World

એન્થ્રોપિકના એડવાન્સ AI મોડલ પર પ્રતિબંધ પાછળ એમેઝોનનો હાથ

By GS Team
14 Jun 20262 mins read
એન્થ્રોપિકના એડવાન્સ AI મોડલ પર પ્રતિબંધ પાછળ એમેઝોનનો હાથ

- એઆઈ મોડલ્સ ફેબલ અને મીથોસ મામલે વિવાદ

- જેફ બેઝોસની કંપનીએ વ્હાઈટ હાઉસને નવા એઆઈ મોડલ અંગે ચેતવણી આપતા ટ્રમ્પે ફરમાન જારી કર્યું

વોશિંગ્ટન: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે રાષ્ટ્રીય સુરક્ષાનું કારણ આગળ ધરીને એન્થ્રોપિકના નવા એઆઈ મોડલ પર પ્રતિબંધ લગાવ્યો છે.  જે બાદ એન્થ્રોપિકે તેના નવા અને પાવરફૂલ એઆઈ મોડલ્સ ફેબલ ૫ અને મીથોસ ૫ ની સર્વિસ સ્થગિત કરવાની ફરજ પડી હતી. આ નિર્ણય પાછળ અમેરિકી સરકારની ચિંતા અને એન્થ્રોપિકના મુખ્ય રોકાણકાર એમેઝોન દ્વારા વ્યક્ત કરાયેલા સુરક્ષા સંબંધિત સવાલોને કારણભૂત માનવામાં આવી રહ્યા છે. 

રિપોર્ટ મુજબ, એન્થ્રોપિકના નવા મોડલોની તપાસ દરમિયાન એમેઝોનની ટીમે ચિંતા વ્યક્ત કરી હતી. 

તેમણે વ્હાઈટ હાઉસના અધિકારીઓને જાણ કરી હતી કે, એન્થ્રોપિકના નવા એઆઈ મોડલ્સનો દુરુપયોગ સાયબર એટેક અને અન્ય સંવેદનશીલ પ્રવૃતિઓ માટે થઈ શકે છે. જે બાદ સરકારે એન્થ્રોપિક સાથે તાત્કાલિક ચર્ચા કરી હતી. અધિકારીઓએ કહ્યું, મોડલની કેટલીક ક્ષમતાઓ સુરક્ષાનું જોખમ ઊભું કરી શકે છે અને તેના પર વધુ નિયંત્રણની જરૂર છે. બંને પક્ષો વચ્ચે સમાધાન ન થતા સરકારે કડક પગલું ભરીને પ્રતિબંધ જાહેર કર્યો હતો.  

આ નિર્ણય બાદ એન્થ્રોપિકે ફેબલ-૫ અને મીથોસ-૫ મોડલ્સની એક્સેસ વિશ્વભરમાં બંધ કરવી પડી હતી. કંપનીએ સરકારના નિર્ણય પ્રત્યે અસહમતિ વ્યક્ત કરતા જણાવ્યું કે, દર્શાવવામાં આવેલા જોખમોને વધારીને રજૂ કરવામાં આવ્યા છે. આ પ્રકારના ફીચર્સ અન્ય કંપનીઓના એઆઈ મોડલ્સમાં પણ છે. ઉલ્લેખનીય છે કે, એન્થ્રોપિકના એઆઈ મોડલ્સ તેમના રિસર્ચ પાવર, કોડિંગ અને સાયબર સિક્યોરિટી સંબંધિત કામગીરી માટે જાણીતા છે.