World

ખાર્ગ ટાપુ કબ્જે કરી ઇરાનને મરણતોલ ફટકો મારવાનો અમેરિકાનો વ્યૂહ

By GS Team
21 Jul 20264 mins read
TukuTouch Logo
અમેરિકાએ મધ્યપૂર્વમાં 50થી વધુ ફાઇટર જેટ મોકલતા ઇરાન પર મોટાપાયે એરસ્ટ્રાઇકની સંભાવના છે. ખાર્ગ ટાપુ કબ્જે કરી ઇરાનની 90% નિકાસ પર અંકુશ મેળવવાની અમેરિકાની યોજના છે. ઇરાને ચેતવણી આપી છે કે જો અમેરિકા તેની ધરતી પર પગ મૂકશે તો કોઈ જીવતું પાછું નહીં ફરે. જોર્ડનમાં ઇરાનના હુમલામાં વધુ એક અમેરિકન સૈનિક માર્યો ગયો છે, જેથી કુલ મૃત્યુઆંક 17 થયો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ખાર્ગ ટાપુ કબ્જે કરી ઇરાનને મરણતોલ ફટકો મારવાનો અમેરિકાનો વ્યૂહ

ઇરાનની 90 ટકા નિકાસ ખાર્ગ ટાપુ પરથી થાય છે
અમેરિકાએ બીજા 50થી વધુ ફાઇટર જેટ મધ્યપૂર્વમાં મોકલ્યા ઇરાન સામે મોટાપાયા પર એરસ્ટ્રાઇક કરાય તેવી સંભાવના

તહેરાન : અમેરિકાએ હોર્મુઝ પર અંકુશ મેળવવાની સાથે-સાથે ઇરાનની આવકના સૌથી મહત્ત્વના સ્ત્રોત સમામ ખાર્ગ ટાપુને કબ્જે કરવાનો વ્યૂહ પણ ઘડી કાઢયો હોવાનું મનાય છે. અમેરિકા ઇરાનમાં ન ઘૂસે પરંતુ ત્રણ ટાપુ કબ્જે કરે તો હોર્મુઝ પર અંકુશ મેળવી લે અને ખાર્ગ ટાપુ કબ્જે કરે તો ઇરાનની બધી જ ક્રૂડ નિકાસ અને નિકાસમાંથી થતી આવક પર અમેરિકાનો અંકુશ આવી શકે છે.
અમેરિકાને જો તેના આ બંને વ્યૂહમાં સફળતા મળે તો ઇરાનને કાયમ માટેને મરણતોલ માર પડી શકે છે. ખાર્ગ ટાપુ પરથી ઇરાનની ૯૦ ટકા નિકાસ થાય છે. તેથી જ અમેરિકાના આ વ્યૂહથી સજાગ થઈ ગયેલા ઇરાને અમેરિકાને ચેતવણી આપી છે કે જો ઇરાનની ધરતી પર પગ પણ મૂક્યો છે તો એકપણ અમેરિકન જીવતો પાછો નહી જાય. ઇરાને જણાવ્યું છે કે અમે અમેરિકા ભૂમિ આક્રમણ કરે તેની રાહ જોઈને બેઠેલા છીએ. અમે તેને આવકારવા તૈયાર છીએ.
ખાર્ગ ટાપુ ઇરાનના બુશહર પ્રાંતથી ૫૫ કિ.મી. દૂર આવેલો છે. તે ઇરાનના એનર્જી સેક્ટરનો ગઢ મનાય છે. અમેરિકા ખાર્ગ ટાપુ પર અત્યાર સુધી ત્રણેક હુમલા કરી ચૂક્યુ છે. તેમા ખાર્ગ ટાપુ પરની ઓઇલ ફેસિલિટી સિવાયના બધા જ સ્થળોએ એરસ્ટ્રાઇક કરવામાં આવી ચૂકી છે. ટ્રમ્પ જણાવી ચૂક્યા છે કે ઇરાન પર જમીન આક્રમણનો નિર્ણય યોગ્ય સમયે લેવાશે. તેમણે સૂચન કર્યુ છે કે ફક્ત અમેરિકા નહીં સંયુક્ત દળો કદાચ અમેરિકાની સીધી સંડોવણી વગર ઇરાનના વ્યૂહાત્મક સ્થળો પર અંકુશ મેળવી લે.
ટ્રમ્પે જણાવ્યું હતું કે અમે પહેલા ઇરાન પર ભીષણ હુમલા કરીને તેને બરોબરનું ખોખરું કરીશું. ઇરાન પર છેક અંદર સુધી જઈને પ્રહાર કરીશું. તેને અત્યંત નબળું બનાવી દઇશું. તેના પછી અમે તેના મહત્ત્વના અને વ્યૂહાત્મક ટાપુઓ કબ્જે કરીશું. ઇરાનના લશ્કરે પણ જણાવ્યું છે કે તે અમેરિકાના લશ્કરને આવકારવા તૈયાર છે. અમે દાયકાઓથી ઇરાન પર અમેરિકાના ભૂમિ આક્રમણની તૈયારી કરી છે.
અમેકિતાએ આ આક્રમણની તૈયારી કરતાં હોય તેમ બીજા પ૦થી વધુ ફાઇટર જેટ મિડલ ઇસ્ટમાં મોકલ્યા છે. અમેરિકાની આ તૈયારી બતાવે છે કે આ યુદ્ધ હવે લાંબા ચાલશેઅને અમેરિકા હવે વધુ ભીષણ હુમલા કરશે. તે ઇરાનની મિસાઇલ અને ડ્રોન ક્ષમતા નબળી પાડવા માટે મોટાપાયા પર હવાઈ આક્રમણ કરી શકે છે. અમેરિકાએ જણાવ્યું હતું કે જર્મનીથી એફ-૧૬ અને બ્રિટનથી એફ-૩૫ મધ્યપૂર્વમાં મોકલવામાં આવી રહ્યા છે. આ સિવાય એરિયલ રિફ્યુલિંગ વિમાન પણ મોકલ્યા છે. અમેરિકાના આક્રમક વલણના લીધે ઇરાને હોર્મુઝમાં તેની વ્યૂહરચના બદલવી પડી શકે છે.
ઇરાને પણ ખાર્ગ ટાપુ પરનો તેનો ઘેરો વધુ મજબૂત બનાવ્યો છે. તેમા વધારાની લશ્કરી કુમકો ગોઠવી છે. એર ડિફેન્સ વધુ મજબૂત બનાવ્યું છે. તેમા ખભા પરથી મૂકીને છોડી શકાય તેવા સરફેસ ટુ એર મિસાઇલ્સ પણ છે. ઇન્ટેલિજન્સ રિપોર્ટનું કહેવું છે કે તેહરાન એન્ટિ પર્સોનલ અને એન્ટી આર્મર માઇન્સ ગોઠવી શકે છે. નિષ્ણાતોનું કહેવું છે કે કોઈપણ ભૂમિ આક્રમણ અત્યંત જોખમી છે. નિવૃત્ત એડમિરલ અને નાટોના ભૂતપૂર્વ સુપ્રીમ એલાઇડ કમાન્ડર જેમ્સ સ્ટાવ્રિડિસે જણાવ્યું હતું કે ઇરાનીયનો હોંશિયાર અને ક્રૂર છે. તેઓ અમેરિકન લશ્કરને મહત્તમ જાનહાનિ થાય તેવી દરેક ચાલ રમશે. તેઓ અમ્ફિબિયસ શિપ પર ડ્રોન અને બેલિસ્ટિક મિસાઇલો વડે હુમલા કરી શકે છે. અખાતના દેશોએ પણ અમેરિકાને ખાડી યુદ્ધ ન લંબાય તે માટે વિનંતી કરી છે.
આ સિવાય જોર્ડનમાં ગઇકાલે ઇરાને કરેલા હુમલામાં વધુ એક અમેરિકન સૈનિક માર્યો ગયા હોવાની વાતને અમેરિકાએ સમર્થન આપ્યું છે. ગઇકાલે ઇરાનના હુમલામાં જોર્ડનમાં બે અમેરિકન સૈનિકો માર્યા ગયાનું અમેરિકાએ સ્વીકાર્યુ હતુ. આમ ઇરાન સામેના યુદ્ધમાં અમેરિકાના સૈનિકોની જાનહાનિનો આંકડો ૧૭ પર પહોંચી ગયો છે. બંને પક્ષ વચ્ચે ગયા મહિને થયેલી વચગાળાની ડીલ ખતમ થઈ ચૂકી છે. એક રીતે સંપૂર્ણ યુદ્ધ ચાલુ થઈ ગયું છે. અમેરિકા-ઇરાન વચ્ચેના યુદ્ધથી ખાડી દેશોમાં હડકંપ મચી ગયો છે. ઇરાને કુવૈતના ડિસેલિનેશન પ્લાન્ટ પર હુમલો કર્યો છે. આમ હવે આ યુદ્ધ વોટર વોરમાં પરિણમવા લાગ્યું છે. ઇરાને જણાવ્યું હતું કે અમેરિકાએ તેના નિર્માણાધીન પરમાણુ મથક પર હુમલો કર્યો છે. અમેરિકાએ તેના પરિણામ ભોગવવા પડશે તેવી ચેતવણી ઇરાને આપી છે.
અમેરિકાના સેન્ટ્રલ કમાન્ડે જણાવ્યું હતું કે તેણે જોર્ડનમાં ઇરાનના હુમલાના જવાબમાં તેના દરિયાકિનારાના લશ્કરી થાણા, એર ડિફેન્સ યુનિટસ, નૌકાદળના એકમો, મિસાઇલ અને ડ્રોન યુનિટ્સને નિશાન બનાવ્યા.

હમાસનો નવો વડો ખલીલ અલ હય્યા
ગાઝા : આતંકવાદી સંગઠન હમાસને નવો વડો મળી ગયો છે. હમાસે જાહેરાત કરી છે કે ખલીલ અલ હય્યા અમારો નવો પ્રમુખ છે. અલ હય્યા પહેલા ગાઝામાં હમાસના પોલિટિકલ બ્યૂરોનો પ્રમુખ હતો. હમાસની આંતરિક ચૂંટણીમાં અલ હય્યાને નવો પ્રમુખ બનાવાયો છે. ખલીલ અલ હય્યા ગાઝામાં યુદ્ધ ખતમ કરવા માટેના સઘર્ષ વિરામ અને બંધકોને છોડવાની થયેલી વાતચીત દરમિયાન આતંકી સંગઠનનો મુખ્ય વાટાઘાટકાર હતો. આ યુદ્ધ સાત ઓક્ટોબર ૨૦૨૩ના હમાસ હુમલામાં કરાયેલા નરસંહાર પછી શરૂ થયુ હતુ. હમાસના નેતા યાહ્યા સિનવાર અને ઇસ્માઇલ હાનિયાને ખતમ કરવામાં આવ્યા પછી બે વર્ષથી સંગઠનની કમાન પાંચ સભ્યોની એક લીડરશિપ કાઉન્સિલના હાથમાં રહી હતી, જેમા અલ હય્યા સામેલ હતો. તેનો જન્મ ગાઝાપટ્ટીમાં થયો હતો અને તેણે મોટાભાગનો સમય ત્યાં જ વીતાવ્યો છે. સાત ઓક્ટોબરના નરસહારના થોડા સમય પહેલા તે ગાઝા છોડી કતર ચાલ્યો ગયો હતો. બસ તે ત્યારથી ત્યાં જ વસે છે. અલ હય્યા કટ્ટરવાદી છે. તે સાત ઓક્ટોબર ૨૦૨૩ના હુમલાને મહાન કાર્ય માને છે. તેનું માનવું છે કે તેનાથી પેલેસ્ટાઇની મુદ્દો ફરીથી આંતરરાષ્ટ્રીય એજન્ડામાં આવ્યો.