- પીઓકે મુદ્દે અમેરિકાને છેક હવે જ્ઞાન લાદ્યું !
- ટ્રેડ વિભાગે પીઓકે અને અક્સાઈ ચીનને અલગ દર્શાવ્યા વિના ભારતનો સત્તાવાર નકશો શૅર કરી અમેરિકાનું વલણ સ્પષ્ટ કર્યું
નવી દિલ્હી : ભારત અને અમેરિકાએ શનિવારે વચગાળાના વેપાર કરારના ફ્રેમવર્કની જાહેરાત કરી છે. આ સમયે ટ્રમ્પ સરકારે ભારતનો નકશો જાહેર કર્યો છે, જેમાં પાકિસ્તાને પચાવી પાડેલા કાશ્મીર પીઓકે અને ચીને પચાવી પાડેલા અક્સાઈ ચીનને ભારતના ભાગ તરીકે દર્શાવાયા છે. ભારતને તેના આ પ્રદેશો માટે અમેરિકાની માન્યતાની કોઈ જરૂર નથી. આમ છતાં પીઓકે અને અક્સાઈ ચીન મુદ્દે ભારતને અમેરિકાનું સમર્થન મળતા અમેરિકાનું આ વલણ તેની રણનીતિ અને વિદેશ નીતિ ભારતીય નકશા મુજબ હોવાના સંકેતો આપે છે.
ભારત અને અમેરિકા વચ્ચે વેપાર કરારની માહિતી આપતી વખતે અમેરિકાની ટ્રેડ રિપ્રેઝન્ટેટિવ ઓફિસે ભારતનો જે નકશો શૅર કર્યો છે તેમાં સંપૂર્ણ જમ્મુ-કાશ્મીર, પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (પીઓકે) અને અક્સાઈ ચીનને ભારતનો ભાગ દર્શાવાયા છે. અમેરિકાના આ પગલાંને તેના જૂના વલણથી અલગ માનવામાં આવે છે.
ભારતને ક્યારેય તેની પ્રાદેશિક સંપ્રભુતા માટે અન્ય દેશોના સમર્થનની જરૂર પડી નથી. ભારતે હંમેશા સંપૂર્ણ જમ્મુ-કાશ્મીરને ભારતનો અભિન્ન ભાગ ગણાવ્યું છે. આમ છતાં અમેરિકા તરફથી જાહેર કરાયેલા ભારતના નકશાએ પાકિસ્તાન અને ચીનને મજબૂત રાજકીય અને વ્યૂહાત્મક સંદેશો આપી દીધો હોવાનું મનાય છે.
અમેરિકા અને પશ્ચિમના દેશો અત્યાર સુધી ભારતનો જે નકશો જાહેર કરતા હતા તેમાં પીઓકે અંગે સ્પષ્ટ સીમાંકન દર્શાવાતું હતું. એટલે કે પીઓકેને અલગ રંગથી બતાવવામાં આવતું હતું. આ રીતે પાકિસ્તાનના વાંધાને સંતુલીત કરવામાં આવતા હતા. પરંતુ હવે ટ્રમ્પ સરકારે ભારતનો જે નકશો જાહેર કર્યો છે તેમાં પાકિસ્તાન અને ચીનના દાવાઓની સંપૂર્ણપણે અવગણના કરવામાં આવી છે.
ભારતના વિદેશ મંત્રાલયે અગાઉ અનેક વખત અમેરિકા અને અન્ય વૈશ્વિક સંસ્થાઓ દ્વારા જાહેર કરાતા નકશામાં જમ્મુ-કાશ્મીર અને અરૂણાચલ પ્રદેશને ખોટી રીતે દર્શાવવા સામે વાંધો નોંધાવ્યો હતો, જેની સતત અવગણના કરવામાં આવતી હતી. જોકે, હવે ટ્રમ્પ સરકારનું આ પગલું ભારતના જૂના વાંધાઓને સ્વીકાર કરવા સમાન માનવામાં આવે છે.
પીઓકે મુદ્દે અમેરિકાના બદલાયેલા વલણ અંગે રણનીતિક અને સંરક્ષણ બાબતોના નિષ્ણાતોએ કહ્યું કે, ટ્રમ્પનું આ પગલું પાકિસ્તાન, ફીલ્ડ માર્શલ અસીમ મુનીર અને શાહબાઝ સરકારને તમાચા સમાન છે. ટ્રેડ ડીલની સાથે અમેરિકાએ જાહેર કરેલો આ નકશો અસલી ગેમચેન્જર છે, જેમાં પીઓકે અને અક્સાઈ ચીનને ભારતનો ભાગ દર્શાવાયા છે. નિષ્ણાતોનું માનવું છે કે ટ્રેડ ડીલની વાટાઘાટો વચ્ચે આ પ્રકારે નકશો જાહેર કરવો એ માત્ર કોઈ ટેકનિકલ ભૂલ ના હોઈ શકે. આ નકશો ચીન અને પાકિસ્તાનને આકરો સંદેશો હોઈ શકે છે.
ટ્રમ્પ સરકારે આ નકશો જાહેર કરતા જ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયો હતો. ભારતીય સોશિયલ મીડિયામાં યુઝર્સે તેને ભારતનો મોટો કૂટનીતિક વિજય ગણાવ્યો છે. અનેક લોકોનું કહેવું છે કે આ અમેરિકા દ્વારા ભારતની પ્રાદેશિક અખંડતાને સ્પષ્ટ માન્યતા છે. કેટલાક યુઝર્સે એવી પણ ટીખળ કરી હતી કે, ભારત અમેરિકા સાથે ૨૫ ટકા ટેરિફ પર સહમત થઈ ગયું હોત તો ટ્રમ્પે આખા અમેરિકાને ભારતનો ભાગ બતાવી દીધું હોત.


