર કરી રહ્યું હોવાના અહેવાલો છે.
સેટેલાઇટ તસવીરોમાં સામે આવ્યું છે કે આ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં એક મોટુ કંપાઉંડ છે, જેમાં કર્મચારીઓના રહેવાની, સૈન્ય વાહનોને રાખવા માટેની સુવિધાઓ પણ સામેલ છે. જેની પાસે જ બંકરો, હથિયારોના સ્ટોરેજની મજબુત સુવિધાઓ, એરપોર્ટ અને રેલ ટર્મિનલ પણ સામેલ છે. નોંધનીય છે કે ઇરાન પણ આ જ રીતે પાતાળમાં મોટું પરમાણુ મથક બનાવી ચુક્યું છે. ફેડરેશન ઓફ અમેરિકન સાઇંટિસ્ટના સભ્ય હંસ ક્રિસ્ટેંસને કહ્યું હતું કે મે અગાઉ ક્યારેય આવી વિશાળ સૈન્ય સુવિધા નથી જોઇ, આ ખરેખર આશ્ચર્યજનક અને અસાધારણ છે. એલેક્ઝેન્ડર નીલે કહ્યું હતંુ કે હજારો વર્ગ કિમીમાં ફેલાયેલી આ સુવિધા ચીનની પરમાણુ ક્ષમતાને વધુ મજબુત બનાવશે.


