અમેરિકાના મિશિગનમાં અંધાધૂંધ ગોળીબાર કરી હુમલાખોર ફરાર, બે નિર્દોષ નાગરિકોના મોત
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

America Gun Violence: અમેરિકામાં ગન કલ્ચર અને અંધાધૂંધ ગોળીબારની ઘટનાઓ અટકવાનું નામ નથી લઈ રહી. હવે મિશિગન સ્ટેટના ડિયરબોર્ન શહેરમાં આવેલા એક પ્રતિષ્ઠિત શોપિંગ મોલમાં ભયાનક ગોળીબારની ઘટના સામે આવી છે, જેમાં બે લોકોના કરુણ મોત નીપજ્યા છે જ્યારે એક નિર્દોષ નાગરિક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો છે. ઘટનાને અંજામ આપીને હુમલાખોર ફરાર થઈ જતાં પોલીસે સમગ્ર વિસ્તારમાં નાકાબંધી કરી તેની શોધખોળ હાથ ધરી છે.
મોલમાં સામાન્ય બાબતે બની ઘટના
અહેવાલો અનુસાર, ફેરલેન ટાઉન સેન્ટર મોલમાં શુક્રવારે (ત્રીજી જુલાઈ) બપોરે આશરે 2:00 વાગ્યાની આસપાસ ગોળીબારની આ ઘટના બની હતી. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે, બે વ્યક્તિઓ વચ્ચે કોઈ બાબતે ઉગ્ર બોલાચાલી થઈ હતી. આ વિવાદ એટલો વધી ગયો કે એક શખસે અચાનક ગન કાઢીને સામેવાળી વ્યક્તિ પર ટાર્ગેટ કરીને અંધાધૂંધ ફાયરિંગ શરૂ કરી દીધું હતું. આ ઘટનામાં બે લોકોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા, જ્યારે ત્યાંથી પસાર થઈ રહેલા એક નિર્દોષ રાહદારીને પણ ગોળી વાગતાં તે ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો.
મોલ બંધ કરાવી સર્ચ ઓપરેશન શરૂ કરાયું
ફાયરિંગના અહેવાલો મળતા જ ડિયરબોર્ન પોલીસ અને મિશિગન સ્ટેટ પોલીસની કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો હતો. સુરક્ષાના ભાગરૂપે આખા શોપિંગ મોલને તાત્કાલિક ધોરણે બંધ કરી દેવામાં આવ્યો હતો અને અંદર હાજર લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા હતા. હુમલાખોર ગોળીબાર કરીને ફરાર થઈ ગયો હોવાથી પોલીસ સીસીટીવી ફૂટેજના આધારે તેની ઓળખ મેળવવા અને તેને ઝડપી પાડવા માટે સઘન સર્ચ ઓપરેશન ચલાવી રહી છે. જોકે, ગોળીબાર પાછળનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી.
ડેટ્રોઇટનો મોટો શોપિંગ મોલ છે 'ફેરલેન ટાઉન સેન્ટર'
ઉલ્લેખનીય છેકે, જે ફેરલેન ટાઉન સેન્ટરમાં આ ઘટના બની છે તે ડેટ્રોઇટ મેટ્રો વિસ્તારનો એક ખૂબ જ મોટો અને વ્યસ્ત શોપિંગ મોલ છે. આ મોલ ડાઉનટાઉન ડેટ્રોઇટથી પશ્ચિમ દિશામાં આશરે 10 માઇલ દૂર આવેલો છે. વીકેન્ડની શરૂઆત હોવાથી મોલમાં સામાન્ય દિવસો કરતાં વધુ ભીડ હતી, જેના કારણે આ ઘટના બાદ સ્થાનિક લોકોમાં ભારે ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.









