ઓસ્ટ્રેલિયાએ 15 ભારતીયોને તગેડી મૂક્યા, જાણો શું છે તેમના ગુના? ચાર્ટર્ડ ફ્લાઈટમાં દિલ્હી પહોંચ્યા
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Australia Deports 15 Indians : ઓસ્ટ્રેલિયા સરકારે ગુનાહિત પ્રવૃત્તિઓ અને વિઝા નિયમોના ઉલ્લંઘન બદલ 15 ભારતીય નાગરિકોને દેશનિકાલ કર્યા છે. આ તમામ લોકોને ખાસ ચાર્ટર્ડ ફ્લાઈટ દ્વારા દિલ્હીના ઇન્દિરા ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટ પર લાવવામાં આવ્યા હતા. 25 થી 45 વર્ષની વયના આ નાગરિકોમાં સૌથી વધુ 9 લોકો પંજાબના છે, જ્યારે બાકીના હરિયાણા, ઉત્તરાખંડ અને તેલંગાણાના રહેવાસી છે.
ડિપોર્ટ કરવાનું મુખ્ય કારણ
આ ભારતીયોને મુખ્યત્વે ગુનાહિત પ્રવૃત્તિઓમાં સંડોવણી, વિઝા નિયમોનું ઉલ્લંઘન અથવા ઓસ્ટ્રેલિયન સત્તાવાળાઓને સહકાર ન આપવા બદલ બહાર કાઢવામાં આવ્યા છે. ખાસ નોંધવા જેવી બાબત એ છે કે 15 માંથી માત્ર 2 પાસે જ માન્ય પાસપોર્ટ હતા, જ્યારે બાકીના 13 ને ભારતીય દૂતાવાસ દ્વારા જારી કરાયેલા 'ઇમરજન્સી સર્ટિફિકેટ' (વન-વે ટ્રાવેલ ડોક્યુમેન્ટ) પર પરત લાવવામાં આવ્યા છે.
શા માટે ખાસ ચાર્ટર્ડ ફ્લાઈટ વપરાઈ?
આ કેદીઓને 'નૌરુ એરલાઇન્સ'ના ખાસ વિમાન દ્વારા પરત મોકલાયા હતા. અધિકારીઓના જણાવ્યા મુજબ, ઘણા કેદીઓનું વર્તન એટલું અસહયોગી હતું કે તેમને સામાન્ય મુસાફરોની ફ્લાઈટમાં મોકલવા સુરક્ષા માટે જોખમી બની શકે તેમ હતું. આથી, વિમાનમાં વધારાના સુરક્ષાકર્મીઓ અને મેડિકલ સ્ટાફ રાખવો પડ્યો હતો.
ડિપોર્ટ કરાયેલા લોકો અને તેમના ગુનાઓ
પરત મોકલાયેલા લોકોમાં ઘણા લાંબો ગુનાહિત ઈતિહાસ ધરાવે છે:
જસવંત સિંહ (34 વર્ષ): હથિયારો અને ડ્રગ્સ રાખવા, ચોરી અને દારૂ પીને ગાડી ચલાવવી.
અંગ્રેજ સિંહ (32 વર્ષ): છેતરપિંડી, ડ્રગ્સ અને ચોરીનો સામાન રાખવો.
સતિંદરજીત સિંહ (31 વર્ષ): ઘરેલું હિંસા અને પોલીસ વિરુદ્ધ ગુના.
હરપ્રિત સિંહ (41 વર્ષ): પોલીસ પર હુમલો અને બાળકો સાથે જોડાયેલા જાતીય ગુના જેવા ગંભીર આરોપ.
જગજીત સિંહ (35 વર્ષ) : વાહનચોરી, ફેક દસ્તાવેજોનો ઉપયોગ અને ચોરીની વસ્તુઓ સંબંધિત ગુનો.
જસપ્રીત સિંહ (37 વર્ષ) : વાંરવાર દુકાનોમાંથી ચોરી, ડ્રગ્સ રાખવું અને મારપીટ ઘરેલુ હિંસા જેવા કેસ
કંવલજીત સિંહ (27 વર્ષ) : ડ્રગ્સ સાથે પકડાયો, 2000 ડૉલરથી વધુની દુકાનોમાંથી ચોરી કરી
રણજીત સિંહ (35 વર્ષ) : નશીલા પદાર્થો રાખવા, ચોરી અને જામીન બ્રેક કરવા.
હરપ્રીત સિંહ (41 વર્ષ) : પોલીસ પર હુમલો કરવો, પીછો કરવો, ડરાવવા-ધમકાવવાના આરોપ.
અબ્દુલ્લા સાલેહ (31 વર્ષ): ગંભીર નુકસાન પહોંચાડવાની ધમકી અને ડરાવવા-ધમકાવવા.
શ્રુતિ શર્મા (45 વર્ષ): કોઈ ગુનાહિત રેકોર્ડ નથી, પરંતુ વિઝા નિયમોના ઉલ્લંઘન બદલ ડિપોર્ટ.
મુખ્યમંત્રી ભગવંત માનનું નિવેદન
પંજાબના સીએમ ભગવંત માને જણાવ્યું હતું કે સરકાર તપાસ કરશે કે આ લોકોના દસ્તાવેજો કોણે અને કેવી રીતે તૈયાર કરાવ્યા હતા. હવે સરકારનો મુખ્ય હેતુ તેમને ગરિમાપૂર્ણ રીતે સમાજમાં પાછા ભેળવવાનો અને પલાયન માટે જવાબદાર વ્યવસ્થાકીય સમસ્યાઓ ઉકેલવાનો છે.









