ઇરાન નજીક ઊડી રહેલું અમેરિકન લશ્કરી વિમાન અચાનક ગાયબ !

- પ્લેન પર કોઈ હુમલાને સમર્થન મળ્યું નથી
- અમેરિકન લશ્કર માટે પ્લેન ઉડતા ફ્યૂઅલ સ્ટેશન તરીકે કામ કરતું હતુ : માર્ચમાં યુદ્ધમાં એક પ્લેન ફૂંકી મરાયું હતું
નવી દિલ્હી : ઇરાનની પાસે ફારસની ખાડીમાંથી ઉડાન ભરી રહેલુ અમેરિકન લશ્કરી વિમાન ગાયબ થઈ ગયું છે. આ વિમાન અમેરિકન એરફોર્સનું બોઇંગ કેસી-૧૩૫ સ્ટેરૈટોંકર છે. તેણે સંકટ માટેનો સંદેશો ૭,૭૦૦ પણ જારી કર્યો હતો, જે ઉડાન દરમિયાન ઇમરજન્સીનો સંકેત હોય છે. આ વિમાન અમેરિકન લશ્કર માટે એક ઉડતા ઇંધણ સ્ટેશન તરીકે કામ કરતું હતું.
ઉડાન ટ્રેકિંગ ડેટા પરથી ખબર પડે છે કે વિમાન ઉતર્યુ તેના થોડા સમય પહેલા તે હવામાં ચક્કર મારતું રહ્યું હતું. આ કટોકટીના કારણની ખબર પડી નથી. આ ઘટનાને કોઈ હુમલાની કાર્યવાહી સાથે જોડવાને લઈને પણ પુષ્ટિ થઈ નથી. ઇરાન તરફથી અમેરિકન લશ્કરી વિમાન ગુમ થવા અંગે તેની સંડોવણીને લઈને કોઈ નિવેદન સામે આવ્યું નથી. અમેરિકન લશ્કરે પણ વિમાનની સ્થિતિને લઈને કોઈ નિવેદન જારી કર્યુ નથી.
ઉલ્લેખનીય છે કે આ પહેલા માર્ચમાં પશ્ચિમી ઇરાકમાં ઇરાનના હુમલામાં અમેરિકન લશ્કરે એક કેસી-૧૩૫ પ્લેન ગુમાવ્યું હતુ. ઇરાન સમર્થિત સશસ્ત્ર જથોના સંગઠન ઇસ્લામિક રેઝિસ્ટન્સે ઇરાકમાં આ હુમલાની જવાબદારી લીધી હતી. આ જૂથે જણાવ્યું હતું કે પોતાના દેશના સાર્વભૌમત્વ અને હવાી ક્ષેત્રની રક્ષા કરવા આ વિમાન તોડી પાડયું છે.કેસી-૧૩૫ એક લશ્કરી વિમાન છે. તે સ્વેપ્ટ પાંખની નીચે લાગેલા ચાર ટર્બોફેન એન્જિનો વડે સંચાલિત થાય છે. તેનો મુખ્ય ઉપયોગ ઉડતા ઇંધણ સ્ટેશન તરીકેનો છે. ઇંધણ ભરવાની પ્રણાલિના ઉપર એક કાર્ગો ડેક હોય છે. તેમા પ્રવાસીઓ અને ઉપકરણો બંને લઈ જઈ શકાય છે. તે અમેરિકન નૌકાદળ, મરીન કોર્પ્સ અને સહયોગી દેશોને મદદ કરે છે. તબીબી અભિયાનોમાં તેનો ઉપયોગ કરી શકાય છે. તેનો એર એમ્બ્યુલન્સ તરીકે ઉપયોગ કરી શકાય છે. આ પ્લેન કુલ ૩૭,૦૦૦ કિલોગ્રામથી પણ વધુ વજન લઈ જઈ શકે છે.









