World

ચીનના વધતા જતા ભય સામે તાઇવાનના અંડર-સી કેબલ્સનું રક્ષણ કરવાનું વિધેયક યુ.એસ. સંસદમાં રજૂ

By GS TEAM
4 Apr 20262 mins read
ચીનના વધતા જતા ભય સામે તાઇવાનના અંડર-સી કેબલ્સનું રક્ષણ કરવાનું વિધેયક યુ.એસ. સંસદમાં રજૂ

- ચીનના વધતા જતાં ભય સામે તાઇવાનના અધિકારો રક્ષવા અનિવાર્ય છે તેથી અમેરિકાના બંને પક્ષોના સાંસદોએ સાથે મળી આ વિધેયક ઘડી કાઢ્યું છે

વોશિંગ્ટન : અમેરિકાની સંસદના નીચલાં ગૃહ હાઉસ ઓફ રેપ્રિઝેન્ટેટિવ્ઝે (પ્રતિનિધિ સભાએ) એક દ્વિપક્ષીય વિધેયક રજૂ કર્યું છે. ડેમોક્રેટસ તેમજ રીપબ્લિકન તેમ બંને પક્ષોના સાંસદોએ તે સંયુક્ત રીતે ઘડી કાઢ્યું હતું અને બંને પક્ષોના સાંસદોએ તેની ઉપર પોતાના હસ્તાક્ષરો પણ કર્યા હતા.

મુદ્દો હતો તાઇવાનની સમુદ્રધુનિમાં તાઇવાને પોતાને માટે પાથરેલા અન્ડર-સી-કેબલ્સનું રક્ષણ કરવાનો.

આ માહિતી આપતાં અમેરિકાની સેન્ટ્રલ ન્યૂઝ એજન્સી (સી.એન.એ) જણાવે છે કે, 'આ કેબલ્સ તેમજ અન્ય અતિ ઉપયોગી તેવી પાયાની વ્યવસ્થાઓનો સામ્યવાદી ચીન નાશ કરી તાઇવાનને મુશ્કેલીમાં મુકવા પ્રયત્નો કરી શકે. તેથી તે સામે અમેરિકાએ તાઇવાનને સલામતી પૂરી પાડવી અનિવાર્ય છે, તેમ તે વિધેયકમાં ભારપૂર્વક જણાવવામાં આવ્યું છે.

આ વિધેયકમાં અમેરિકાનાં વહીવટીતંત્રને અનુરોધ કરવામાં આવ્યો છે કે, 'અમેરિકાએ તે હેતુથી, સમુદ્રની નીચે રહેલી વ્યવસ્થાની જાળવણી માટે 'અન્ડર-સી-સેન્સર્સ' ગોઠવવા જોઈએ જે ગુપ્ત રીતે કરાતી ખાનાખરાબી ઉપર પણ બરોબર નજર રાખી શકે. તેમ જ અત્યંત ઉપયોગી તેવા કેબલ નેટવર્કની સલામતી અંગે પણ તકેદારી રાખી શકે અને તાઇવાનને પણ તેને માટે અતિ મહત્વનાં તેવા કેબલ-નેટવર્કની જાળવણી માટે જરૂરી માહિતી પૂરી પાડી શકે.

આટલું જ નહીં પરંતુ તે વિધેયકમાં અમેરિકાને અનુરોધ કરાયો છે કે તેણે તાઇવાનનાં રક્ષણ માટે તે વિસ્તારના તેના સાથી રાષ્ટ્રોને પણ સચેત કરી દેવા જરૂરી છે. જેથી ભૂમિસ્થિત ચીન (સામ્યવાદી ચીન) દ્વારા સંભવિત હુમલાઓ સામે તાઇવાનને સહાય કરવા સતત તત્પર રહે અને તેમાં મહત્વનાં ઈન્ફ્રાસ્ટ્રકચર (પાયાની જરૂરિયાતો)નાં રક્ષણ માટે પણ અમેરિકાની સાથે રહી સતત તૈયાર રહે.