World

યુક્રેનના ઓડેસા બંદરથી રવાના થયેલા જહાજ પર મધદરિયે હુમલો, ચાર ભારતીયોના મોત, એક ઘાયલ

By GS Team
20 Jul 20262 mins read
TukuTouch Logo
યુક્રેન નજીક 'MV ગોલ્ડન લિઓ' જહાજ પર થયેલા હુમલામાં 4 ભારતીય ક્રૂ સભ્યોના મોત થયા છે, જ્યારે 1 ભારતીય ગંભીર રીતે ઘાયલ છે. વિદેશ મંત્રાલયે આ ઘટનાની પુષ્ટિ કરી છે. ઓડેસા બંદર પરથી અનાજ લઈને નીકળેલા આ જહાજ પર 19 જુલાઈએ હુમલો થયો હતો. ભારતે આવા હુમલાઓની સખત નિંદા કરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

યુક્રેનના ઓડેસા બંદરથી રવાના થયેલા જહાજ પર મધદરિયે હુમલો, ચાર ભારતીયોના મોત, એક ઘાયલ
ફોટો સોર્સ: સોશિયલ મીડિયા

MV Golden Leo Attack: યુક્રેન નજીક દરિયામાં એક જહાજ પર થયેલા હુમલામાં 4 ભારતીય ક્રૂ સભ્યોના મોત થયા છે, જ્યારે એક ભારતીય નાગરિક ગંભીર રીતે ઘાયલ થયો છે. ભારતના વિદેશ મંત્રાલયે આ ઘટના અંગે જાણકારી આપી છે. આ હુમલો 'MV ગોલ્ડન લિઓ' (MV GOLDEN LEO) નામના જહાજ પર થયો હતો. આ જહાજ યુક્રેનના ઓડેસા બંદર પરથી રવાના થઈ રહ્યું હતું ત્યારે જ તેના પર આ હુમલો કરવામાં આવ્યો હતો.

જહાજ પર 5 ભારતીયો સહિત કુલ 17 ક્રૂ સભ્યો સવાર હતા

ભારતના વિદેશ મંત્રાલયના જણાવ્યા અનુસાર, 19 જુલાઈએ યુક્રેનના ઓડેસા બંદર પરથી નીકળતી વખતે 'MV ગોલ્ડન લિઓ' નામના જહાજ પર હુમલો થયો હતો. ઘટના સમયે જહાજ પર કુલ 17 ક્રૂ સભ્યો હાજર હતા, જેમાંથી 5 ભારતીય નાગરિકો હતા. આ હુમલામાં 4 ભારતીયોના મૃત્યુ થયા છે, જ્યારે એક ભારતીય નાગરિક ગંભીર હાલતમાં હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. વિદેશ મંત્રાલયે આપેલી માહિતી મુજબ યુક્રેન સ્થિત ભારતીય દૂતાવાસ આ સ્થિતિ પર ઝીણવટભરી નજર રાખી રહ્યું છે અને પ્રભાવિત લોકોને તમામ શક્ય મદદ પહોંચાડવાનો પ્રયાસ કરી રહ્યું છે. વિદેશ મંત્રાલયે મૃતક ભારતીય નાગરિકોના પરિવારો પ્રત્યે ઊંડા શોકની સંવેદના વ્યક્ત કરી છે અને ઘાયલ ભારતીય નાગરિક ઝડપથી સંપૂર્ણપણે સ્વસ્થ થઈ જાય તેવી કામના કરી છે.

ભારતે હુમલાની સખત શબ્દોમાં નિંદા કરી
વિદેશ મંત્રાલયે સ્પષ્ટ શબ્દોમાં વિરોધ કરતાં કહ્યું કે-

ભારત આવા હુમલાઓની સખત નિંદા કરે છે. ભારતે રોષ ઠાલવતાં કહ્યું છે કમર્શિયલ શિપિંગને નિશાન બનાવવું, નિર્દોષ નાગરિકો (ક્રૂ સભ્યો)ના જીવ જોખમમાં મૂકવા તેમજ નેવિગેશન અને વેપારની સ્વતંત્રતામાં અવરોધ ઊભો કરવોએ અત્યંત નિંદનીય છે અને આવું ન થવું જોઈએ.

અનાજ લઈને નીકળ્યું હતું જહાજ

આ જહાજ યુક્રેનના ઓડેસા બંદર પરથી અનાજ લઈને રવાના થઈ રહ્યું હતું, ત્યારે જ તેને નિશાન બનાવવામાં આવ્યું હતું. વિદેશ મંત્રાલયે વધુમાં સ્પષ્ટતા કરી હતી કે આ જહાજ પશ્ચિમ આફ્રિકી દેશ ગિની-બિસાઉના ધ્વજ હેઠળ દરિયામાં સફર કરી રહ્યું હતું.