બ્લેક સીમાં કોમર્શિયલ જહાજ પર ફરી હુમલો : 2 ભારતીય નાવિકો ગુમ, ભારત સરકારે જાહેર કરી એડવાઈઝરી
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Russia-Ukraine Black Sea Vessel Attack : યુક્રેનના ઓડેસા બંદરગાહ પર એક વેપારી જહાજ પર ફરી ભયાનક હુમલો થયો છે. 'MV AGN Ragnar' નામના આ જહાજ પર 4 ભારતીય નાગરિકો સવાર હતા. કીવ સ્થિત ભારતીય દૂતાવાસના જણાવ્યા મુજબ, 2 ભારતીયો સુરક્ષિત છે, જ્યારે ગુમ થયેલા અન્ય 2 નાવિકોની શોધખોળ માટે રેસ્ક્યૂ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે. અઠવાડિયાની અંદર ભારતીય નાવિકો સાથે જોડાયેલી આ બીજી મોટી ઘટના છે.
એક અઠવાડિયામાં જહાજ પર બીજો હુમલો
યુક્રેનનું સૌથી મોટું ઓડેસા બંદરગાહ સતત મિલાઇલ અને ડ્રોન હુમલાનો ભોગ બની રહ્યું છે. થોડા દિવસો પહેલા જ અહીંથી રવાના થયેલા 'MV Golden Leo' જહાજ પર હુમલો થયો હતો. 17 ક્રૂ મેમ્બર્સમાંથી 5 ભારતીયો હતા, જેમાં 4 ભારતીય નાવિકોના મોત થયા હતા અને 1 ગંભીર રીતે ઘાયલ થયો હતો.
ભારત સરકારે વિદેશ મંત્રાલય મારફતે વ્યક્ત કર્યો રોષ
સતત વધી રહેલા હુમલાઓ સામે ભારત સરકારે કડક વલણ અપનાવ્યું છે. વિદેશ મંત્રાલયે કહ્યું કે, 'નિર્દોષ નાગરિક નાવિકોનો જીવ જોખમમાં મૂકવો અને આંતરરાષ્ટ્રીય દરિયાઈ વેપારને અસર પહોંચાડવી સંપૂર્ણપણે અસ્વીકાર્ય છે.' ભારતે તમામ પક્ષોને દરિયાઈ માર્ગોની સુરક્ષા સુનિશ્ચિત કરવા અપીલ કરી છે.
ભારતીય નાવિકો માટે નવી સિક્યુરિટી એડવાઇઝરી
કાળા સાગરમાં વધતા જોખમને ધ્યાનમાં રાખીને ભારત સરકારે નવી એડવાઇઝરી પણ જાહેર કરી છે. વિદેશ મંત્રાલયે સ્પષ્ટ સૂચના આપી છે કે, 'આ વિસ્તારમાં વેપારી જહાજો પર મિસાઈલ અને ડ્રોન હુમલાનું મોટું જોખમ છે. તેથી અહીં નોકરી કરવા માંગતા ભારતીયોએ કોઈપણ નિર્ણય લેતા પહેલા સુરક્ષા સ્થિતિની પૂરી તપાસ કરી લેવી.'
એપ્રિલથી અત્યાર સુધીમાં 5 ભારતીયોએ જીવ ગુમાવ્યા
સરકારે નાવિકો અને શિપિંગ કંપનીઓને જહાજનો રૂટ, વીમો અને ઈમરજન્સી સુવિધાઓ તપાસ્યા પછી જ નોકરી સ્વીકારવા જણાવ્યું છે. એપ્રિલ 2026 થી અત્યાર સુધીમાં આ વિસ્તારમાં 5 ભારતીય નાવિકોએ જીવ ગુમાવ્યા છે. દૂતાવાસે આશ્વાસન આપ્યું છે કે ગુમ થયેલા નાગરિકોને શોધવા માટે તમામ મદદ પૂરી પાડવામાં આવી રહી છે.









