Strait of Hormuz: હોર્મુઝ સ્ટ્રેટ ખોલવાને લઈને ટ્રમ્પના 48 કલાકના અલ્ટીમેટમનો સમય પૂરો થાય તે પહેલાં સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC)માં આ વ્યૂહાત્મક દરિયાઈ માર્ગને ખોલવા પર મતદાન થયું હતું. હોર્મુઝ ખોલવા અંગે બહેરીન દ્વારા લાવવામાં આવેલા પ્રસ્તાવ પર રશિયા અને ચીને વીટો વાપરતા આ પ્રસ્તાવ પસાર થઈ શક્યો નથી. નોંધનીય બાબત એ છે કે, 15 સભ્યોની સુરક્ષા પરિષદના અસ્થાયી સભ્ય પાકિસ્તાન, જે પોતાને ખાડી દેશોનો મિત્ર ગણાવે છે, તે મતદાન પ્રક્રિયાથી અળગો રહ્યો હતો.
ખાડી દેશોએ વ્યક્ત કરી નિરાશા
પ્રસ્તાવ નિષ્ફળ જતાં બહેરીન સહિત તમામ ખાડી દેશો ચીન અને રશિયા પર ભભૂકી ઉઠ્યા છે. બહેરીને આકરા શબ્દોમાં જણાવ્યું કે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ પોતાની જવાબદારી નિભાવવામાં નિષ્ફળ રહી છે. બહેરીનના વિદેશ મંત્રી અબ્દુલ્લાતીફ બિન રાશિદ અલ ઝયાનીએ સુરક્ષા પરિષદમાં બહેરીન, યુએઈ, સાઉદી અરેબિયા, કતાર, કુવૈત અને જોર્ડનનું સંયુક્ત નિવેદન વાંચ્યું હતું, જેમાં આ તમામ દેશોએ પ્રસ્તાવ નિષ્ફળ જવા પર ઘેરો અફસોસ વ્યક્ત કર્યો છે.
'મોટી કાર્યવાહીની જરૂર હતી'
અલ ઝયાનીએ કહ્યું કે, 'આ દેશો દુઃખ વ્યક્ત કરે છે કે આજે તમારી સમક્ષ રજૂ કરાયેલો પ્રસ્તાવ પસાર થઈ શક્યો નથી. પરિષદ એક ગેરકાયદે પ્રવૃત્તિના મામલે પોતાની જવાબદારી નિભાવવામાં નિષ્ફળ રહી છે. હોર્મુઝ ખોલવા માટે કોઈ પણ પ્રકારના વિલંબ વિના મોટી કાર્યવાહીની જરૂર હતી.' તેમણે વધુમાં ઉમેર્યું કે, 'અમને આશા હતી કે આ મુસદ્દો કાયમી ઉકેલની દિશામાં મોટું પગલું સાબિત થશે. તેનાથી હોર્મુઝ સ્ટ્રેટમાં જહાજોની મુક્ત અવરજવર સુનિશ્ચિત થઈ હોત પરંતુ તેમ થયું નહીં. હોર્મુઝ એક રાષ્ટ્રીય જળમાર્ગ છે અને આંતરરાષ્ટ્રીય કાયદા મુજબ કોઈપણ દેશને તેને અવરોધવાનો અધિકાર નથી.'
ચીન-રશિયાનો વિરોધ અને પાકિસ્તાનનું વલણ
ચીનના શરૂઆતના વિરોધને કારણે બહેરીન દ્વારા લાવવામાં આવેલો આ પ્રસ્તાવ પહેલેથી જ નબળો પડી ગયો હતો. રશિયાએ પણ તેનો વિરોધ કર્યો હતો. બીજી તરફ, પાકિસ્તાન અને કોલંબિયા મતદાનથી દૂર રહ્યા હતા. જો કે આ પ્રસ્તાવને 11 દેશોનું સમર્થન મળ્યું હતું. સમાચાર એજન્સી રોયટર્સના જણાવ્યા અનુસાર, પ્રસ્તાવના પ્રારંભિક ડ્રાફ્ટમાં હોર્મુઝ ખોલવા માટે બળપ્રયોગની મંજૂરીનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. પરંતુ બાદમાં રજૂ કરાયેલા સુધારિત પ્રસ્તાવમાંથી બળપ્રયોગની મંજૂરી હટાવી દેવામાં આવી હતી.
રક્ષણાત્મક સહયોગની અપીલ
પ્રસ્તાવમાં જણાવાયું હતું કે હોર્મુઝ સ્ટ્રેટમાં વેપારી માર્ગોનો ઉપયોગ કરતા દેશોને પરિસ્થિતિ જોઈને રક્ષણાત્મક સહયોગ માટે તૈયાર રહેવા પ્રોત્સાહિત કરવામાં આવે છે, જેથી ત્યાં જહાજોની અવરજવર સુનિશ્ચિત કરી શકાય. આ સહયોગમાં વેપારી અને વ્યાપારી જહાજોને સુરક્ષા કવચ આપવાનો પણ સમાવેશ થઈ શકે છે.


