World

ગુજરાતમાં મોટું રોકાણ કરશે ઓસ્ટ્રેલિયા, બંને દેશો વચ્ચે વેપાર-શિક્ષણ ક્ષેત્રે મહત્ત્વના કરાર, PM મોદીએ CEO ફોરમ સંબોધી

By GS Team
9 Jul 20262 mins read
TukuTouch Logo
વડાપ્રધાન મોદી ઓસ્ટ્રેલિયાના મેલબોર્નમાં CEO ફોરમને સંબોધિત કરતા, ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે વેપાર અને શિક્ષણ ક્ષેત્રે મહત્વના નિર્ણયો લેવાયા. 2022માં થયેલા ECTA થી દ્વિપક્ષીય વેપાર $4 બિલિયનથી $8.5 બિલિયન થયો. ક્લીન એનર્જી અને 100 ગીગાવાટ ન્યુક્લિયર પાવરનો લક્ષ્યાંક છે. ઓસ્ટ્રેલિયાની યુનિવર્સિટીઓ ગુજરાતમાં કેમ્પસ ખોલશે.

Summarized by AI; it may make mistakes. Check important info

ગુજરાતમાં મોટું રોકાણ કરશે ઓસ્ટ્રેલિયા, બંને દેશો વચ્ચે વેપાર-શિક્ષણ ક્ષેત્રે મહત્ત્વના કરાર, PM મોદીએ CEO ફોરમ સંબોધી

PM Modi Australia Visit 2026 : બે દિવસીય સત્તાવાર પ્રવાસે ઓસ્ટ્રેલિયા પહોંચેલા ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મેલબોર્ન શહેરમાં આયોજિત પ્રતિષ્ઠિત સીઇઓ (CEO) ફોરમને સંબોધિત કરી છે. આ વૈશ્વિક સમિટ દરમિયાન ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે વેપાર અને શિક્ષણ ક્ષેત્રે કેટલાય મોટા નિર્ણયો લેવાયા છે. ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન એન્થની અલ્બનીઝના જણાવ્યા અનુસાર, ઓસ્ટ્રેલિયાનું એક હાઈ-લેવલ વ્યાપારી પ્રતિનિધિમંડળ આગામી ડિસેમ્બરમાં ભારતની મુલાકાતે આવશે અને ઓસ્ટ્રેલિયાની પ્રતિષ્ઠિત યુનિવર્સિટીઓ ગુજરાતમાં પોતાના કેમ્પસ શરૂ કરશે. પીએમ મોદીએ બંને દેશોના અગ્રણી ઉદ્યોગપતિઓને સંબોધતા જણાવ્યું કે, વૈશ્વિક અસ્થિરતા અને સપ્લાય ચેનની સમસ્યાઓ વચ્ચે ભારત અને ઓસ્ટ્રેલિયાનું એક ભરોસાપાત્ર ભાગીદાર તરીકે આગળ વધવું સ્વાભાવિક અને જરૂરી છે.

ઓસ્ટ્રેલિયા સાથે ભારતનો વેપાર વધીને 8.5 અબજ ડોલર થયો

પીએમ મોદીએ આર્થિક સંબંધોની પ્રગતિ અંગે વાત કરતા કહ્યું કે, વર્ષ 2022માં થયેલા ઇકોનોમિક કોઓપરેશન એન્ડ ટ્રેડ એગ્રીમેન્ટ (ECTA) ના કારણે ભારતથી ઓસ્ટ્રેલિયામાં થતી નિકાસ બમણી થઈ ગઈ છે. છેલ્લા 4 વર્ષોમાં બંને દેશો વચ્ચેનો દ્વિપક્ષીય વેપાર ઝડપથી વધીને બમણો થયો છે. વર્ષ 2020-21ના નાણાકીય વર્ષમાં જે વેપાર 4 અબજ અમેરિકી ડોલર હતો, તે વર્ષ 2024-25માં વધીને 8.5 અબજ અમેરિકી ડોલર પર પહોંચી ગયો છે. ઓસ્ટ્રેલિયાએ ભારતીય ઉત્પાદનો પરની આયાત ડ્યુટી (ટેક્સ) ખૂબ જ ઘટાડી દીધી છે, જ્યારે ભારતે પણ ઓસ્ટ્રેલિયન ઉત્પાદનો પર ધીમે-ધીમે ટેક્સ ઘટાડવાની ખાતરી આપી છે.

ક્લીન એનર્જી અને 100 ગીગાવાટ ન્યુક્લિયર પાવરનો લક્ષ્યાંક

સમિટમાં ભારતના ભવિષ્યના રોડમેપ અંગે ચર્ચા કરતા પીએમ મોદીએ કહ્યું, "અમે ભારતમાં હાઇડ્રો પ્રોજેક્ટ્સ, ગ્રીન હાઇડ્રોજન, સોલાર મોડ્યુલ અને વિન્ડ ટર્બાઇન માટે મેન્યુફેક્ચરિંગ ઇકોસિસ્ટમ વિકસાવી રહ્યા છીએ. ભારતે વર્ષ 2030 સુધીમાં 500 ગીગાવાટ રિન્યુએબલ એનર્જી અને વર્ષ 2070 સુધીમાં નેટ ઝીરો એમિશન પ્રાપ્ત કરવાનું લક્ષ્ય રાખ્યું છે. આ ઉપરાંત, વર્ષ 2047 સુધીમાં ભારતે 100 ગીગાવાટ ન્યુક્લિયર એનર્જી ક્ષમતા મેળવવાનો લક્ષ્યાંક રાખ્યો છે. જેમાં ઓસ્ટ્રેલિયાનો યુરેનિયમનો વિશાળ ભંડાર ભારત માટે ખૂબ મહત્વનો સાબિત થઈ શકે છે." તેમણે ઓસ્ટ્રેલિયન રોકાણકારોને ભારતના પોર્ટ્સ, એરપોર્ટ, હાઈવે અને રેલવે જેવા ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સમાં લાંબા ગાળાના રોકાણ માટે આમંત્રણ આપ્યું હતું.

ગુજરાતમાં ખુલશે વોલોન્ગોંગ અને ડીકિન યુનિવર્સિટીના કેમ્પસ: મેલબોર્નમાં ભવ્ય સ્વાગત

શિક્ષણ ક્ષેત્રે મોટી ભાગીદારી અંતર્ગત ઓસ્ટ્રેલિયાની વોલોન્ગોંગ યુનિવર્સિટી (Wollongong University) અને ડીકિન યુનિવર્સિટી (Deakin University) ગુજરાતમાં પોતાના કેમ્પસ ખોલશે. પીએમ મોદીએ આ બાબતને ભારત-ઓસ્ટ્રેલિયાના સંબંધોનો નવો અધ્યાય ગણાવતા કહ્યું કે હવે આપણો લક્ષ્યાંક સ્ટુડન્ટ મોબિલિટીને 'ટેલેન્ટ પાર્ટનરશીપ' માં બદલવાનો હોવો જોઈએ. આ પૂર્વે મેલબોર્ન એરપોર્ટ પર પીએમ મોદીનું ભારતીય સમુદાય દ્વારા પરંપરાગત રીતે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. જ્યાં પ્રખ્યાત તબલા વાદક ડો. સેમ ઇવાન્સ અને ડિડગેરીડુ વાદકે ખાસ પ્રસ્તુતિ આપી હતી, જ્યારે ઓસ્ટ્રેલિયાના સિમ્ફની ઓર્કેસ્ટ્રાએ રાષ્ટ્રગીત 'વંદે માતરમ' ની ધૂન વગાડી હતી. પીએમ મોદી અહીં બે દિવસ રોકાશે અને 11 જુલાઈએ ન્યુઝીલેન્ડ જવા રવાના થશે.