પાકિસ્તાનના ગ્વાદરમાં કોસ્ટ ગાર્ડ કેમ્પ પર BLA નો આત્મઘાતી હુમલો, 30 થી વધુ સૈનિકના મોતનો દાવો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Pakistan Terror Attack News : પાકિસ્તાનના અશાંત પ્રાંત બલૂચિસ્તાનમાંથી એક અત્યંત ભયાનક આતંકી હુમલાના સમાચાર સામે આવી રહ્યા છે. પ્રતિબંધિત સંગઠન બલૂચ લિબરેશન આર્મી (BLA) એ દાવો કર્યો છે કે તેના લડવૈયાઓએ ગ્વાદર જિલ્લાના જીવાની વિસ્તારમાં પાકિસ્તાની કોસ્ટ ગાર્ડ્સના એક મોટા કેમ્પ પર આત્મઘાતી હુમલો કર્યો છે. સંગઠનનો દાવો છે કે આ ભીષણ હુમલામાં પાકિસ્તાનના 30 થી વધુ સુરક્ષાકર્મીઓ ઘટનાસ્થળે જ માર્યા ગયા છે અને અનેક સૈનિકો ગંભીર રીતે ઘાયલ થયા છે. આ હુમલાને કારણે સમગ્ર પાકિસ્તાની સૈન્ય અને સરકારી તંત્રમાં દોડધામ મચી ગઈ છે.
'માજિદ બ્રિગેડ' ના આત્મઘાતી લડવૈયાઓએ કેમ્પમાં ઘૂસીને મચાવી તબાહી
'ધ બલૂચિસ્તાન પોસ્ટ' ના અહેવાલ મુજબ, આ હુમલાની જવાબદારી સ્વીકારતા BLA ના પ્રવક્તા જીયંદ બલોચે જણાવ્યું છે કે આ ઓપરેશનને સંગઠનની સૌથી ઘાતક અને ખાસ આત્મઘાતી યુનિટ 'માજિદ બ્રિગેડ' દ્વારા અંજામ આપવામાં આવ્યો છે. આ હુમલો જીવાનીના પનવાન વિસ્તારમાં આવેલા કોસ્ટ ગાર્ડ્સના વ્યૂહાત્મક કેમ્પ પર થયો હતો. સંગઠને આને 'ફિદાયીન' હુમલો ગણાવતા કહ્યું કે તેમના લડવૈયાઓ ભારે હથિયારો સાથે પહેલા સુરક્ષા વ્યવસ્થા ભેદીને કેમ્પની અંદર ઘૂસી ગયા હતા અને ત્યારબાદ અંધાધૂંધ ગોળીબાર અને બ્લાસ્ટ કરીને આખા કેમ્પને નિશાન બનાવ્યો હતો.
ચીનના અબજો ડોલરના ડ્રીમ પ્રોજેક્ટ નજીક હુમલો થતાં તણાવ
આ હુમલો જે ગ્વાદર જિલ્લામાં થયો છે તે ભૌગોલિક અને આર્થિક દ્રષ્ટિએ અત્યંત સંવેદનશીલ છે. ગ્વાદરમાં ચીનના આર્થિક સહયોગ અને રોકાણથી પાકિસ્તાનનો સૌથી મોટો પોર્ટ (બંદર) પ્રોજેક્ટ અને સીપેક (CPEC) સંબંધિત કામો ચાલી રહ્યા છે. ચીની નાગરિકો અને પ્રોજેક્ટ્સની સુરક્ષા માટે પાકિસ્તાને હજારો સૈનિકો તૈનાત રાખ્યા છે, તેમ છતાં આટલો મોટો આત્મઘાતી હુમલો થવો એ પાકિસ્તાનની ગુપ્તચર એજન્સીઓની મોટી નિષ્ફળતા દર્શાવે છે. જોકે, પાકિસ્તાની સત્તાવાળાઓ કે સેના દ્વારા હજુ સુધી આ હુમલામાં માર્યા ગયેલા સૈનિકોના આંકડાની સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી.
કુદરતી સંસાધનો અને સ્વાયત્તતા માટે વર્ષોથી ચાલે છે જંગ
બલૂચિસ્તાન એ પાકિસ્તાનનો વિસ્તારની દ્રષ્ટિએ સૌથી મોટો પરંતુ વસ્તીની દ્રષ્ટિએ સૌથી નાનો પ્રાંત છે, જ્યાં દાયકાઓથી અલગતાવાદી આંદોલન ચાલી રહ્યું છે. BLA નું કહેવું છે કે આ હુમલો પાકિસ્તાની સુરક્ષા દળો સામે ચાલી રહેલા તેમના લાંબા સશસ્ત્ર સંગ્રામનો જ એક ભાગ છે. બલૂચ સંગઠનોની માંગ છે કે બલૂચિસ્તાનને પાકિસ્તાનથી મુક્તિ અથવા વધુ સ્વાયત્તતા મળે અને પ્રાંતના ગેસ, તેલ અને ખનિજ જેવા કુદરતી સંસાધનો પર ત્યાંના સ્થાનિક બલૂચ લોકોનો અધિકાર રહે.
વૈશ્વિક સ્તરે પ્રતિબંધિત સંગઠન છે BLA
ઉલ્લેખનીય છે કે, બલૂચ લિબરેશન આર્મી (BLA) ને પાકિસ્તાન ઉપરાંત અમેરિકા અને યુકે જેવા અનેક દેશોએ આતંકવાદી સંગઠન જાહેર કરેલું છે. આ સંગઠન ભૂતકાળમાં પણ પાકિસ્તાની આર્મીના હેડક્વાર્ટર્સ, અર્ધલશ્કરી દળોની ચોકીઓ, સરકારી ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને ખાસ કરીને ચીની એન્જિનિયરો પર અનેક મોટા આત્મઘાતી હુમલા કરી ચૂક્યું છે. હાલમાં આ ભયાનક હુમલા બાદ પાકિસ્તાની સેનાએ આખા ગ્વાદર અને જીવાની વિસ્તારને કોર્ડન કરીને મોટું સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે.









