World

મધ્ય-પૂર્વમાં ડિસેલિનેશન પ્લાન્ટો પર હુમલાથી ખાડી દેશોમાં જળકટોકટી

By GS Team
19 Jul 20262 mins read
TukuTouch Logo
મધ્ય-પૂર્વમાં અમેરિકા અને ઈરાન વચ્ચે યુદ્ધ વધુ ભયાનક બન્યું છે. અમેરિકાએ ઈરાનના ડિસેલિનેશન પ્લાન્ટ પર હુમલા કરતા, ઈરાને પણ કુવૈત સહિતના ખાડી દેશોના આવા પ્લાન્ટ્સને નિશાન બનાવ્યા છે. આથી ખાડી દેશોમાં પીવાના પાણીની કટોકટી સર્જાઈ શકે છે. ઈરાને જોર્ડનમાં અમેરિકી સૈન્ય બેઝ પર હુમલો કરતા 2 સૈનિકોના મોત થયા હતા, જેના જવાબમાં અમેરિકાએ ઈરાનના અનેક શહેરો પર મિસાઈલ હુમલા કર્યા છે.

Summarized by AI; it may make mistakes. Check important info

મધ્ય-પૂર્વમાં ડિસેલિનેશન પ્લાન્ટો પર હુમલાથી ખાડી દેશોમાં જળકટોકટી

દુબઈ/તહેરાન: મધ્ય-પૂર્વમાં અમેરિકા અને ઈરાનનું યુદ્ધ વધુ ભયાનક બની રહ્યું છે. ઈરાને પશ્ચિમ એશિયામાં અમેરિકાના બધા જ ખાડી દેશોને નિશાન બનાવવાનું શરૂ કર્યું છે. અમેરિકાએ ઈરાનમાં નાગરિક ઈન્ફ્રાસ્ટ્રક્ચરની સાથે ડિસેલિનેશન પ્લાન્ટ પર હુમલા શરૂ કર્યા છે ત્યારે આઈઆરજીસીએ પણ વળતા જવાબમાં કુવૈત, બહરીન સહિતના દેશોના ડિસેલિનેશન પ્લાન્ટોને નિશાન બનાવતા ખાડી દેશોમાં પીવાના પાણીની કટોકટી ઊભી થઈ શકે છે.
પશ્ચિમ એશિયામાં અમેરિકા અને ઈરાનના યુદ્ધના કારણે દુનિયાભરમાં ફરી એક વખત ક્રૂડ ઓઈલની કટોકટી ઊભી થવાની આશંકા છે ત્યારે ખાડી દેશોમાં પીવાના પાણીનું સંકટ પેદા થઈ શકે છે. રણ અને સમુદ્રથી ઘેરાયેલા ખાડી દેશો પીવાના પાણી માટે સમુદ્રના ખારા પાણીને પીવાના પાણીમાં પરિવર્તિત કરતા ડિસેલિનેશન પ્લાન્ટ પર નિર્ભર છે. આથી જ, યુએઈથી લઈને કુવૈત સુધી ખાડી દેશોના દરિયા કિનારા પર ૪૦૦થી વધુ ડિસેલિનેશન પ્લાન્ટ છે.
જોકે, અમેરિકાએ ઈરાનના દરિયા કિનારે કેશમ ટાપુમાં ડિસેલિનેશન પ્લાન્ટ પર હુમલા શરૂ કર્યા છે.
અમેરિકાના હવાઈ હુમલામાં હોર્મોઝગાન પ્રાંતમાં એક ડિસેલિનશન પ્લાન્ટનો નાશ થઈ ગયો. આથી હવે ઈરાને ખાડી દેશોના ડિસેલિનેશન પ્લાન્ટને નિશાન બનાવવાનું શરૂ કર્યું છે. કુવૈતે ઈરાન પર ડિસેલિનેશન પ્લાન્ટ પર હુમલાનો આક્ષેપ કર્યો છે. જોકે, ઈરાન આ પ્લાન્ટ પર વધુ હુમલા ચાલુ રાખશે તો બધા જ ખાડી દેશોમાં જળ સંકટ ઊભું થવાની આશંકા છે.
દરમિયાન ઈરાને જોર્ડન, કુવૈત, બહરીન સહિતના દેશોમાં અમેરિકન સૈન્ય બેઝ પર મિસાઈલ અને ડ્રોન હુમલા ચાલુ રાખ્યા છે.
ઈરાને જોર્ડનમાં અમેરિકાના સૈન્ય બેઝ પર કરેલા હુમલામાં બે અણેરિકન સૈનિકોના મોત નીપજ્યાં હતા જ્યારે ચાર ઘાયલ થયા હતા. અમેરિકન સેન્ટ્રલ કમાન્ડે સૈનિકોના મોતની પુષ્ટી કરી હતી. આ સાથે ૨૮ ફેબુ્રઆરીથી શરૂ થયેલા આ યુદ્ધમાં અત્યાર સુધીમાં કુલ ૧૬ અમેરિકન સૈનિકોનાં મોત થયા છે અને ૪૩૦થી વધુ ઘાયલ થયા છે.
ઈરાને કુવૈતમાં ડિસેલિનેશન પ્લાન્ટ અને ઓઈલ રિફાઈનરીને પણ નિશાન બનાવ્યા હતા.
અમેરિકન સૈનિકોના મોતનો બદલો લેવા ટ્રમ્પના આદેશથી અમેરિકાએ સતત આઠમા દિવસે ઈરાનના અનેક શહેરો પર વિનાશક મિસાઈલમારો કર્યો હતો. અમેરિકન સેનાએ દક્ષિણી પોર્ટ શહેર સિરિક પાસેના વિસ્તારો પર હુમલા કર્યા હતા. આ હુમલામાં ઈરાનની એર ડિફેન્સ સિસ્ટમ, નિરીક્ષણ રડાર, મિસાઈલ અને ડ્રોન સ્ટોરેજ સુવિધાઓનો સમાવેશ થાય છે.
ઈરાન સામેનું યુદ્ધ અનિયંત્રિત બની રહ્યું છે ત્યારે હવે અમેરિકાએ ઈરાનમાં જમીની હુમલાની તૈયારી કરી શરૂ કરી છે. અમેરિકન સૈન્યે મધ્ય-પૂર્વમાં તૈનાત ૫૦,૦૦૦ સૈનિકોને સંપૂર્ણપણે એલર્ટ પર રાખ્યા છે. ઉપરાંત પોતાની હવાઈ ક્ષમતાને મજબૂત કરવા માટે અમેરિકા જર્મનીના સ્પેંગડાહલેમ બેઝ પરથી એફ-૧૬ ફાઈટર જેટ અને બ્રિટનમાંથી અત્યાધુનિક એફ-૩૫ સ્ટીલ્થ ફાઈટર જેટને મધ્ય-પૂર્વમાં ઈઝરાયેલ તથા અન્ય ફ્રન્ટ બેઝ પર તૈનાત કરી રહ્યું છે.