Shooting Incident In Canada: કેનેડામાં સંગઠિત ગુનાખોરી અને ગેંગસ્ટરોનો આતંક સતત વધી રહ્યો છે. આ દરમિયાન ક્રિકેટ કેનેડાના નવા ચૂંટાયેલા અધ્યક્ષ અરવિંદર ખોસાના નિવાસસ્થાન પર બુધવારે (20મી મે) વહેલી સવારે અજાણ્યા હુમલાખોરોએ અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો. પ્રાથમિક તપાસમાં આ ઘટના પાછળ ખંડણી વસૂલતી ગેંગનો હાથ હોવાની આશંકા સેવાઈ રહી છે.
વહેલી સવારે 5 રાઉન્ડ ફાયરિંગથી ફફડાટ
અહેવાલો અનુસાર, આ ઘટના બ્રિટિશ કોલંબિયાના સરે સ્થિત ન્યૂટન વિસ્તારમાં સવારે 4:40 વાગ્યે બની હતી. હુમલાખોરોએ અરવિંદર ખોસાના ઘરને નિશાન બનાવીને તાબડતોબ ફાયરિંગ કર્યું હતું. ગોળીબાર એટલો ભયાનક હતો કે ઘરના મુખ્ય દરવાજા, બારીઓ અને બહારની દીવાલો પર ગોળીઓના 5 સ્પષ્ટ નિશાન મળી આવ્યા છે.
આ પણ વાંચો: 'પોતાના જ લોકો પર બોમ્બમારો કરતું પાકિસ્તાન અમને જ્ઞાન ન આપે..' UN માં ભારતે તતડાવ્યું
કોઈ જાનહાનિ નહીં
બારી-બારણાં ચીરીને અંદર ઘૂસી ગઈ હતી, પરંતુ સદનસીબે પરિવારનો આબાદ બચાવ થયો છે અને કોઈને ઈજા પહોંચી નથી. આ હુમલો એવા સમયે થયો છે જ્યારે થોડા અઠવાડિયા પહેલા જ ક્રિકેટ કેનેડામાં ભ્રષ્ટાચાર, સંગઠિત ગુનાખોરી અને મેચ ફિક્સિંગના ગંભીર આરોપો અંગે મોટી તપાસ શરૂ થઈ છે.
ક્રિકેટ બ્રિટિશ કોલંબિયાના પ્રમુખ રહી ચૂકેલા ખોસા પણ આ તપાસના દાયરામાં છે. ખેલાડીઓએ ખોસા પર કુખ્યાત 'બિશ્નોઈ ગેંગ' સાથે સંબંધો હોવાનો ગંભીર આરોપ લગાવ્યો હતો. આ એ જ ગેંગ છે જેણે 2025માં કેનેડાની રાષ્ટ્રીય ક્રિકેટ ટીમના એક ખેલાડીને ધમકી આપી હોવાનું સામે આવ્યું હતું.
જોકે, અધ્યક્ષ અરવિંદર ખોસાએ પોતાના પર લાગેલા તમામ આરોપોને સરેઆમ નકારી કાઢ્યા છે અને આ ફાયરિંગ પાછળ ઊંડી સાજિશ હોવાની આશંકા વ્યક્ત કરી છે. હાલ રોયલ કેનેડિયન માઉન્ટેડ પોલીસ (RCMP) આસપાસના સીસીટીવી ફૂટેજ ફંગોળીને હુમલાખોરોની શોધખોળ ચલાવી રહી છે.


