World

હોર્મુઝમાં 24 કલાકમાં 3 ઓઈલ ટેન્કર પર મોટો હુમલો, કતર ભડક્યું, વિવાદમાં ટ્રમ્પની એન્ટ્રી

By GS Team
7 Jul 20262 mins read
TukuTouch Logo
હોર્મુઝ જળમાર્ગમાં છેલ્લા 24 કલાકમાં 3 ઓઈલ ટેન્કર પર હુમલા થયા છે, જે વૈશ્વિક સુરક્ષા માટે ચિંતાનો વિષય બન્યા છે. કતરે ઈરાન પર તેના LNG જહાજ 'અલ રેકય્યાત' પર ડ્રોન હુમલો કરવાનો ગંભીર આરોપ લગાવ્યો છે. અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પણ આ હુમલાની પુષ્ટિ કરી છે. આ હુમલાઓથી જહાજોના માળખાને નુકસાન થયું છે. કતરે આ હુમલાઓને આંતરરાષ્ટ્રીય કાયદાનું ઉલ્લંઘન ગણાવ્યું છે.

Summarized by AI; it may make mistakes. Check important info

હોર્મુઝમાં 24 કલાકમાં 3 ઓઈલ ટેન્કર પર મોટો હુમલો, કતર ભડક્યું, વિવાદમાં ટ્રમ્પની એન્ટ્રી

Hormuz Strait Tanker Attack : દુનિયાના સૌથી વ્યસ્ત દરિયાઈ માર્ગોમાંથી એક એવા હોર્મુઝ જળમાર્ગની સુરક્ષાને લઈને નવી ચિંતા ઊભી થઈ છે. અહીં છેલ્લા 24 કલાકની અંદર ત્રીજા વ્યાપારી ઓઈલ ટેન્કર પર હુમલો થયો છે. આ હુમલા એવા સમયે થયા છે જ્યારે એક કરાર છતાં અમેરિકા અને ઈરાન વચ્ચેનો તણાવ પૂરો થયો નથી.

ડોનાલ્ડ ટ્રમ્પનો મોટો દાવો
આ તણાવ વચ્ચે અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પણ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રુથ સોશિયલ પર એક પોસ્ટ કરીને આ ઘટનાની પુષ્ટિ કરી છે. ટ્રમ્પે બ્રેકિંગ ન્યૂઝ તરીકે લખ્યું કે, 'અમેરિકી અધિકારીઓનું કહેવું છે કે ઈરાને હમણાં જ હોર્મુઝ જળમાર્ગમાં બે વ્યાપારી જહાજો પર હુમલો કર્યો છે.' આ પોસ્ટ બાદ વૈશ્વિક સ્તરે સનસનાટી મચી ગઈ છે.

અજ્ઞાત હુમલાથી જહાજના માળખાને નુકસાન
બ્રિટનની નૌસેના એજન્સી ‘યુકે મેરિટાઇમ ટ્રેડ ઓપરેશન્સ’ (UKMTO) એ જણાવ્યું કે, તાજેતરની ઘટનામાં એક વ્યાપારી ટેન્કર પર અજ્ઞાત વસ્તુથી હુમલો કરવામાં આવ્યો છે. આ એટેકના કારણે જહાજના માળખાને નુકસાન પહોંચ્યું હોવાની આશંકા છે. જોકે, આ ઘટનામાં કોઈના ઘાયલ થવાના કે તેલ લીક થવાના તાત્કાલિક કોઈ સમાચાર નથી. આ પહેલા મંગળવારે પણ બે અલગ-અલગ હુમલા થયા હતા, જેમાં કતરના એક જહાજ અને સઉદી અરબના ધ્વજવાળા ઓઈલ ટેન્કરને નિશાન બનાવાયા હતા.

કતરે ઈરાન પર લગાવ્યો ગંભીર આરોપ
આ ઘટનાના થોડા કલાકો પહેલા જ કતરે ઈરાન પર તેના LNG (ગેસ) જહાજ 'અલ રેકય્યાત' પર હુમલો કરવાનો આરોપ લગાવ્યો હતો. રોયટર્સના અહેવાલ મુજબ, હોર્મુઝમાંથી પસાર થઈ રહેલા આ જહાજ પર ડ્રોન હુમલો થયો હતો, જેના કારણે તેના એન્જિન રૂમમાં આગ લાગી ગઈ હતી. જહાજમાં લિક્વિફાઇડ નેચરલ ગેસ હોવાને કારણે મોટા બ્લાસ્ટનું ગંભીર જોખમ ઊભું થયું હતું, પરંતુ સદનસીબે ક્રૂ મેમ્બર્સને સુરક્ષિત બહાર કાઢી લેવાયા હતા.

‘મે-ડે, મે-ડે, બચાવો…’
જહાજ પરથી મળેલા રેડિયો संदेशમાં જહાજના કેપ્ટને તાત્કાલિક મદદ માંગતા કહ્યું હતું કે, 'મે-ડે, મે-ડે, મે-ડે. આ એલએનજી જહાજ અલ રેકય્યાત છે. અમારા જહાજની ડાબી બાજુએ એન્જિન રૂમની ઉપર ડ્રોન હુમલો થયો છે. એન્જિન રૂમમાં આગ લાગી છે અને ધુમાડો ભરાઈ ગયો છે. હાલ નુકસાનનો પૂરો અંદાજ મેળવવો શક્ય નથી.'

વૈશ્વિક વેપાર પર સીધો હુમલો
આ ઘટના બાદ કતર ભારે ભડક્યું છે અને ઈરાનની આકરી નિંદા કરી છે. કતરના વિદેશ મંત્રાલયના પ્રવક્તા માજિદ અલ અંસારીએ જણાવ્યું હતું કે, 'આ આંતરરાષ્ટ્રીય દરિયાઈ પરિવહન અને વૈશ્વિક ઉર્જા સપ્લાયની સુરક્ષા પર અસ્વીકાર્ય હુમલો છે અને આંતરરાષ્ટ્રીય કાયદાનું સ્પષ્ટ ઉલ્લંઘન છે.' કતરે ઈરાન પાસે આવી તમામ પ્રવૃત્તિઓ તાત્કાલિક બંધ કરવાની માંગ કરી છે અને આ હુમલાના તમામ પરિણામો માટે ઈરાનને સંપૂર્ણ કાનૂની રીતે જવાબદાર ઠેરવ્યું છે.