અમેરિકાના સૌથી મોટા દુશ્મન બનશે ભારતના મહેમાન, BRICS સમિટમાં ભાગ લેશે
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Iran President Masoud Pezeshkian India Visit : ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશ્કિયાન આવતા મહિને ભારત પ્રવાસે આવી રહ્યા છે. તેઓ નવી દિલ્હીમાં 12-13 સપ્ટેમ્બરના રોજ યોજાનારી BRICS શિખર પરિષદમાં ભાગ લેશે. ઈરાને શુક્રવારે તેમની આ મુલાકાતની સત્તાવાર પુષ્ટિ કરી છે. આ વર્ષે BRICS પરિષદનું અધ્યક્ષપદ ભારત સંભાળી રહ્યું છે અને આ સંમેલન નવી દિલ્હી ખાતે યોજાશે.
પશ્ચિમ એશિયામાં તણાવ વચ્ચે મહત્ત્વપૂર્ણ મુલાકાત
ઈરાની રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશ્કિયાન(Masoud Pezeshkian)નો આ ભારત પ્રવાસ એવા સમયે યોજાઈ રહ્યો છે જ્યારે પશ્ચિમ એશિયામાં તણાવની સ્થિતિ છે. આ મુલાકાત દરમિયાન ભારત અને ઈરાન વચ્ચેના દ્વિપક્ષીય સંબંધો તેમજ પ્રાદેશિક સ્થિતિ અંગે ચર્ચા થવાની શક્યતા છે. ભારત સતત પશ્ચિમ એશિયામાં તણાવ ઓછો કરવા અને તમામ પક્ષો વચ્ચે વાતચીત દ્વારા શાંતિપૂર્ણ ઉકેલ લાવવાની હિમાયત કરતું રહ્યું છે.
BRICS મંચ પર ઈરાનની સક્રિયતા
ઈરાન વર્ષ 2024માં BRICSનું પૂર્ણ સભ્ય બન્યું હતું અને ત્યારથી તે આ સંગઠન દ્વારા આર્થિક તથા રાજકીય સહયોગ વધારવા પર ભાર આપી રહ્યું છે. જૂન મહિનામાં ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાઘચી(Abbas Araghchi) પણ વિદેશ મંત્રીઓની બેઠક માટે ભારત આવ્યા હતા. તે સમયે તેમણે જણાવ્યું હતું કે 'ભારત પશ્ચિમ એશિયામાં તણાવ ઘટાડવામાં મોટી ભૂમિકા ભજવી શકે છે' અને 'ઈરાન ભારતની કોઈપણ રચનાત્મક ભૂમિકાનું સ્વાગત કરશે'.
દ્વિપક્ષીય મંત્રણા અને ચાબહાર બંદરનું મહત્ત્વ
ઑક્ટોબર 2024માં રશિયાના કઝાન ખાતે આયોજિત BRICS સંમેલન દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી(PM Modi) સાથે ઈરાની રાષ્ટ્રપતિની મુલાકાત થઈ હતી. તે બેઠકમાં બંને દેશો વચ્ચેના સંબંધો અને પ્રાદેશિક મુદ્દાઓ પર વાતચીત થઈ હતી, જેમાં ભારતીય વડાપ્રધાને ચાબહાર બંદર તથા પરસ્પર આર્થિક સહયોગના મહત્ત્વ પર વિશેષ ભાર મૂક્યો હતો.
પ્રાદેશિક શાંતિ અને કૂટનીતિક સંપર્ક
છેલ્લા કેટલાક મહિનાઓમાં ભારત અને ઈરાન વચ્ચે કૂટનીતિક સ્તરે વાતચીત વધી છે. જુલાઈ મહિનામાં બંને દેશોના ટોચના નેતાઓ વચ્ચે ફોન પર વાતચીત થઈ હતી, જેમાં પશ્ચિમ એશિયાની સ્થિતિ અને ક્ષેત્રીય શાંતિ અંગે ચર્ચા થઈ હતી. આ વાતચીતમાં કૂટનીતિ દ્વારા વિવાદોના ઉકેલ તથા હોર્મુઝ સ્ટ્રેટમાં વેપાર અને મુક્ત અવરજવર જાળવી રાખવાની જરૂરિયાત પર ભાર મૂકવામાં આવ્યો હતો.









