World

દિલ્હીમાં જન્મ : ગુજરાતી સાથે લગ્ન : ઝામ્બીયા સુપ્રીમ કોર્ટમાં જજ તેવાં જસ્ટીસ આભા પટેલનાં હૃદયમાં ભારત રહેલું છે

By GS Team
7 Aug 20262 mins read
TukuTouch Logo
ઝામ્બિયા સુપ્રીમ કોર્ટના જસ્ટિસ આભા નાયર પટેલ હાલ ભારત પ્રવાસે છે. દિલ્હીમાં પત્રકારો સાથે વાત કરતા તેમણે જણાવ્યું કે, ભારતીય સંવિધાન અને સુપ્રીમ કોર્ટના નિર્ણયો વિશ્વ માટે જ્ઞાનસ્ત્રોત છે. 7 વર્ષની વયે ઝામ્બિયા ગયેલા આભા પટેલે ભારતીય સંસ્કૃતિ પ્રત્યેનું સન્માન જાળવી રાખ્યું છે. ભારતના મુખ્ય ન્યાયમૂર્તિ સૂર્યકાંત સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં તેમનું સન્માન કરાયું હતું.

Summarized by AI; it may make mistakes. Check important info

દિલ્હીમાં જન્મ : ગુજરાતી સાથે લગ્ન : ઝામ્બીયા સુપ્રીમ કોર્ટમાં જજ તેવાં જસ્ટીસ આભા પટેલનાં હૃદયમાં ભારત રહેલું છે
  • જસ્ટીસ આભા નાયર પટેલની અદ્ભૂત જીવન કથા
  • 'ભારતીય સંવિધાન અને સુપ્રીમ કોર્ટના નિર્ણયો સમગ્ર વિશ્વ માટે આધારભૂત-જ્ઞાન સ્ત્રોત છે : આભા નાયર પટેલ

નવી દિલ્હી : માત્ર ૭ વર્ષની વયે જ દિલ્હી છોડી વિદેશમાં આવી ગયેલ એક બાળકી આજે ઝામ્બીયાની સુપ્રીમ કોર્ટમાં જજ છે. આમ છતાં તેઓના અવાજમાં હિન્દીની મીઠાશ, ભારતીય સંસ્કૃતિ પ્રત્યેનું સન્માન અને ભારત સાથે તેઓ પોતાપણું જાળવી રાખે છે.
આજકાલ તેઓ ભારતના પ્રવાસે છે. ત્યારે પત્રકારો સાથે કરેલી વાતચીતમાં તેઓએ કહ્યું હતું કે, વિદેશમાં રહેવા છતાં ભારત તેઓના હૃદયમાં રહેલું છે. ભારતીય સંવિધાન અને સુપ્રીમ કોર્ટના નિર્ણયો સમગ્ર વિશ્વ માટે આધારભૂત જ્ઞાનસ્ત્રોત છે.
આભા પટેલનો જન્મ દિલ્હીમાં થયો. ૭ વર્ષની વયે તેઓનું કુટુંબ ઝામ્બીયા જઈ વસ્યું હતું. તેઓએ કહ્યું ભારત છોડયાને વર્ષો વીતી ગયાં છતાં હિન્દી બોલું છું. લગ્ન ગુજરાતી પરિવારમાં થયાં તેથી ગુજરાતી પણ જાણું છું.
આભા પટેલે ૧૯૮૭માં યુનિવર્સિટી ઓફ ઝામ્બીયામાંથી એલએલબીની ડીગ્રી મેળવી. વિશિષ્ટ શ્રેણી (ડીસ્ટીંકશન સાથે) સ્નાતક થનારા તેઓ પહેલા વિદ્યાર્થીની બની રહ્યાં. તે પછી તેઓએ કેમ્બ્રીજ યુનિવર્સિટીમાંથી ૧૯૮૭માં એલએલએમ ડીગ્રી મેળવી. ૧૯૮૯માં ઝામ્બીયા બારમા નામાંકિત થયા પછી વકીલાત શરૂ કરી.
૨૦૦૮માં સુપ્રીમ કોર્ટ ઓફ ઇંગ્લેન્ડ એન્ડ વેલ્સના શેલ ઓફ સોલિસીટર્સમાં સામેલ કરાયા તે પછી તેઓ સોલિસીટર બન્યા ત્યાર પછી ઝામ્બીયામાં વકીલાત શરૂ કરી. પછી ઝામ્બીયામાં સુપ્રીમ કોર્ટના જજ સુધી પહોંચ્યાં.
ન્યાયિક સેવા ઉપરાંત તેઓએ ઓલ્ટરનેટિવ ડિસ્પ્યુટ રીઝોલ્યુશન (એડીયાસ) મધ્યસ્થતા તથા આર્બિટ્રેશનમાં પણ સેવાઓ આપી છે.
ભારતની યાત્રા દરમિયાન નવી દિલ્હીમાં તેઓને સુપ્રીમ કોર્ટ એડવોકેટસ ઓન રેકોર્ડ એસોસિએશન દ્વારા આયોજિત એક કાર્યક્રમમાં મુખ્ય અતિથી તરીકે આમંત્રિત કરાયા અને સુપ્રીમ કોર્ટ ઓડીટોરિયમમાં ફયુચર ઓફ જસ્ટિસ ડીલીવરી : ઇનોવેશન, ઇન્ફલુઝન, એન્ડ ઇંટીગ્રીટી વિષયક વ્યાખ્યાન પણ આપ્યું. ત્યારે ભારતના મુખ્ય ન્યાયમૂર્તિ સૂર્યકાંત, ન્યાયમૂર્તિ વી. મોહના અને ન્યાયમૂર્તિ પી. બી. વરાવે પણ ઉપસ્થિત હતા.
સન્માનથી તેઓ ભાવુક બની ગયા અને કહ્યું, મુખ્ય ન્યાયમૂર્તિ, સુર્યકાંતે મને સુપ્રીમ કોર્ટના મંચ અને પીઠ ઉપર સ્થાન આપ્યું તેથી હું તેઓની આભારી છું. મારા જીવનની આ સુવર્ણ ક્ષણ છે. તે કદી ભૂલી શકીશ નહીં. તેઓએ તેમનાં વક્તવ્યમાં કહ્યું, 'ભારતીય સંવિધાન અને સુપ્રીમ કોર્ટના નિર્ણયો સમગ્ર વિશ્વ માટે આધારભૂત જ્ઞાન સ્ત્રોત છે. ભારત મારા હૃદયમાં રહેલું છે. હું તેથી અલગ થઈ શકું તેમ નથી. ભાષા ખાન પાન સંસ્કૃતિ અને ધાર્મિક પરંપરાઓ દુનિયાના કોઇ પણ ખુણામાં વસતા ભારતીયો, પોતાના સાંસ્કૃતિક મૂળ અને વીરાસત સદૈવ જીવંત રાખે છે.