- રોકાણકારોની લિસ્ટમાં એનવીડિયા, ડેલ, જેન સ્ટ્રીટનું નામ
- કંપનીના બોર્ડમાં શેરીલ સેન્ડબર્ગ, નીક ક્લેગ અને સુસાન ડેકર જેવા જાણીતા ચહેરાઓ સામેલ થયા છે
લંડન : આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ સેક્ટરમાં ઝડપથી વધતી માંગને કારણે દુનિયાભરમાં ડેટા સેન્ટર ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં ભારે રોકાણ થઈ રહ્યું છે. બ્રિટન સ્થિત એઆઈ ડેટા સેન્ટર કંપની એનસ્કેલે તાજેતરમાં નવા ફંડિંગ રાઉન્ડમાં ૨ અબજ ડોલર (લગભગ રૂ.૧૬,૫૦૦ કરોડ) એકત્ર કર્યા છે. આ રોકાણ બાદ કંપનીનું મૂલ્યાંકન આશરે ૧૪.૬ અબજ ડોલર સુધી પહોંચી ગયું છે.
આ ફંડિંગ રાઉન્ડમાં નોર્વેની રોકાણ કંપની એકર અને ૮૦૯૦ ઈન્ડસ્ટ્રીઝ મુખ્ય રોકાણકાર રહ્યા હતા. આ સાથે જ દિગ્ગજ ચિપમેકર એનવીડિયા સહિત સિટાડેલ, ડેલ અને જેન સ્ટ્રીટ જેવા રોકાણકારોએ પણ ભાગ લીધો હતો. આ ફંડિંગનો ઉપયોગ કંપની પોતાના એઆઈ ડેટા સેન્ટર્સ અને કમ્પ્યુટિંગ ક્ષમતા વધારવા માટે કરશે. કંપનીના ગ્રાહકોમાં મોટી ટેક કંપનીઓ પણ સામેલ છે.
રિપોર્ટ મુજબ માઈક્રોસોફ્ટ અને ઓપનએઆઈ જેવી કંપનીઓને એઆઈ કમ્પ્યુટિંગ સેવાઓ પૂરી પાડવા માટે એનસ્કેલ પોતાની ક્ષમતા વધારી રહી છે.
કંપનીના બોર્ડમાં ટેક ઉદ્યોગના કેટલાક જાણીતા ચહેરાઓ પણ જોડાયા છે. શેરીલ સેન્ડરબર્ગ, નીક ક્લેગ અને સુસાન ડેકર જેવા જાણીતા ચહેરાઓ કંપનીના બોર્ડમાં સામેલ થયા છે. રિપોર્ટ મુજબ એનસ્કેલ થોડા સમયમાં પોતાનો આઈપીઓ લાવી શકે છે.


