રશિયા પાસેથી ક્રૂડ ખરીદી મુદ્દે ભારત સહિત પાંચ દેશ સામે સેનેટમાં બિલ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

વોશિંગ્ટન: વડાપ્રધાન મોદીને પોતાના ખાસ મિત્ર ગણાવતા અમેરિકન પ્રમુખ ટ્રમ્પનું ભારત વિરોધી વલણ ફરી એક વખત સામે આવ્યું છે. રશિયા પાસેથી ક્રૂડ ઓઈલની ખરીદી બદલ ભારત અને ચીન સહિત પાંચ દેશો પર ૧૦૦ ટકા ટેરિફ નાંખવાની અમેરિકા તૈયારી કરી રહ્યું છે. આ માટેનું એક બિલ ૬૦ સાંસદોના સમર્થનથી અમેરિકન સેનેટમાં રજૂ કરાયું છે. બીજીબાજુ રશિયાને ફન્ડિંગ રોકવાના આશયથી લવાયેલા આ બિલમાં મોસ્કો પાસેથી ગેસની ખરીદી કરનારા યુરોપના દેશોને ટેરિફમાંથી મુક્તિ આપવાની માગ કરાઈ છે.
અમેરિકામાં ડેમોક્રેટ સેનેટર રિચાર્ડ બ્લુમેન્થલ અને દિવંગત રિપબ્લિકન સેનેટર લિન્ડસે ગ્રાહમે તૈયાર કરેલું આ બિલ ગુરુવારે સેનેટમાં રજૂ કરાયું હતું. અમેરિકન સેનેટમાં ૬૦ સેનેટર્સની મંજૂરી મળ્યા પછી આ બિલના પાસ થવાની સંભાવના વધી ગઈ છે. આ બિલને પ્રમુખ ટ્રમ્પનું પણ સમર્થન છે. ટ્રમ્પ સમર્થકોનું માનવું છે કે આ બિલ ઓગસ્ટ પહેલા પાસ થઈ શકે છે. આ બિલ પાસ થયા પછી ભારત, ચીન, સ્લોવાકિયા, અઝરબૈજાન, હંગેરી જેવા દેશો પર રશિયાનું ક્રૂડ ઓઈલ ખરીદવાના કારણે ૧૦૦ ટકા ટેરિફ નાંખવામાં આવશે.
જોકે, આ બિલમાં અમેરિકાની યુરેનિયમની ખરીદી અને રશિયા પાસેથી હજુ પણ કુદરતી ગેસની આયાત કરતા યુરોપના સાથી દેશોને છૂટ આપવામાં આવી છે. આ બિલ યુરોપના ૧૫ દેશોને છૂટ આપે છે, જેઓ તેમના કુલ ગેસના ૧૫ ટકાથી ઓછી આયાત કરે છે અને રશિયન ગેસ પરની નિર્ભરતા ઘટાડવા માટે પગલાં લઈ રહ્યા છે. સાથે જ આ બિલ હેઠળ રશિયન યુરેનિયમની ખરદી પર પણ છૂટ અપાઈ છે, જે અમેરિકા વ્યાપક પ્રમાણમાં ખરીદે છે.
આ બિલના કેન્દ્રમાં સેક્શન ૧૧૩ છે, જે પ્રમુખને નિર્દેશ આપે છે કે તેઓ એક વર્ષથી રશિયા પાસેથી ક્રૂડ ઓઈલ અથવા કુદરતી ગેસની ખરીદી કરતા પાંચ સૌથી મોટા આયાતકાર દેશો પર ૧૦૦ ટકા ટેરિફ નાંખે. આ બિલ વિશેષરૂપે ચીન અને ભારતને નિશાન બનાવે છે.
આ બિલ રશિયા પાસેથી સીધા જ આયાત થનારા સામાન પર ૫૦૦ ટકા સુધના ટેરિફ નાંખવાનો અધિકાર પણ આપે છે. સાથે જ આ બિલમાં ક્રેમલિનના રાજકીય અને સૈન્ય નેતૃત્વ, તેની સૌથી મોટી બેન્કો અને રશિયાના સંરક્ષણ ઔદ્યોગિક બેઝ સાથે સંકળાયેલી કંપનીઓ પર પણ આકરા પ્રતિબંધની જોગવાઈ છે. આ બિલમાં અમેરિકાના બેવડા ધોરણો સામે આવ્યા છે.
એકબાજુ અમેરિકા રશિયા પાસેથી ક્રૂડ ઓઈલની ખરીદીનો વિરોધ કરે છે. બીજીબાજુ તે પોતે જ રશિયા પાસેથી યુરેનિયમ ખરીદે છે. જોકે, ગુરુવારે રજૂ કરાયેલું બિલ અગાઉ કરતા હળવુ છે. અગાઉના બિલમાં ૫૦૦ ટકા ટેરિફ નાંખવાની દરખાસ્ત હતી. નવા બિલમાં ટોપ લાઈન ટેરિફ ૧૦૦ ટકા કરાયો છે.




