World

ઇરાનના સુપ્રીમ લીડર ખામેનેઈના મોતના 4 મહિના બાદ થશે અંતિમ સંસ્કાર, 9 જુલાઈએ મશહદમાં દફનવિધિ

By GS Team
13 Jun 20262 mins read
TukuTouch Logo
ઇરાનના દિવંગત સુપ્રીમ લીડર આયતુલ્લાહ અલી ખામેનેઈના અંતિમ સંસ્કાર આગામી મહિનામાં થવા જઈ રહ્યા છે. ફેબ્રુઆરી મહિનામાં થયેલા અમેરિકી અને ઇઝરાયલી સૈન્ય હુમલામાં માર્યા ગયેલા ખામેનેઈના મૃત્યુના અંદાજે 4 મહિના (132 દિવસ) બાદ આગામી 9 જુલાઈ 2026ના રોજ તેમને સુપુર્દ-એ-ખાક (દફનાવવામાં) કરવામાં આવશે. ઇરાન પર ચાલી રહેલા યુદ્ધ અને સુરક્ષા ચિંતાઓને કારણે અત્યાર સુધી આ કાર્યક્રમ મોકૂફ રખાયો હતો.

Summarized by AI; it may make mistakes. Check important info

ઇરાનના સુપ્રીમ લીડર ખામેનેઈના મોતના 4 મહિના બાદ થશે અંતિમ સંસ્કાર, 9 જુલાઈએ મશહદમાં દફનવિધિ

Ayatollah Ali Khamenei Funeral Date 9 July : ઇરાનના દિવંગત સુપ્રીમ લીડર આયતુલ્લાહ અલી ખામેનેઈના અંતિમ સંસ્કાર આગામી મહિનામાં થવા જઈ રહ્યા છે. ફેબ્રુઆરી મહિનામાં થયેલા અમેરિકી અને ઇઝરાયલી સૈન્ય હુમલામાં માર્યા ગયેલા ખામેનેઈના મૃત્યુના અંદાજે 4 મહિના (132 દિવસ) બાદ આગામી 9 જુલાઈ 2026ના રોજ તેમને સુપુર્દ-એ-ખાક (દફનાવવામાં) કરવામાં આવશે. ઇરાન પર ચાલી રહેલા યુદ્ધ અને સુરક્ષા ચિંતાઓને કારણે અત્યાર સુધી આ કાર્યક્રમ મોકૂફ રખાયો હતો.

ન્યૂઝ એજન્સી રોયટર્સ (Reuters) અને એએફપી (AFP)ના અહેવાલ અનુસાર, અલી ખામેનેઈનું મૃત્યુ 28 ફેબ્રુઆરી 2026ના રોજ અમેરિકા-ઇઝરાયલના સંયુક્ત હુમલામાં થયું હતું. તેમના અવસાન સાથે જ ઇરાન પર ત્રણ દાયકા (30 વર્ષ) કરતા વધુ સમયથી ચાલી રહેલા તેમના શાસનનો અંત આવ્યો હતો.

4 થી 9 જુલાઈ સુધી ચાલશે ભવ્ય અંતિમ સંસ્કાર કાર્યક્રમ

તેહરાનના મેયર અલીરેઝા ઝકાનીના સત્તાવાર નિવેદન મુજબ, ખામેનેઈના અંતિમ સંસ્કારનો ભવ્ય કાર્યક્રમ કુલ 6 દિવસ સુધી અલગ-અલગ શહેરોમાં ચાલશે.

4 થી 6 જુલાઈ: રાજધાની તેહરાનમાં 3 (ત્રણ) દિવસ સુધી સત્તાવાર અંતિમ સંસ્કાર વિધિ અને શોક સભા ચાલશે.

7 જુલાઈ: ઇરાનના પવિત્ર શહેર કોમ (Qom)માં વિશેષ ધાર્મિક વિધિ યોજાશે.

9 જુલાઈ: ખામેનેઈના વતન અને ઉત્તર-પૂર્વીય શહેર મશહદ (Mashhad)માં તેમને સત્તાવાર રીતે દફનાવવામાં આવશે.

અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ અંતિમ સંસ્કાર કાર્યક્રમમાં ઇરાન અને વિશ્વભરમાંથી આશરે 20 મિલિયન (2 કરોડ) લોકો સામેલ થાય તેવી સંભાવના છે.

અંતિમ સંસ્કારમાં કેમ થયો 4 મહિનાનો વિલંબ?

ઇસ્લામિક પરંપરાઓથી વિપરીત ખામેનેઈને દફનાવવામાં 132 દિવસ જેટલો લાંબો સમય લાગવા પાછળ ઘણાં મહત્ત્વના કારણો જવાબદાર છે. જેમ કે... 

મોહરમના કારણે ફેરફાર: ઇરાન સરકાર પહેલા આ કાર્યક્રમ જૂનની શરૂઆતમાં મોહરમ માસની શરૂઆતમાં કરવા માંગતી હતી. પરંતુ, મેયરે સ્પષ્ટ કર્યું કે લોકો ઇમામ હુસૈન માટે પોતાના વાર્ષિક શોકને શાંતિપૂર્વક પૂરો કરી શકે તે માટે આ કાર્યક્રમ મોહરમના પ્રથમ 10 દિવસ પછી (એટલે કે 4 જુલાઈથી) રાખવામાં આવ્યો છે.

યુદ્ધ અને સુરક્ષા ચિંતાઓ: માર્ચ મહિનામાં નિર્ધારિત કરાયેલો કાર્યક્રમ અમેરિકા અને ઇઝરાયલ સાથે ચાલી રહેલા ભયાનક સૈન્ય સંઘર્ષ અને સુરક્ષાના કારણોસર મુલતવી રાખવો પડ્યો હતો.

સત્તાનું હસ્તાંતરણ: ખામેનેઈના મૃત્યુ બાદ તેમના પુત્ર મૌજતબા ખામેનેઈ (Mojtaba Khamenei)ને સત્તા સોંપવાની પ્રક્રિયા અને ઇરાનના નવા સુપ્રીમ લીડરની વરણી અંગે મહિનાઓ સુધી ચાલેલી રાજકીય અટકળો પણ આ વિલંબનું એક મુખ્ય કારણ હતું.