World

છેલ્લા 47 વર્ષમાં ગ્રીનલેન્ડ અને એન્ટાર્ટિકામાંથી અબજો ટન બરફ ગાયબ

By GS Team
22 Sep 20262 mins read
TukuTouch Logo
નવી દિલ્હી: વૈજ્ઞાનિકોએ ચેતવણી આપી છે કે 1979 પછી ગ્રીનલેન્ડ અને એન્ટાર્કટિકામાંથી આશરે 12.5 ટ્રિલિયન ટન બરફ પીગળ્યો છે. આને કારણે સમુદ્રનું જળસ્તર 3.1 સેન્ટિમીટર વધ્યું છે, જે તટીય વિસ્તારોમાં લાખો લોકો માટે પૂરનું જોખમ ઊભું કરી શકે છે. વૈશ્વિક તાપમાન વધવાને કારણે બરફ પીગળવાની ગતિ ઝડપી બની છે, જે ગંભીર ચિંતાનો વિષય છે.

Summarized by AI; it may make mistakes. Check important info

છેલ્લા 47 વર્ષમાં ગ્રીનલેન્ડ અને એન્ટાર્ટિકામાંથી અબજો ટન બરફ ગાયબ
  • સમગ્ર વિશ્વમાં સમુદ્રનું સ્તર ઊંચે આવવાનું જોખમ વધ્યું
  • વિજ્ઞાનીઓની ચેતવણી, વધતા જળસ્તરને કારણે તટીય વિસ્તારોમાં રહેતા લાખો લોકો સામે પૂરનું જોખમ વધી શકે

નવી દિલ્હી : એક મહત્વના વૈજ્ઞાનિક અભ્યાસ મુજબ ૧૯૭૯ પછી ગ્રીનલેન્ડ અને એન્ટાર્ટિકામાંથી લગભગ ૧૨.૫ ટ્રિલિયન ટન બરફ પીગળી ચુક્યો છે. આ માત્રા એટલી છે કે સમગ્ર અમેરિકાને દોઢ મીટર બરફથી ઢાંકી શકાય. બરફના પાંચથી છ ટકાનું નુકસાન પ્રત્યક્ષ રીતે ગરમ હવા સાથે નહિ પણ સમુદ્રના ગરમ પાણી સાથે સંકળાયેલું છે, જે બરફની ચાદરોને નીચેથી અને કિનારાથી કાપી રહ્યુ છે. બરફ પીગળવાથી સમુદ્રના જળસ્તરમાં લગભગ ૩.૧ સેન્ટીમીટરનો વધારો થયો છે.
સાયન્ટીફિક ડેટામાં પ્રકાશિત આ અભ્યાસથી જાણકારી મળી છે કે તાજેતરના દાયકાઓમાં બરફની ચાદરો પીગળવાની ગતિ ઘણી ઝડપી બની છે. જ્યારે ૧૯૭૦, ૧૯૮૦ અને ૧૯૯૦ના દાયકાની શરૂઆત સુધી બરફની ચાદરો ઘણી હદે સ્થિર હતી, પણ ૨૦૦૦ અને ખાસ કરીને ૨૦૧૦ના દાયકામાં તેના પીગળવાની ગતિ ઝડપી બની ગઈ. સંશોધનકર્તાઓએ ચેતવણી આપી કે આ બદલાવ અનેક દાયકા સુધી જારી રહી શકે છે, કારણ કે ગરમ થતા મોસમ સામે બરફની ચાદરોની પ્રતિક્રિયા ધીમી હોય છે, પછી ભલે વૈશ્વિક તાપમાન આખરે સ્થિર થઈ જાય.
તટીય વિસ્તારોમાં રહેતા લોકો પર આના પરિણામ અગાઉથી જ ગંભીર સ્વરૂપ ધારણ કરી રહ્યા છે. વિજ્ઞાનીઓનું અનુમાન છે કે સમુદ્રના જળસ્તરમાં પ્રત્યેક એક સેન્ટીમીટર વધારાથી વર્ષમાં ઓછામાં ઓછું એકવાર વીસથી ત્રીસ લાખ વધુ લોકો સામે પૂરનું જોખમ સર્જાય છે. વિશ્વના સૌથી ઝડપે પીગળતા ગ્લેશિયર પૈકી એક ગ્રીનલેન્ડનું જેકબશેવન ગ્લેશિયર હવે દરરોજ પચાસ મીટર જેટલું પીગળે છે. ૨૦૨૦ અને ૨૦૨૩ વચ્ચે બરફના નુકસાનમાં થોડો વિરામ મોટાભાગે હંગામી મોસમી સ્થિતિને કારણે થયો હતો.
સંશોધનમાં ૪૫ સ્વતંત્ર સરવે અને ૨૭ સેટેલાઈટના ડેટાનું સંયોજન કરાયું હતું અને બરફની ચાદરોમાં થયેલા ફેરફારનો લાંબો રેકોર્ડ તૈયાર કરાયો. વિજ્ઞાનીઓ ખાસ કરીને ઝડપથી પીગળતા ગ્લેશિયરો બાબતે ચિંતિત છે, જેમાં ગ્લેશિયર ઝડપથી સમુદ્રમાં બરફ ઠાલવે છે,જેનાથી અસ્થિરતા તેમજ ટિપિંગ પોઈન્ટ (એવો નાજુક વળાંક જ્યાંથી સ્થિતિ સુધરતી નથી) સર્જાય છે. જો કે હિમવર્ષાથી એન્ટાર્ટિકનું કેટલુંક નુકસાન સરભર થાય છે, પણ સંશોધકોના મતે લાંબા ગાળાનો ટ્રેન્ડ સ્પષ્ટ છે, જેમાં વિશ્વભરના તટીય વિસ્તારો પર જોખમ વધતુ જણાય છે.