- અમેરિકન પ્રમુખ ટ્રમ્પનું જુઠ્ઠાણું પકડાયું
- હુમલા અંગે જારી થયેલા વીડિયોમાં ટોમહોક ક્રૂઝ મિસાઇલ જોઇ શકાય છે, જે ફક્ત અમેરિકા પાસે
તેહરાન : યુદ્ધનાં શરૂઆતના દિવસોમાં ટ્રમ્પે જણાવ્યું હતું કે ઇરાનની સ્કૂલમાં થયેલ વિસ્ફોટની પાછળ સ્વયં ઇરાનનો હાથ છે. તેમણે દાવો કર્યો હતો કે આ હુમલો ઇરાનના જ દારૂ ગોળાને કારણે થયો હતો.
જો કે હવે સામે આવેલા નવા વીડિયો અને અન્ય કેટલાક પુરાવા ટ્રમ્પનાં આ દાવા સામે પ્રશ્રો ઉભા કરી રહ્યાં છે. સૂત્રોનાં જણાવ્યા અનુસાર ૨૮ ફેબુ્રઆરીએ થયેલા આ હુમલામાં ઇરાનનાં દક્ષિણ પ્રાંત હોર્મોઝ્ગાનના મીનાબ વિસ્તારમાં આવેલી એક શાળાને નિશાન બનાવવામાં આવી હતી. આ શાળા એક રિવોલ્યુશનરી ગાર્ડ બેઝની પાસે આવેલી હતી.
ઇન્વેસ્ટિગેટિવ ગુ્રપ બેલિંગકેટે ત્રણ સેકન્ડનો વીડિયો જારી કર્યો છે. આ વીડિયોને એ જ દિવસનો બતાવવામાં આવી રહ્યો છે જ્યારે આ હુમલો થયો હતો. આ વીડિયોને ઇરાનની અર્ધ સરકારી સમાચાર એજન્સી મેહરે પણ પ્રસારિત કર્યો હતો.
વીડિયોમાં સ્પષ્ટપણે જોઇ શકાય છે કે એક ઇમારત પર બોંબ પડે છે અને ત્યારબાદ આકાશમાં કાળો ધુમાડો જોવા મળે છે. નિષ્ણાતોના જણાવ્યા અનુસાર સેટેલાઇટ ફોટા પરથી અંદાજ મૂકવામાં આવ્યો છે કે સ્કૂલ પરિસરની આસપાસ એક પછી એક અનેક બોંબ ફેંકવામાં આવ્યા હતાં.
બેલિંગકેટનાં શોધકર્તા ટ્રેવર બોલે વીડિયોના લોકેશનનો અભ્યાસ કરી જણાવ્યું હતું કે આ હુમલો સ્કૂલની ખૂબ જ નજીક કરવામાં આવ્યો હતો.
શોધકર્તાઓનાં જણાવ્યા અનુસાર વીડિયોમાં જોવા મળતા હથિયારની ઓળખ ટોમહોક ક્રૂઝ મિસાઇલ તરીકે કરવામાં આવી છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર આ પ્રકારની મિસાઇલ આ યુદ્ધમાં ફક્ત અમેરિકાની પાસે જ છે. જો કે આ હુમલામાં ઉપયોગમાં લેવાયેલ બોંબના ટુકડાઓનાં કોઇ સ્પષ્ટ ફોટા સામે આવ્યા નથી. યુદ્ધની સ્થિતિને કારણે કોઇ સ્વતંત્ર તપાસ એજન્સીને ઘટનાસ્થળની મુલાકાત લેવાની તક મળી નથી.


