પાક.ના ખૈબરમાં આત્મઘાતી હુમલો : 14ના મોત, 20 ઘાયલ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

ઇસ્લામાબાદ: પાકિસ્તાનના ખૈબર પ્રાંતમાં રવિવારે મોટી ઘટના સામે આવી હતી, સ્વાત જિલ્લાના કાબલ ટાઉનમાં લોકો દ્વારા યોજાયેલી શાંતિ માર્ચ દરમિયાન જ આતંકીઓ દ્વારા મોટો આત્મઘાતી હુમલો કરાયો હતો. જેમાં ૧૪ લોકો માર્યા ગયા હતા જ્યારે ૨૦થી વધુ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. આ રેલી સ્થાનિક અમન જિરગા નામની સંસ્થા દ્વારા યોજવામાં આવી હતી. રેલીમાં સામેલ લોકો સમગ્ર વિસ્તારમાં શાંતિ માટે અપીલ કરી રહ્યા હતા તે સમયે જ આતંકીઓ દ્વારા આ હુમલો કરવામાં આવ્યો હતો.
ધમાકાની માહિતી મળતાની સાથે જ સુરક્ષાકર્મીઓ સ્થળ પર દોડી ગયા હતા. અગાઉ સ્વાતના ડેપ્યુટી પોલીસ ઇન્સ્પેક્ટર જનરલ ફીદા હુસૈને કહ્યું હતું કે આ હુમલામાં ચાર પોલીસ અધિકારીઓ પણ માર્યા ગયા છે. આ આત્મઘાતી હુમલાને ઉમર ખાન નામના આતંકીએ અંજામ આપ્યો હતો. આ બ્લાસ્ટ કબાલ પોલીસ સ્ટેશનના ગેટ પાસે જ થયો હતો આ સમયે કબાલ ચોક વિસ્તારમાં મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા અને શાંતિની અપીલ કરી રહ્યા હતા.









