World

શેખ હસીનાને બાંગ્લાદેશનું કડક ફરમાન, 'દેશ પરત ફરતા જ અપાશે ફાંસી, હવે કોર્ટમાં અપીલનો સમય પણ પૂરો'

By GS Team
8 Sep 20262 mins read
TukuTouch Logo
બાંગ્લાદેશે ફરી ભારત પાસે પૂર્વ PM શેખ હસીનાને સોંપવાની માંગ કરી છે. 5 ઓગસ્ટ, 2024ના રોજ સત્તા ગુમાવ્યા બાદ હસીના ભારતમાં આશ્રય લઈ રહ્યા છે. બાંગ્લાદેશના વડાપ્રધાનના સલાહકારે કહ્યું કે, હસીનાને મૃત્યુદંડની સજા થઈ છે અને તેમને પાછા લાવી ફાંસી આપવા માંગીએ છીએ. ઢાકાએ ભારતીય મીડિયામાં હસીનાના નિવેદનો સામે પણ વાંધો ઉઠાવ્યો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

શેખ હસીનાને બાંગ્લાદેશનું કડક ફરમાન, 'દેશ પરત ફરતા જ અપાશે ફાંસી, હવે કોર્ટમાં અપીલનો સમય પણ પૂરો'

Bangladesh Demands Sheikh Hasina Extradition: બાંગ્લાદેશે વધુ એક વખત ભારત પાસે પૂર્વ વડાપ્રધાન શેખ હસીનાને સોંપવાની માંગ દોહરાવી છે. બાંગ્લાદેશે સ્પષ્ટ કર્યું છે કે, હસીનાની વાપસીથી જ નવી દિલ્હી સાથેના દ્વિપક્ષીય સંબંધો પાટા પર પાછા ફરશે.

'અમે ધરપકડ કરીને પાછા લાવીશું'

વડાપ્રધાન તારિક રહેમાનના માહિતી સલાહકાર જાહેદ ઉર રહેમાને દાવો કર્યો છે કે, બાંગ્લાદેશમાં શેખ હસીના માટે મૃત્યુદંડની સજા રાહ જોઈ રહી છે. તેમની પાસે હવે અપીલ કરવાનો કોઈ કાયદાકીય વિકલ્પ બચ્યો નથી. જો ભારત સંબંધો સુધારવા માંગતું હોય, તો તેણે સૌથી પહેલા શેખ હસીનાને ઢાકાના હવાલે કરવા પડશે.

'અમે ધરપકડ કરી ફાંસી આપવા માંગીએ છીએ'

સમાચાર એજન્સીઓના અહેવાલ મુજબ, 8 સપ્ટેમ્બરે સચિવાલયમાં યોજાયેલી સાપ્તાહિક પ્રેસ કોન્ફરન્સમાં જાહેદ ઉર રહેમાને હસીનાને સંબોધીને કહ્યું કે, 'શેખ હસીના, તમારે પોતે પાછા આવવાની જરૂર નથી. અમે તમારી ધરપકડ કરવા માંગીએ છીએ. તમે એક ભાગેડુ છો, મૃત્યુદંડ પામેલા ભાગેડું.' તેમણે ફાંસીની સજા નિશ્ચિત હોવાનું જણાવતા ઉમેર્યું કે, આ માત્ર ભારત પર દબાણ લાવવાનું નિવેદન નથી, પરંતુ વડાપ્રધાનની ભારત મુલાકાત માટેની એક અત્યંત મહત્વપૂર્ણ અને જરૂરી શરત છે.

હાલ ભારતમાં છે શેખ હસીના

વિદ્યાર્થી આંદોલનને કારણે 5 ઓગસ્ટ 2024ના રોજ શેખ હસીનાને સત્તા ગુમાવવી પડી હતી. તેમના દેશ છોડ્યા બાદ ઈન્ટરનેશનલ ક્રાઈમ્સ ટ્રિબ્યુનલ (ICT) એ તેમની ગેરહાજરીમાં જ આંદોલન દરમિયાન થયેલા માનવતા વિરોધી અપરાધો માટે મૃત્યુદંડની સજા સંભળાવી હતી. ત્યારથી તેઓ ભારતમાં આશ્રય લઈ રહ્યા છે.

ભારતીય મીડિયામાં નિવેદનો આપવા સામે ઢાકાનો વિરોધ

શેખ હસીનાની તાજેતરની વર્ચ્યુઅલ પ્રેસ કોન્ફરન્સ અને ભારતીય મીડિયાને આપેલા ઈન્ટરવ્યૂ સામે બાંગ્લાદેશ સરકારે સખત વાંધો ઉઠાવ્યો છે. રહેમાને જણાવ્યું કે, હસીનાના આવા નિવેદનોથી બાંગ્લાદેશની જનતામાં ભારે રોષ છે, અને આ અંગે ઢાકાએ ભારતને ઔપચારિક વિરોધ પત્ર પણ મોકલ્યો છે. તેમણે ઉમેર્યું કે, સંબંધો સુધારવા માટે ભારતે ઓછામાં ઓછું હસીનાને શાંત રાખવા જોઈએ.

ભારતના નવા હાઈકમિશનર અંગે નિવેદન

જાહેદ ઉર રહેમાને ઢાકા ખાતે ભારતના નવા હાઈકમિશનર તરીકે દિનેશ ત્રિવેદીની નિમણૂકનું સ્વાગત કર્યું છે. તેમણે કહ્યું કે, બંને દેશો વચ્ચે વધુ સારા સંબંધો અને વાતચીત ત્યારે જ આગળ વધી શકે છે, જ્યારે બંને વચ્ચે પરસ્પર વિશ્વાસનું વાતાવરણ ઊભું થાય.