Get The App

અમેરિકાને ઇરાન સામે યુદ્ધ ભારે પડયું પેટ્રોલ, ડીઝલ, ગેસના ભાવ આસમાને

Updated: Apr 6th, 2026

GS TEAM

Google News
Google News
અમેરિકાને ઇરાન સામે યુદ્ધ ભારે પડયું પેટ્રોલ, ડીઝલ, ગેસના ભાવ આસમાને 1 - image

- અમેરિકામાં ટેરિફને કારણે વધેલી મોંઘવારીને હવે યુદ્ધનું ગ્રહણ

- ડીઝલનો ભાવ પ્રતિ ગેલન ૩.૬૪ ડોલર હતો જે હવે વધીને ૫.૫૩ ડોલર થઇ ગયો છે

- અમેરિકામાં પેટ્રોલનો ભાવ પ્રતિ ગેલન ૪.૦૯ ડોલરે પહોંચ્યો

- ઇ-કોમર્સ કંપનીઓ, પોસ્ટલ સર્વિસે ઇંધણ ચાર્જ નાખ્યા પેટ્રોલના ભાવ વર્ષ ૨૦૨૨ પછી સર્વોચ્ચ સપાટીએ

વોશિંગ્ટન: ઇરાન સામેનું યુદ્ધ અમેરિકાને ભારે પડી રહ્યું છે, આ યુદ્ધને કારણે આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની ભારે ફજેતી થઇ રહી છે જ્યારે બીજી તરફ અમેરિકામાં નાગરિકો પર પણ તેની ગંભીર અસર થઇ રહી છે. ઇરાન સામેના યુદ્ધને કારણે અમેરિકા મોંઘવારીમાં ધકેલાઇ રહ્યું છે. અમેરિકામાં હાલ પેટ્રોલ, ડીઝલ, ગેસ, ટ્રાન્સપોર્ટ બધુ જ મોંઘુ થઇ ગયું છે.      

ભારત સહિતના દેશો પર ટેરિફ નાખીને પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે પહેલા જ અમેરિકામાં મોંઘવારી વધારી દીધી હતી, હવે ઇરાન સામેના યુદ્ધની અસર પણ સીધી અમેરિકાના નાગરિકોના બજેટ પર પડવા લાગી છે. સ્થિતિ એટલી ખરાબ છે કે હવે ઇ-કોમર્સ કંપનીઓ વસ્તુઓ કે પાર્સલ પહોંચાડવાના ચાર્જમાં ફ્યૂઅલ ચાર્જ પણ વસુલવા લાગી છે. આ સાથે જ પેટ્રોલ, ડીઝલ, ગેસ, ટ્રાન્સપોર્ટ બધુ જ મોંઘુ થઇ ગયું છે. એક વર્ષ પહેલા ડીઝલનો ભાવ પ્રતિ ગેલન ૩.૬૪ ડોલર હતો જે હવે વધીને ૫.૫૩ ડોલર થઇ ગયો છે. 

અમેરિકન ઓટોમોબાઇલ એસોસિએશન એએએ દ્વારા જાહેર કરાયેલા આંકડા મુજબ અમેરિકામાં પેટ્રોલનો ભાવ પ્રતિ ગેલન ૪.૦૯ ડોલરે પહોંચી ગયો છે, ઇરાન સાથે યુદ્ધ બાદ આ ભાવમાં એક ડોલરનો વધારો થયો છે. જ્યારે વર્ષ ૨૦૨૨ બાદ અમેરિકામાં હાલ સૌથી મોંઘુ પેટ્રોલ મળી રહ્યું છે. અમેઝોને પણ કહ્યું હતું કે ૧૭ એપ્રીલથી કંપની થર્ડ પાર્ટી સેલર પર ફ્યૂઅલ સરચાર્જ નાખવાનું વિચારી રહી છે જે ૩.૫ ટકા રાખવામાં આવશે. એટલુ જ નહીં અમેરિકાની પોસ્ટલ સર્વિસે પણ જાહેરાત કરી છે કે તે હવેથી પેકેજ અને એક્સપ્રેસ મેઇલ ડિલિવરિઝ પર હાલ પુરતા ૮ ટકા ફ્યુઅલ ચાર્જ વસુલવા જઇ રહી છે. ફેડરલ રિઝર્વ બેન્ક ઓફ શિકાગોના પ્રમુખ ઓસ્ટન ગૂલ્સબીએ કહ્યું હતું કે જો આ રીતે જ ટ્રાન્સપોર્ટ ખર્ચ વધતો ગયો તો તેની સીધી અસર અન્ય વસ્તુઓના ભાવ પર પડશે.  

- અમેરિકામાં ડીઝલમાં ભાવ વધારાથી કૃષિ, ટ્રાન્સપોર્ટને ફટકો

વોશિંગ્ટન: અમેરિકામાં મુખ્યત્વે ડીઝલનો ઉપયોગ ખેતી, કન્સ્ટ્રક્શન, ટ્રાન્સપોર્ટ ઉપરાંત ઉદ્યોગોમાં પણ મોટા પ્રમાણમાં કરવામાં આવી રહ્યો છે. ડીઝલનો ભાવ વધવાની સાથે જ તેની સીધી અસર ટ્રાન્સપોર્ટ પર, ઉદ્યોગો પર તેમજ કૃષિ પર થશે. જેને પગલે જીવન જરૂરિયાતની વસ્તુઓ પણ મોંઘી થવા લાગે છે. જો અમેરિકાના પ્રમુખ ટ્રમ્પે પોતાની જીદમાં ઇરાન સામે આ યુદ્ધ લાંબુ ચલાવ્યું તો અમેરિકાના નાગરિકોની પરિસ્થિતિ વધુ કફોડી થઇ શકે છે. ઇરાન અને અમેરિકા-ઇઝરાયેલના આ યુદ્ધને પગલે ઇરાને હોર્મુઝની ખાડીને બંધ કરી દીધી છે. જેને કારણે વૈશ્વિક અર્થવ્યવસ્થા જ જાણે ડામાડોળ થઇ ગઇ છે.