World

અમેરિકા ઈરાન પર ત્રાટક્યું : ચાબહારનો કચ્ચરઘાણ

By GS Team
17 Jul 20264 mins read
TukuTouch Logo
અમેરિકાએ ઈરાનના ઉત્તર-દક્ષિણ શહેરો પર મિસાઈલ અને ડ્રોન હુમલા તેજ કર્યા છે. હોર્મુઝની ખાડી પર કબજાની લડાઈમાં અમેરિકાએ ભારતના ₹400 કરોડના રોકાણવાળા ચાબહાર બંદરનો આઈકોનિક ટાવર તોડી પાડ્યો. આ હુમલામાં 38 લોકોના મોત થયા. ઈરાને જવાબી કાર્યવાહીમાં અમેરિકન બેઝ પર હુમલા કર્યા.

Summarized by AI; it may make mistakes. Check important info

અમેરિકા ઈરાન પર ત્રાટક્યું : ચાબહારનો કચ્ચરઘાણ

દુબઈ/તેહરાન: દુનિયાના સૌથી વ્યસ્ત દરિયાઈ વ્યાપારિક માર્ગોમાંના એક હોર્મુઝની ખાડી પર કબજાની લડાઈમાં ઈરાનને પાઠ ભણાવવા માટે અમેરિકાએ શુક્રવારે હવાઈ હુમલા વધુ તીવ્ર બનાવ્યા હતા અને ઉત્તર તેમજ દક્ષિણ ઈરાનના અનેક શહેરો પર મિસાઈલ અને ડ્રોન એટેક કરતા તેના પુલ, ઈલેક્ટ્રિકલ ઈક્વિપમેન્ટનો નાશ કર્યો હતો. આ સાથે ભારતે જંગી રોકાણ કર્યું છે તેવા ચાબહાર બંદરનો કચ્ચરઘાણ કાઢતા અમેરિકાએ ત્રણ મિસાઈલ હુમલા કરી આઈકોનિક ટાવર તોડી પાડયો હતો. આ હુમલામાં કુલ ૩૮ લોકોનાં મોત નીપજ્યાં હતા. બીજીબાજુ ઈરાને જવાબી હુમલામાં બહરીન, કુવૈત, કતાર, જોર્ડન સહિતના દેશોમાં અમેરિકન બેઝ પર હુમલા કર્યા હતા અને બેલિસ્ટિક મિસાઈલથી અમેરિકન ફાઈટર જેટ્સ તોડી પાડયાનો દાવો કર્યો હતો.

અમેરિકા અને ઈરાન વચ્ચે ગયા મહિને થયેલો વચગાળાનો યુદ્ધવિરામ હવે તૂટી ગયો છે અને બંને પક્ષો હોર્મુઝની ખાડી પર પોતાનો કબજો હોવાનું સાબિત કરવા મથામણ કરી રહ્યા છે ત્યારે અમેરિકાએ ઈરાન પર મિસાઈલ અને ડ્રોન હુમલા વધુ તિવ્ર બનાવી દીધા છે. અમેરિકાએ દક્ષિણ ઇરાનની સાથે હવે ઉત્તર ઈરાનના શહેરો પર પણ હુમલા શરૂ કર્યા છે.
ઈરાનના સ્વાસ્થ્ય મંત્રાલયે શુક્રવારે કહ્યું કે, ક્રિમિનલ અમેરિકાના હુમલામાં કુલ ૩૮થી વધુ લોકો માર્યા ગયા છે અને ૪૦૦થી વધુને ઈજા પહોંચી છે. અમેરિકાએ ચાબહારના શહિદ કાલાંતરિ બંદરમાં મેરીટાઈમ કંટ્રોલ ટાવર તોડી પાડતા ચાબહાર બંદરમાં સિવિલ ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો કચ્ચરઘાણ કાઢી નાંખ્યો હતો. આ હુમલામાં આઠ લોકોનાં મોત થયા હતા અને ૨૦ને ઈજા પહોંચી હતી. જોકે, બંદરના બર્થ, કાર્ગો-હેન્ડલિંગ સાધનો અને ઓપરેશનલ ઈન્ફ્રાસ્ટ્રક્ચરને કોઈ નુકસાન થયું નથી.
ઈરાનના મીડિયા રિપોર્ટ્સ મુજબ અમેરિકાએ શુક્રવારે હોર્મોઝગાનમાં પુલ તોડી પાડતા સાત લોકોનાં મોત નીપજ્યાં હતા જ્યારે હોર્મુઝની ખાડી નજીક બંદર ખમીર પર પણ હુમલો કર્યો હતો. બંદર અબ્બાસમાં હાઈવે અને રેલવે બ્રિજ ઉડાવી દીધા હતા તેમજ બુશેહર, સિસ્તાન અને બલુચિસ્તાન, ખુઝેસ્તાન અને લોરેસ્તા પ્રાંતોમાં પણ હુમલા કર્યા હતા. યુદ્ધ ગૂનાઓ મુદ્દે આંતરરાષ્ટ્રીય કોમ્યુનિટીની ચૂપકિદી વચ્ચે અમેરિકાએ ઈરાનના પુલ અને પાવર પ્લાન્ટ્સ સહિત સિવિલ ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો નાશ કર્યો હતો.
દક્ષિણ ઈરાનમાં તાપમાન ૫૦ ડિગ્રી સે.ના સ્તરે પહોંચી ગયું છે ત્યારે પાવર પ્લાન્ટ્સને નુકસાન થતાં ઊર્જા મંત્રાલયે નાગરિકોને વીજળીનો ઓછો વપરાશ કરવા જણાવ્યું છે. વધુમાં સેટેલાઈટ તસવીરો દર્શાવે છે કે અમેરિકાના હુમલામાં ઈરાનના બુશેહર પરમાણુ પ્લાન્ટને ભારે નુકસાન થયું છે. અમેરિકન જનતાને સંબોધન કરતા ટ્રમ્પે ભારપૂર્વક કહ્યું કે પશ્ચિમ એશિયામાં યુદ્ધ વધુ ભયાનક બન્યું છે. અમે ઈરાનમાં વિજયની નજીક છીએ. તમે ટૂંક સમયમાં જોશો કે યુદ્ધની પીડાના કેટલા સારા પરિણામ મળી રહ્યા છે.
અમેરિકાના વિનાશક હુમલાના જવાબમાં ઈરાને પણ મધ્ય-પૂર્વમાં કતાર, કુવૈત, જોર્ડન સહિતના અમેરિકાના સાથી દેશોમાં અમેરિકાના સૈન્ય બેઝ પર બેલેસ્ટિક મિસાઈલોથી ભારે હુમલા કર્યા હતા. આઈઆરજીસીએ દાવો કર્યો છે કે તેણે જોર્ડનમાં અમેરિકન સૈન્ય બેઝ પર ઊભા રહેલા ફાઈટર જેટ્સનો બેલેસ્ટિક મિસાઈલોથી નાશ કર્યો છે જ્યારે જોર્ડને ઈરાનના ત્રણ મિસાઈલોને તોડી પાડયાનો દાવો કર્યો હતો.
વધુમાં ઈરાને અમેરિકા સાથે મધ્યસ્થીમાં મહત્વની ભૂમિકા ભજવનારા કતાર પર પણ મિસાઈલ હુમલો કર્યો હતો. આઈઆરજીસીએ કુવૈતમાં વીજ અને પાણીના ડીસેલિનેશન પ્લાન્ટને ભારે નુકસાન પહોંચાડયું હતું.

  • ગાઝામાં ઇઝરાયેલના સ્મશાન યાત્રા સહિતના હુમલામાં કુલ ૧૪નાં મોત
    દુબઈ: ગાઝામાં ઈઝરાયેલના સૈન્યે એક સ્મશાન યાત્રા પર હુમલો કરતા ૭ લોકોનાં મોત નીપજ્યાં હતા અને અન્ય ૨૨ને ઈજા પહોંચી હતી. આ ઉપરાંત અન્ય જગ્યાઓએ થયેલા હુમલામાં બીજા ૭ લોકોનાં ભોગ લેવાયો હતો.
    આ ઘટના અંગે ઈઝરાયેલના સૈન્યે કોઈ પ્રતિક્રિયા આપી નથી. ગાઝાની અવડા હોસ્પિટલે જણાવ્યું કે, ઈઝરાયેલના હુમલામાં એક પેલેસ્ટાઈનવાસીનું મોત થયું હતું. તેની અંતિમયાત્રા પર ફરીથી હુમલો કરાયો હતો, જેમાં સાત લોકો માર્યા ગયા હતા.
  • ચાબહાર બંદર વિકસાવવા ભારતે રૂ. 400 કરોડ ખર્ચ્યા
    નવી દિલ્હી: અમેરિકાએ શુક્રવારે ઈરાનના ચાબહાર બંદર પર હુમલા કરીને બંદર નજીકથી પસાર થતા જહાજો પર નજર રાખતા આઈકોનિક મેરિટાઈમ ટાવર તોડી પાડયો છે. આ હુમલાથી આ બંદરના વિકાસ માટે ભારતનું કરોડો રૂપિયાનું રોકાણ જોખમમાં મુકાઈ ગયું છે. ભારતે ચાબહાર બંદરના વિકાસ પાછળ અત્યાર સુધીમાં રૂ. ૪૦૦ કરોડ ખર્ચ્યા છે.
    ચાબહાર તહેરાનનો મુખ્ય સમુદ્રી ગેટવે છે, જે હોર્મુઝની ખાડીમાંથી પસાર નથી થતો. આ બંદર વિકસાવવા માટે ભારતે ઈરાન સાથે રણનીતિક અને વ્યૂહાત્મક કરાર કર્યો હતો. પાકિસ્તાનને બાજુ પર રાખીને અફઘાનિસ્તાન અને મધ્ય એશિયા સુધી પહોંચવા ભારત માટે ચાબહાર બંદરનો વિકાસ ખૂબ જ મહત્વનો છે. ચાબહાર પોર્ટનું ડેવલપમેન્ટ ભારતનો ઈરાન સાથે સૌથી મહત્વપૂર્ણ અને ચર્ચાસ્પદ પ્રોજેક્ટ છે. ચાબહાર પોર્ટના શાહિદ બેહિશ્તી ટર્મિનલના વિકાસ માટે ભારતે ૧૨૦ મિલિયન ડોલર અંદાજે રૂ. ૧,૦૦૦ કરોડનું રોકાણ કરવાની કટિબદ્ધતા વ્યક્ત કરી હતી. ભારત સરકારે પુષ્ટી કરી હતી કે ૨૦૨૫-૨૬ સુધીમાં ચાબહારમાં રૂ. 400 કરોડનું રોકાણ કરાયું હતું.
    ચાબહાર બંદરને અફઘાનિસ્તાનની સરહદ સુધી જોડવા માટે ભારતે ચાબહાર-જાહિદાન રેલવે લાઈન પ્રોજેક્ટમાં પણ સેવાઓ અને નાણાકીય સહાયનું વચન આપ્યું હતું. આ પ્રોજેક્ટ અંદાજે ૧.૬ અબજ ડોલર (અંદાજે રૂ. ૧૩,૦૦૦ કરોડ)નો હોવાનું મનાયું હતું. જોકે, અમેરિકાના પ્રતિબંધોના કારણે ભારતે તાજેતરના સમયમાં ચાબહારમાં રોકાણ અટકાવી દીધું છે. આ પ્રતિબંધોના કારણે ભારતનો ઈરાન સાથેનો દ્વિપક્ષીય વેપાર ઘટીને ૧.૬ અબજ ડોલરથી ૧.૭ અબજ ડોલર (અંદાજે રૂ. ૧૩,૦૦૦થી રૂ. ૧૪,૦૦૦ કરોડ) વચ્ચે સમેટાઈ ગયો છે. ૨૦૧૯-૨૦ પહેલાં બંને દેશો વચ્ચેનો વેપાર ૧૫ અબજ ડોલર (અંદાજે રૂ. ૧.૨૫ લાખ કરોડ)થી વધુ હતો. અમેરિકાના દબાણના કારણે ભારતે ઈરાન પાસેથી ક્રૂડ ઓઈલની ખરીદી ૯૦ ટકા સુધી ઘટાડી દીધી છે.