World

ચીને માઉન્ટ એવરેસ્ટ નજીક અત્યાધુનિક ડ્રોન વિકસાવવા માટે સેન્ટર બનાવ્યું

By GS Team
1 Aug 20262 mins read
TukuTouch Logo
ભારત-ચીન સંબંધોમાં તંગદિલી વચ્ચે, ચીને તિબેટમાં માઉન્ટ એવરેસ્ટ પાસે નવું હાઈ-એલ્ટીટ્યુડ ડ્રોન રિસર્ચ સેન્ટર બનાવ્યું છે. આ સેન્ટરનો ઉદ્દેશ્ય ઊંચાઈવાળા વિસ્તારોમાં સરહદ પેટ્રોલિંગ, પર્યાવરણ સંરક્ષણ, મેપિંગ અને સામાન પહોંચાડવા માટે ડ્રોન ટેક્નોલોજી વિકસાવવાનો છે. ચીને લ્હાસામાં ભારતીય સરહદ નજીક 12 J-20 સ્ટીલ્થ ફાઈટર પણ તૈનાત કર્યા છે, જે ભારત માટે ચિંતાનો વિષય છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ચીને માઉન્ટ એવરેસ્ટ નજીક અત્યાધુનિક ડ્રોન વિકસાવવા માટે સેન્ટર બનાવ્યું
  • હિન્દી-ચીની ભાઈ-ભાઈના નારા વચ્ચે ડ્રેગનની ચાલ
  • સરહદે પેટ્રોલિંગ, પર્યાવરણ સંરક્ષણ, જમીનના મેપિંગ અને અંતરિયાળ વિસ્તારોમાં સામાન પહોંચાડવા ડ્રોન વપરાશે

બેઇજિંગ : દુનિયામાં ભૂ-રાજકીય તંગદીલી વધી રહી છે તેવા સમયે ભારત અને ચીન નજીક આવી રહ્યા હોય તેવા અહેવાલો છે. જિનપિંગ દાયકાઓ પછી ભારતનો પ્રવાસ કરે તેવી અટકળો છે. જોકે, આ અહેવાલો વચ્ચે ચીને તિબેટમાં માઉન્ટ એવરેસ્ટ પાસે નવું અત્યાધુનિક હાઈ-એલ્ટીટયુડ ડ્રોન રિસર્ચ અને ડેવપલપમેન્ટ સેન્ટર બનાવ્યું હોવાના અહેવાલે ભારતની ચિંતા વધારી દીધી છે. આ સેન્ટરનો ઉદ્દેશ્ય ઉંચાઈવાળા દુર્ગમ વિસ્તારોમાં ડ્રોન ટેક્નોલોજી વિકસિત કરવાનો છે. જોકે, ચીને તિબેટના લ્હાસામાં ભારતીય સરહદ નજીક ૧૨ એડવાન્સ જે-૨૦ સ્ટીલ્થ ફાઈટર તૈનાત કરતાં ડ્રેગનની કુટીલ ચાલ ભારતીય રણનીતિજ્ઞાોને ચિંતા ઉપજાવી રહી છે.
ચીને તિબેટમાં માઉન્ટ એવરેસ્ટ પાસે અત્યાધુનિક ડ્રોન રિસર્ચ અને ડેવલપમેન્ટ સેન્ટર બનાવ્યું છે, જેનો આશય વધુ ઊંચાઈવાળા વિસ્તારમાં સરહદ પેટ્રોલિંગ, સુરક્ષા, લોજિસ્ટિક્સ અને ટ્રાન્સપોર્ટ માટે પાયલટ વિનાના હવાઈ વાહનો (યુએવી)નો ઉપયોગ કરવાનો છે.
તિબેટ ૪,૦૦૦ મીટરથી વધુ ઊંચાઈ પર આવેલું છે. તેને દુનિયાની છત કહેવામાં આવે છે. અહીં ઓક્સિજનનું લેવલ એકદમ ઓછું, અસમાન જમીન, તાપમાન અત્યંત ઠંડુ અને હવામાન ઝડપથી બદલાતું હોય છે. આ કારણોથી આ વિસ્તાર ડ્રોન ટેક્નોલોજી વિકસિત કરવા માટે આદર્શ જગ્યા મનાય છે તેમ ચીનના એન્જિનિયરોનું કહેવું છે. મુશ્કેલ ભૌકોલિક પરિસ્થિતિઓના કારણે આ ક્ષેત્ર હાઈ-એલ્ટીટયુડ ડ્રોન ટેક્નોલોજીના પરીક્ષણો અને વિકાસ માટે આદર્શ છે.
ચીનની સરકારી ન્યૂઝ એજન્સીએ જણાવ્યું કે, તિબેટ યુનિવર્સિટીમાં 'પ્લેટ્યુ ડ્રોન આરએન્ડડી એપ્લિકેશન સેન્ટર' શરૂ કરાયું છે.
આ ચીનનું પહેલું પ્રોફેશનલ પ્લેટફોર્મ છે, જે સંપૂર્ણપણે વધુ ઊંચાઈવાળા મેદાની વિસ્તારોમાં યુએવીના સંશોધન, વિકાસ અને પ્રેક્ટિકલ ઉપયોગ માટે સમર્પિત છે.
ચીનની ન્યૂઝ એજન્સી શિન્હુઆ મુજબ ભૂટાન, ભારત, મ્યાંમાર અને નેપાળ જેવા અનેક દેશોની સરહદો નજીક અને વિશાળ પ્રાકૃતિક સંશાધનોવાળા તિબેટમાં નવા સેન્ટરના ડ્રોનનો ઉપયોગ સરહદ પેટ્રોલિંગ, પર્યાવરણ સંરક્ષણ, જમીનના મેપિંગ અને અંતરિયાળ વિસ્તારોમાં સામાન પહોંચાડવા માટે કરાશે.
અમેરિકા અને ચીન વચ્ચે એઆઈ સહિતની ટેક્નોલોજીના ક્ષેત્રમાં પોતાનો દબદબો વધારવા સ્પર્ધા ચાલી રહી છે ત્યારે આ સેન્ટર એવા સમયે શરૂ કરાયું છે. ચીને તિબેટના લ્હાસામાં ડેમ્સુંગ એરબેઝ પર અત્યાધુનિક જે-૨૦ ફાઈટર જેટ તૈનાત કર્યા છે ત્યારે આ ડ્રોન સેન્ટર ભારત માટે મુશ્કેલી વધારે તેવી આશંકા વધી રહી છે.