World

યુક્રેન યુદ્ધ ખેંચાતાં ટ્રમ્પે પુતિનને સંભળાવી દીધું, ફરીથી ભારત- પાક. યુદ્ધ બંધ કરવાનો દાવો કર્યો

By GS TEAM
15 Oct 20252 mins read
યુક્રેન યુદ્ધ ખેંચાતાં ટ્રમ્પે પુતિનને સંભળાવી દીધું, ફરીથી ભારત- પાક. યુદ્ધ બંધ કરવાનો દાવો કર્યો

- આ પૂર્વે ટ્રમ્પે ચેતવણી આપી હતી કે યુદ્ધ બંધ નહીં કરાય તો અમેરિકા યુક્રેનને ટોમ-હોક મિસાઈલ્સ આપવા વિચારશે

વોશિંગ્ટન : પ્રમુખ ટ્રમ્પે મંગળવારે વ્લાદીમીર પુતિનને સંભળાવી દીધું હતું કે યુદ્ધ બંધ કરો નહીં તો, અમે યુક્રેનને ટોમ-હોક મિસાઇલ્સ આપીશું.

આ સાથે ટ્રમ્પે તેમ પણ કહ્યું કે, જે યુદ્ધ માત્ર એક સપ્તાહમાં જ સમેટાઇ જાય તેવું હતું, પરંતુ તેને ચાર ચાર વર્ષ સુધી ખેંચવામાં આવ્યું છે.

મારે અને પુતિનને ઘણા સારા સંબંધ છે. તેથી જ મને ઘણી નિરાશા ઘેરી વળી છે. આ એક ભયંકર યુદ્ધ બની રહ્યું છે. પુતિન તો મારા મિત્ર છે, છતાં શા માટે, તેઓ ચાર ચાર વર્ષ સુધી યુદ્ધ કરી રહ્યા છે. તે જ સમજી શકાતું નથી. તેઓએ ફરી કહ્યું જે યુદ્ધ એક સપ્તાહમાં જ પુરું થઈ શકે તે ચાર-ચાર વર્ષ સુધી શા કારણે ખેંચાયું છે ? તેઓએ (પુતિને) ૧૫ લાખ જેટલા સૈનિકો ગુમાવ્યા છે. દ્વિતીય વિશ્વ યુદ્ધ પછી થયેલી આ સૌથી મોટી જાન હાની છે. અન્ય કોઇ પણ યુદ્ધ કરતાં થયેલી ઘણી મોટી જાનહાની છે.

તેઓએ ફરી એક વાર કહ્યું કે ભારત- પાક સંઘર્ષ સહિત તેમણે આઠ આઠ યુદ્ધો અટકાવ્યા છે.

આર્જેન્ટાઈનના પ્રમુખ જેવીયર મિલેઈ સાથેની વ્હાઈટ હાઉસમાં યોજાયેલી મિટીંગ દરમિયાન પ્રમુખ ટ્રમ્પે આ પ્રમાણે કહ્યું હતું.

બંને પ્રમુખોની મંત્રણા દરમિયાન ટ્રમ્પે આર્જેન્ટિનાના અર્થતંત્રને પગભર કરવા ૨૦ બિલિઅન ડોલરની અમેરિકી સહાયનું વચન આપ્યું હતું.

ઉલ્લેખનીય છે કે યુક્રેનના પ્રમુખ ઝેલેન્સ્કી ટોમ હોક મિસાઇલ્સ પ્રાપ્ત કરવા માટે અમેરિકા ગયા હતા. તેઓએ કહ્યું હતું કે, રશિયા ઉપર દબાણ કરવા અને અમારી સંરક્ષણ ક્ષમતા વધારવા અમારે લોંગ-રેન્જ મિસાઇલ્સની જરૂર છે.