World

અમેરિકાની કોર્ટનો ટ્રમ્પને છુટ્ટો દોર! અંતિમ ચુકાદા સુધી ટૅરિફ વસૂલતા રહેવાની મંજૂરી આપી

By GS Team
12 Jun 20263 mins read
TukuTouch Logo
અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને ટ્રેડ વોર મોરચે એક મોટી કાનૂની સફળતા મળી છે. અમેરિકાની એક ફેડરલ અપીલ કોર્ટે ટ્રમ્પ વહીવટીતંત્રને વિશ્વભરમાંથી આવતી ચીજવસ્તુઓ પર 10% ગ્લોબલ ટેરિફ વસૂલતા રહેવાની મંજૂરી આપી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

અમેરિકાની કોર્ટનો ટ્રમ્પને છુટ્ટો દોર! અંતિમ ચુકાદા સુધી ટૅરિફ વસૂલતા રહેવાની મંજૂરી આપી

Trade War: અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને ટ્રેડ વોર મોરચે એક મોટી કાનૂની સફળતા મળી છે. અમેરિકાની એક ફેડરલ અપીલ કોર્ટે ટ્રમ્પ વહીવટીતંત્રને વિશ્વભરમાંથી આવતી ચીજવસ્તુઓ પર 10% ગ્લોબલ ટૅરિફ વસૂલતા રહેવાની મંજૂરી આપી છે. અદાલતે સ્પષ્ટ કર્યું છે કે, 'જ્યાં સુધી આ મામલે કોઈ અંતિમ ચુકાદો ન આવી જાય ત્યાં સુધી સરકાર આ ટેક્સ વસૂલ કરી શકે છે.' કોર્ટના આ નિર્ણયને પગલે ભારત સહિત વિશ્વભરના બજારોમાં હલચલ તેજ થઈ ગઈ છે, કારણ કે તેની સીધી અસર આંતરરાષ્ટ્રીય વ્યાપાર પર પડવાની છે.

અંતિમ ચુકાદા સુધી ટૅરિફ વસૂલતા રહેવાની મંજૂરી  આપી

વાસ્તવમાં આ સમગ્ર વિવાદ ગત મહિને ત્યારે શરૂ થયો હતો જ્યારે ન્યૂયોર્કની ઇન્ટરનેશનલ ટ્રેડ કોર્ટે ટ્રમ્પના આ 10% ટૅરિફને 'ગેરકાનૂની' ગણાવ્યો હતો. અદાલતનું કહેવું હતું કે, ટ્રમ્પે ટૅરિફ લાદવામાં સંસદ(કોંગ્રેસ)ના અધિકારોનું ઉલ્લંઘન કર્યું છે.

પરંતુ હવે વોશિંગ્ટનની 'કોર્ટ ઑફ અપીલ્સ ફોર ધ ફેડરલ સર્કિટ'એ તેના પર સ્ટે લગાવી દીધો છે. અદાલતે કહ્યું કે, 'પ્રાથમિક દૃષ્ટિએ પ્રમુખ ટ્રમ્પ વહીવટીતંત્રનો પક્ષ મજબૂત લાગી રહ્યો છે, તેથી આ મામલાની સંપૂર્ણ સુનાવણી અને અંતિમ ચુકાદો ન આવે ત્યાં સુધી ટૅરિફની વસૂલાત ચાલુ રહેશે.'

ફેબ્રુઆરીમાં લગાવ્યો હતો 10%વાળો ટૅરિફ

ડોનાલ્ડ ટ્રમ્પે આ 10%નો વૈશ્વિક ટૅરિફ આ જ વર્ષે ફેબ્રુઆરીમાં ટ્રેડ ઍક્ટ 1974ની કલમ 122 હેઠળ લગાવ્યો હતો. આ નિર્ણય ત્યારે આવ્યો હતો જ્યારે અમેરિકાની સુપ્રીમ કોર્ટે ટ્રમ્પના જૂના અને વધુ પડતા ભારે ટૅરિફ પ્લાનને ફગાવી દીધો હતો.

કલમ 122 હેઠળ અમેરિકન પ્રમુખને આ અધિકાર મળે છે કે તેઓ દેશની આંતરરાષ્ટ્રીય ચૂકવણીની કટોકટી (પેમેન્ટ ક્રાઇસિસ) અથવા વધી રહેલી વ્યાપારી ખાધને સરભર કરવા માટે 150 દિવસ માટે 15% સુધીનો ટેક્સ લાદી શકે છે. ટ્રમ્પનો આ વર્તમાન 10% ટેક્સ 24 જુલાઈ સુધી લાગુ રહેશે, અને તેને આગળ વધારવા માટે સંસદ(કોંગ્રેસ)ની મંજૂરી મેળવવી જરૂરી રહેશે.

ભારત પર તેની કેટલી અસર?

અમેરિકાની અદાલતના આ ચુકાદાની ભારત પર મિશ્ર, પરંતુ ગંભીર અસર જોવા મળી શકે છે. અમેરિકા એ ભારતનું સૌથી મોટું વ્યાપારિક ભાગીદાર છે, આવી સ્થિતિમાં ભારતથી અમેરિકા મોકલવામાં આવતી ચીજવસ્તુઓ પર જ્યારે 10%નો વધારાનો ટેક્સ લાગશે, ત્યારે તે ત્યાં મોંઘી થઈ જશે.

આ નિર્ણયના કારણે સૌથી વધુ નુકસાન ભારતના કાપડ ઉદ્યોગ (ટેક્સટાઈલ્સ), જેમ્સ ઍન્ડ જ્વેલરી અને એન્જિનિયરિંગ સામાન બનાવતા સેક્ટર્સને થઈ શકે છે, કારણ કે અમેરિકન બજારોમાં તેની માગ ઘટવાનું જોખમ ઊભું થશે.

આ પણ વાંચો: ચાંચિયાગીરી કરી રહ્યા છે ટ્રમ્પ...: અમેરિકાના હુમલામાં ભારતીયોના મોત પર ભડક્યું ઈરાન

આ ઉપરાંત, આઇટી (IT) અને ફાર્માસ્યુટિકલ (દવા) કંપનીઓ પર પણ આનું અપ્રત્યક્ષ દબાણ જોવા મળી શકે છે. ભારતીય કંપનીઓએ અમેરિકી બજારમાં ટકી રહેવા માટે પોતાની કિંમતોમાં કાપ મૂકવો પડી શકે છે, જેના કારણે તેમના નફાના માર્જિન (Profit Margin) પર અસર પડશે.

 જોકે, રાહતની વાત એ છે કે આ ટૅરિફ હાલમાં 24 જુલાઈ સુધી જ અમલી છે. પરંતુ જો ટ્રમ્પ વહીવટીતંત્ર આને સંસદમાંથી પસાર કરાવીને આગળ વધારે છે, તો ભારત સરકારે પણ જવાબી કાર્યવાહીના ભાગરૂપે અમેરિકી ચીજવસ્તુઓ પર ઇમ્પોર્ટ ડ્યુટી વધારવી પડી શકે છે, જેના કારણે બંને દેશો વચ્ચે ટ્રેડ વોર વધુ ઘેરો બની શકે છે.