- પ્રમુખ ટ્રમ્પે એવો પણ દાવો કર્યો હતો કે ૨૮મી ફેબ્રુઆરીથી શરૂ થયેલા આ યુદ્ધમાં અમેરિકા અને ઈરાન યુધ્ધ બંધ કરવા ટૂંક સમયમાં જ સમજૂતી પર આવશે
તહેરાન : અમેરિકા અને ઈરાન વચ્ચે ટૂંક સમયમાં જ સમજૂતી સધાઈ જશે તેવા અમેરિકાના પ્રમુખ ટ્રમ્પના દાવાની ઈરાને ઠેકડી ઉડાડી હતી. ટ્રમ્પે તેમ પણ કહ્યું હતું કે, 'હવે હોર્મુઝની સમુદ્ર ધુનિમાંથી મુક્ત રીતે તેલ બહાર આવી શકશે.' તેવા પણ ટ્રમ્પના દાવા ઉપર કટાક્ષ કરતાં ઈરાને કહ્યું હતું કે, 'પ્રમુખ ટ્રમ્પ હવામાં કિલ્લા બાંધી રહ્યા છે.' આમ કહેતાં 'આઈઆરઆઈવી'એ 'ટ' ઉપર જણાવ્યું કે હવામાં કિલ્લાંને સમાંતર ઈરાનમાં પણ એક વ્યંગાત્મક કહેવત છે : 'ઊંટ કપાસિયાનાં સ્વપ્નો સેવે ત્યારે તેમાં કેટલીકવાર બધાં જ કપાસિયા એક સાથે ખાઈ જવાનું સ્વપ્નુ સેવે તો કોઈ કોઈવાર એક પછી એક કપાસિયું ખાતું હોય તેવું સ્વપ્નું સેવે તેવી ટ્રમ્પની વાત છે.'
પહેલાં ટ્રમ્પે કહ્યું હતું કે, ૨૮ ફેબ્રુઆરી (૧૯૨૬)થી શરૂ થયેલાં આ યુદ્ધમાં અમેરિકા અને ઈરાન સમજૂતી સાધવાની બહુ નજીક આવી ગયા છે. લા-વેગસ જતાં પૂર્વે પત્રકારોને 'વ્હાઈટ-હાઉસ'માં કરેલાં સંબોધનમાં તેઓએ કહ્યું હતું કે બંને પક્ષો વચ્ચેની મંત્રણા ઘણી સફળતાપૂર્વક આગળ વધી રહી છે.
ઉલ્લેખનીય છે કે, ઈસ્લામાબાદમાં યોજાયેલી ઈરાન-અમેરિકા મંત્રણા પડી ભાંગ્યા પછી ટ્રમ્પે આવા વિધાનો કર્યા હતા. તે સમયે અમેરિકી પ્રતિનિધિમંડળનું નેતૃત્વ ઉપપ્રમુખ જે.ડી. વાન્સે કર્યું હતું. પરંતુ મંત્રણામાં અમેરિકાએ રજૂ કરેલી કેટલીક શર્તો જેમાં ઈરાને તેનો પરમાણુ કાર્યક્રમ પડતો મુકવો જોઈએ તે પણ સમાવિષ્ટ હતો. જે ઈરાનને સ્વીકાર્ય ન હતી. તેથી મંત્રણા પડી ભાંગી હતી.
આશ્ચર્ય તે છે કે ટ્રમ્પનાં કથનો ઉક્ત હકીકતથી તદ્દન જુદાં જ છે. ઈરાન તેનો પરમાણુ કાર્યક્રમ પડતો મુકે તેમ લાગતું નથી તેમ છતાં ટ્રમ્પ તેના મંતવ્યને વળગી રહ્યાં છે. તેઓએ પત્રકારોને વધુમાં કહ્યું હતું કે, તમે જાણો જ છો કે તેમની (ઈરાનની) પાસે નેવી છે જ નહીં તેના ૧૫૮ જહાજો સમુદ્રના તળીયે ગયાં છે. ૧૫૮ વિચારી જુઓ.
ટ્રમ્પ જે કહે તે, ઈરાન જે કરે તે પરંતુ હકીકત તે છે જ કે દુનિયાનો તેલ પૂરવઠો ઘણો ખોરવાઈ ગયો છે કારણ કે વૈશ્વિક માર્ગનો ૨૦ ટકા જેટલો તેલનો પ્રવાહ હોર્મુઝમાંથી જ આવે છે. દુનિયા તે ખોલવા ઈરાનને કહે છે.


