- અમેરિકાની કંપનીઓનો એઆઈ પર દાવ
- ભારતનું 2026નું વાર્ષિક બજેટ 630 અબજ ડોલર જ્યારે યુએસની ટોપ ચાર કંપનીઓ એઆઈ પાછળ 650 અબજ ડોલર ખર્ચશે
કેલિફોર્નિયા : અમેરિકાની ટોચની ચાર ટેક કંપનીઓ આલ્ફાબેટ, એમેઝોન, મેટા અને માઈક્રોસોફ્ટ એઆઈ પાછળ ૬૫૦ અબજ ડોલરનો ખર્ચ કરશે. આ કંપનીઓ અભૂતપૂર્વ રકમનો ઉપયોગ સર્વર, સ્પેશિયલ ચિપ્સ (જીપીયુ અને ટીપીયુ) જેવા એઆઈ કમ્પ્યુટિંગ ઈન્ફ્રાસ્ટ્રક્ચર, નેટવર્કિંગ અને ડેટા સેન્ટર્સ બનાવવા માટે કરશે. તેમનું ૬૫૦ અબજ ડોલરનું બજેટ ઘણા દેશોના વાર્ષિક બજેટ કરતા પણ વધારે છે.
રિપોર્ટ મુજબ, એમેઝોન ૨૦૨૬માં એઆઈ પાછળ સૌથી વધુ ૨૦૦ અબજ ડોલરનો ખર્ચ કરશે. જેમાં, એમેઝોન વેબ સર્વિસ, ડેટા સેન્ટર્સ, ચિપ્સ અને કમ્પ્યુટર કેપિસિટી પાછળ સૌથી વધુ ખર્ચ કરવામાં આવશે. ગૂગલની પેરેન્ટ કંપની આલ્ફાબેટ એઆઈમાં ૧૭૫ થી ૧૮૫ અબજ ડોલરનું રોકાણ કરશે. જેમાં, જેમિની જેવા એઆઈ મોડલ્સ, ક્લાઉડ અને કસ્ટમ ટીપીયુ ઈન્ફ્રાસ્ટ્રક્ચરને પ્રાથમિકતા આપવામાં આવશે. ફેસબુકની પેરેન્ટ કંપની મેટા, એઆઈ પાછળ ૧૧૫ થી ૧૩૫ અબજ ડોલર ખર્ચશે. તેઓ એઆઈ ટ્રેનિંગ સિસ્ટમ્સ, લ્યામા મોડલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર, અને ડેટા સેન્ટર્સને મજબૂત બનાવશે.
માઈક્રોસોફ્ટ એઆઈ સેક્ટરમાં ૯૭ થી ૧૦૫ અબજ ડોલરનું રોકાણ કરશે. તેઓ અઝ્યોર એઆઈ કેપેસિટી અને પાર્ટનરશિપ પર વધુ ભાર આપશે. આ સાથે જ ઓપનએઆઈ માટે તેઓ સિસ્ટમમાં ફેરફાર કરશે. આ પ્લાનની જાહેરાત બાદ આ ચાર કંપનીઓએ ૯૫૦ અબજ ડોલરની માર્કેટ વેલ્યુ ગુમાવી છે. જાણકારોના મતે, મેટા અને ગૂગલ ડિજિટલ જાહેરાતોથી સૌથી વધુ કમાણી કરે છે. જ્યારે, એમેઝોન સૌથી મોટી ઓનલાઈન કંપની હોવાની સાથે ક્લાઉડ કમ્પ્યુટિંગ ક્ષેત્રમાં કાર્યરત છે. માઈક્રોસોફ્ટ બિઝનેસ સોફ્ટવેર વેચનારી સૌથી મોટી કંપની છે. ત્યારે, રોકાણકારો કંપનીઓના એઆઈ દાવ બાદ દ્વિઘામાં છે.
આ કંપનીઓના રોકાણની સરખામણી અમેરિકાની ટોચની ઓટો કંપનીઓ, કન્સ્ટ્રક્શન ઈક્વિપમેન્ટ્સ મેન્યુફેચરર્સ, રેલરોડ, ડિફેન્સ કોન્ટ્રાક્ટરો, પાર્સલ સર્વિસ કંપનીઓની સાથે એક્સોન, ઈન્ટેલ કોર્પ, વોલમાર્ટ ઈન્ક જેવી ૨૧ કંપનીઓ કરવામાં આવી હતી. જે બાદ સામે આવેલા આંકડાએ સૌને ચોંકાવ્યા હતા. આ તમામ કંપનીઓ મળીને ૨૦૨૬માં ૧૮૦ અબજ ડોલરનો ખર્ચ કરવાની છે. જે એમેઝોન, મેટા, માઈક્રોસોફ્ટ, અને આલ્ફાબેટ કરતા લગભગ ચાર ગણો છે.


