World

અમેરિકા પાસે ૧ અને રશિયા પાસે ૪૮ આઇસ બ્રેકર જહાજ, ટ્રમ્પ બગડયા, બહોત ના ઇન્સાફી હૈ

By GS TEAM
29 Nov 20252 mins read
અમેરિકા પાસે ૧ અને રશિયા પાસે ૪૮ આઇસ બ્રેકર જહાજ,  ટ્રમ્પ બગડયા, બહોત ના ઇન્સાફી હૈ

વોશિંગ્ટન,૨૯ નવેમ્બર,૨૦૨૫,સોમવાર 

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પોતાના દેશને દરેક ક્ષેત્રમાં નંબર વન જોવા ઇચ્છે છે. અમેરિકાને મહાન બનાવવા માટે તેઓ રશિયા સાથે પોતાની સરખામણી કરવાનું ચુકતા નથી. તાજેતરમાં ટ્રમ્પે સ્વીકાર્યુ કે અમેરિકા પાસે બરફ તોડી શકે તેવું માત્ર એક આઇસ બ્રેકર જહાજ છે જયારે અમેરિકાની સરખામણીમાં રશિયા પાસે ૪૮ જેટલા આઇસ બ્રેકર છે. બંને દેશો વચ્ચેના આ અંતરને બકવાશ અને હાસ્યાસ્પદ ગણાવ્યું છતાં તેમણે ૧૧ આઇસ બ્રેકર જહાજ તૈયાર કરવાનો તાબડતોબ ઓર્ડર આપી દીધો છે. પ્રાપ્ત માહિતી અનુસાર અમેરિકા અને ફિનલેન્ડ વચ્ચે ગત ઓકટોબર મહિનામાં આ અંગે ૬.૧ બિલિયન ડોલરની સમજૂતી થઇ છે.

 આ સમજૂતી હેઠળ અમેરિકા અને ફિનલેન્ડ સાથે મળીને આઇસ બ્રેકર જહાજોનું નિર્માણ કરશે. ૧૧ માંથી ૪ જહાજો ફિનલેન્ડના શિપયાર્ડમાં રહેશે જયારે ૭ જહાજ અમેરિકા પોતાની પાસે રાખશે. અમેરિકાની ફિનલેન્ડ સાથેની આ ડીલ પોતાના કોસ્ટગાર્ડની યોજનાને વિસ્તારવાની ઇચ્છાને પ્રદર્શિત કરે છે. હાલમાં અમેરિકા પાસે પોલર આઇસબ્રેકર છે તેને ૧૯૭૬માં કમીશન કરવામાં આવ્યું હતું બીજુ પણ એક જહાજ છે પરંતુ તે વ્યવસાયિક હેતુંથી ઉપયોગમાં લેવાય છે. નિષ્ણાતોનું માનવું છે કે અમેરિકા અને રશિયાની ભૌગૌલિક પરિસ્થિતિમાં ઘણો જ તફાવત છે. રશિયા પોતાના ધુ્રવીય હવામાના લીધે વારંવાર ભારે બરફવર્ષાનો સામનો કરે છે. આવી સ્થિતિમાં તેની પાસે એક કરતા વધુ જહાજ હોવા સ્વભાવિક છે પરંતુ ટ્રમ્પ આ બાબતમાં પણ રશિયાથી પાછળ રહેવા ઇચ્છતા નથી. ટ્રમ્પનું અમેરિકા આર્કેટિક ક્ષેત્રમાં અમેરિકાના વજૂદને વધારવા પ્રયાસ કરી રહયા છે એ પણ આના પરથી સાબીત થાય છે.