અમેરિકાએ હોર્મુઝનો તોડ કાઢ્યો, રોજના એક કરોડ બેરલ ઓઇલની નિકાસ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

વોશિંગ્ટન : આપણે ત્યાં કહેવાય છે તલમાં ખાસ તેલ નથી. હવે અમેરિકા સાથેના યુદ્ધમાં ઇરાનનું પણ તેવું જ થયું હોવાનું મનાય છે. ઇરાન પાસે હોર્મુઝ નામનું જે તલ હતુ, તેને ઇરાને જેટલું નીચોવાય તેટલું નીચોવી લીધુ. હવે તેમા ખાસ તેલ લાગતું નથી. તેનો પુરાવો એ છે કે ઇરાન હોર્મુઝ તેના અંકુશમાં હોવાનો દાવો કરે છે, પરંતુ અમેરિકાએ તેના નાક નીચે હોર્મુઝમાંથી પસાર થવાનો સીક્રેટ રસ્તો તૈયાર કરી લીધો છે. આ સીક્રેટ રસ્તા પરથી રોજનું એક કરોડ બેરલ ઓઇલ પસાર થઈ રહ્યુ છે.
આમ અમેરિકા સામેના જંગમાં જે હોર્મુઝ ઇરાનનું ટ્રમ્પ કાર્ડ હતુ હવે તે રહ્યું નથી. તેના હાથમાંથી જાણે બાજી સરી રહી છે. એક્સિઓસિસના અહેવાલ મુજબ અમેરિકન સૈનિક આ રસ્તા પર ટેન્કરોનું આવાગમન નિયંત્રિત કરી રહ્યા છે. ઇરાનના હાથમાં કશું જ નથી. અમેરિકન નેવી આ ટેન્કરોને સુરક્ષા પૂરી પાડી રહ્યું છે. તેની સાથે વૈશ્વિક બજારોમાં ખાડી દેશોને ક્રૂડ ઓઇલનો પુરવઠો પૂરો પાડવામાં મદદ કરી રહ્યું છે.
ઇરાને આ દરમિયાન અમેરિકન પ્રમુખ ટ્રમ્પે આર્થિક નાકાબંધીની આપેલી ધમકી ફગાવી દીધી છે. ટ્રમ્પે જણાવ્યું હતું કે ઇરાનને અમે આર્થિક રીતે એકલું અટુલુ પાડી દઇશું. ઉલ્લેખનીય છે કે ટ્રમ્પે ઇરાન સામે આર્થિક યુદ્ધની વાત કરી છે, પણ તેની વિગતો આપી નથી. ઇરાનના વિદેશ મંત્રી અરાઘાચીએ જણાવ્યું હતું કે ટ્રમ્પ તેની ઘરઆંગણાની નીતિગત નિષ્ફળતાનું ધ્યાન બીજે વાળવા આવી પોકળ ધમકીઓ આપી રહ્યા છે.
અહેવાલ મુજબ અમેરિકન લશ્કરે ઓમાનના દરિયા કિનારા સાથે જોડાયેલા હોર્મુઝ દક્ષિણના ક્ષેત્ર દ્વારા એક કંટ્રોલ્ડ દરિયાઈ માર્ગ બનાવ્યો છે. આ રસ્તો ખાડી દેશોમાંથી બહાર ઓઇલ ભરેલા ટેન્કર લઈ જવામાં મદદ કરે છે. ફક્ત ઓઇલ ભરેલા ટેન્કરો જ નહીં ખાલી ટેન્કરો લઈ જવામાં પણ અમેરિકન નેવી મદદ કરે છે, જેથી તેમા ઓઇલ ભરી શકાય. અમેરિકાના આખા આ ગુપ્ત ઓપરેશનને અમેરિકન લશ્કરના ફોર્ટ બ્રેગ હેડક્વાર્ટરની એક ટાસ્ક ફોર્સ હેન્ડલ કરી રહી છે.
છેલ્લા બે અઠવાડિયાથી આ રસ્તે રાતના લગભગ રોજના ૧૫થી ૨૦ ટેન્કર પસાર થઈ રહ્યા છે એટલે કે રોજનું એક કરોડ બેરલ ઓઇલ પસાર થઈ રહ્યુ છે. આ ઓઇલ યુદ્ધ પહેલા વહન થતાં પુરવઠાનો અડધો હિસ્સો છે, પરંતુ ન મામા કરતાં કાણો મામો શું ખોટો તે ન્યાયે આ કાર્યક્રમ જારી છે. સૌથી મહત્ત્વની વાત આંતરરાષ્ટ્રીય બજારમાં આટલા મોટાપાયા પર પુરવઠો પરત આવ્યો તે છે.
અમેરિકાનું આ સીક્રેટ ઓપરેશન ત્યારે જ પાર પડયુ જ્યારે અમેરિકાએ સેન્ટ્રલ કમાન્ડે બે સપ્તાહ પહેલા ચલાવેલા લશ્કરી અભિયાનમાં ઇરાનના રાડાર અને સમુદ્રી દેખભાળ કરતી યંત્રણાને ભારે નુકસાન પહોંચાડયુ. તેના કારણે ઇરાનની હવે દક્ષિણી ચેનલ પર પહોંચ અત્યંત મર્યાદિત રહી ગઈ છે. હોર્મુઝને અંકુશમાં રાખવા માટે ઇરાનની તેના પર સતત ચાંપતી નજર રાખવાની ક્ષમતાના નોંધપાત્ર હિસ્સાને અમેરિકાએ થોડા સમય પહેલા કરેલા વ્યૂહાત્મક હુમલાને ખતમ કરી દીધી છે. આના પગલે ઇરાનના રિવોલ્યુશનરી ગાર્ડ્સ (આઇઆરજીસી) પાસે થોડા જ રિસ્ટોર કરવામાં આવેલા રાડાર અને સ્પીડબોટ્સ જ બચી છે. હવે બરોબર દેખરેખ રાખી શકાતી ન હોવાથી ઇરાન હોર્મુઝમાં આંધળો ગોળીબાર કરે છે.









