એઆઈમાં રોકાણ વચ્ચે અમેઝોન કાઢી મૂકેલા કર્મીઓને પાછા બોલાવશે
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

- એઆઈ લાવવા ગયા વર્ષે 30,000ને રવાના કરાયા હતા
- પ્રતિભાશાળી કર્મચારીઓની પુન: ભરતી સામાન્ય પ્રક્રિયા, અનેક કર્મચારીઓનો સંપર્ક કરાયો : અમેઝોન
ન્યૂયોર્ક : દુનિયાભરમાં આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સની બૂમ છે. એઆઈ માણસ ના કરી શકે તેવા કામ કરી રહ્યું છે. વૈશ્વિક સ્તરે કંપનીઓ પણ એઆઈમાં વધુ રોકાણ કરવા માટે કર્મચારીઓની હકાલપટ્ટી કરી રહી છે. અમેરિકાની ટેક્નોલોજી જાયન્ટ અમેઝોને પણ એઆઈમાં વધુ રોકાણ કરવા ગયા વર્ષે ૩૦,૦૦૦ કર્મચારીની હકાલપટ્ટી કરી હતી. અમેરિકન કંપનીએ એક વર્ષમાં એઆઈ ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં જંગી રોકાણ કર્યું છે. આ સાથે અમેઝોને જૂના કર્મચારીઓને પાછા બોલાવવાની પણ તૈયારી કરી છે અને સેંકડો પૂર્વ કર્મચારીઓને ફરીથી નોકરી ઓફર કરી છે.
અમેઝોને ગયા વર્ષે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સમાં રોકાણ વધારવા માટે વૈશ્વિક સ્તરે ૩૦,૦૦૦ કર્મચારીઓની છટણી કરી હતી. કંપની એઆઈ ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકસાવવા માટે આ વર્ષે ૨૦૦ અબજ ડોલરનું રોકાણ કરી રહી છે. પરંતુ હવે અમેરિકન કંપનીએ કાઢી મૂકેલા કર્મચારીઓમાંથી સેંકડોને કર્મચારીઓને પાછા બોલાવવાની તૈયારી હાથ ધરી છે. અમેઝોને જાહેરાત કરી હતી કે, અમેઝોન નાઉ લોન્ચ થયું છે ત્યારથી તેના પર પ્રત્યેક ત્રિમાસિકમાં ઓર્ડર બમણા થઈ રહ્યા છે. કંપની હવે ગયા વર્ષે છટણી કરાયેલા કર્મચારીઓને ફરીથી નોકરી પર રાખવાની તૈયારી કરી રહી છે. કંપનીએ આ કર્મચારીઓને તેમના એઆઈ અને ક્લાઉડ ડિવિઝન્સમાં કામ કરવાની ઓફર કરી છે.
અમેઝોન વેબ સર્વિસીસનાં વાઈસ પ્રેસિડેન્ટ સ્વામિ શિવસુબ્રમણ્યનના નેતૃત્વમાં અમેઝોનની એઆઈ એજન્ટ ઓર્ગેનાઈઝેશન માટે પૂર્વ કર્મચારીઓનો સંપર્ક કરાયો હતો. અમેઝોનના પ્રવક્તા હેલી સિલ્વાએ જણાવ્યું હતું કે, ભૂતપૂર્વ કર્મચારીઓની ભરતી તેમની સામાન્ય પ્રેક્ટિસ છે.
અમેઝોન જ નહીં અન્ય ટેક્નોલોજી કંપનીઓ પણ ભૂતપૂર્વ કર્મચારીઓની પુન: ભરતી કરવા તરફ નજર દોડાવી રહી છે. ૨૦૨૨માં ટ્વિટર (હવે એક્સ) ખરીદ્યા પછી ઈલોન મસ્કે લગભગ ૫૦ ટકા કર્મચારીઓની છટણી કરી હતી. ત્યાર પછી સોશિયલ મીડિયા પ્લેટફોર્મે પુન: ભરતી માટે અનેક કર્મચારીઓનો સંપર્ક કર્યો હતો. એ જ રીતે સેલ્સફોર્સે પણ ૨૦૨૩માં ૮,૦૦૦ કર્મચારીઓને છૂટા કર્યાના સપ્તાહોમાં જ ૩,૩૦૦ નવી ભૂમિકા માટે તેમની ફરી ભરતી કરી હતી તેમ કંપનીના સીઈઓએ જણાવ્યું હતું.




