એર ઇન્ડિયા ફ્લાઇટ ટર્બ્યુલન્સના કારણે 300 ફૂટ નીચે આવી ગઈ, 17 ઘાયલ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

- થાઇલેન્ડના ફૂકેટથી દિલ્હી આવતી વખતે બનેલી ઘટના
- ફ્લાઇટમાં 134 મુસાફરો અને આઠ ક્રૂ સવાર હતા મેડિકલ ટીમ સાથે દિલ્હી એરપોર્ટ એલર્ટ કરવું પડયું
નવી દિલ્હી : એર ઇન્ડિયાની ફુકેટથી દિલ્હી આવી રહેલી ફ્લાઇટને ટર્બ્યુલન્સનો સામનો કરવો પડયો હતો, અચાનક જ ટર્બ્યુલન્સને કારણે ફ્લાઇટ ૩૦૦ ફૂટ ચીને આવી ગઇ હતી. આ દરમિયાન આશરે ૧૩ જેટલા મુસાફરો અને ચાર ક્રૂ મેમ્બરને ઇજા પહોંચી હતી. જોકે બાદમાં પાઇલટે કાબુ મેળવી લેતા તમામ મુસાફરો સાથે ફ્લાઇટ દિલ્હીમાં ઉતરી હતી. જે મુસાફરોને ઇજા પહોંચી હતી તેમને સારવાર અને વધુ ચકાસણી માટે હોસ્પિટલ લઇ જવામાં આવ્યા હતા.
થાઇલેન્ડના ફુકેટથી એર ઇન્ડિયાની ફ્લાઇટ એઆઇ૨૩૭૯ (એ૩૨૦ એરક્રાફ્ટ)એ ૧૩૪ મુસાફરો અને ૮ ક્રૂ મેમ્બર સાથે દિલ્હી આવવા માટે ઉડાન ભરી હતી. જોકે વચ્ચે અચાનક જ ટર્બ્યુલ્સનો સામનો કરવો પડયો હતો, જેને પગલે ફ્લાઇટે કાબુ ગુમાવી દીધો અને સીધી ૩૦૦ ફૂટ નીચે ખાબકી હતી. આ દરમિયાન મુસાફરો ભયમાં મુકાયા હતા જ્યારે કેટલાક મુસાફરો અચાનક જ પટકાવાને કારણે ઘાયલ થઇ ગયા હતા. ચાર ક્રૂ મેમ્બરને પણ ઇજા પહોંચી હતી. એક મુસાફરે જણાવ્યું હતું કે આશરે બેથી ત્રણ મિનિટ સુધી આ તોફાનની અસર રહી હતી. જે દરમિયાન અનેક લોકો ઘાયલ થયા હતા.
એક વીડિયો પણ સામે આવ્યો છે જેમાં ફ્લાઇટ થોડા સમય માટે હચમચી રહી હોવાનું દેખાડવામાં આવ્યું છે. આ દરમિયાન કેટલાક મુસાફરો ડરને કારણે ચિસો પાડતા પણ જોવા મળ્યા હતા. ઘટનાની જાણકારી મળતા જ દિલ્હી એરપોર્ટને તાત્કાલીક એલર્ટ કરી દેવાયું હતું તેવા અહેવાલો છે. એક મેડિકલ ટીમને તૈયાર રાખવામાં આવી હતી, ફ્લાઇટ સવારે ૧૧.૩૦ વાગ્યે દિલ્હી એરપોર્ટ પર ઉતરી હતી જે સાથે જ તમામ ઘાયલ મુસાફરોને સુરક્ષીત બહાર કાઢવામાં આવ્યા હતા. આ મામલે હાલ સિવિલ એવિએશનના ડાયરેક્ટર જનરલ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. એક અધિકારીએ જણાવ્યું હતું કે એક ક્રૂ મેમ્બર ગંભીર રીતે ઘાયલ થઇ ગયેલ છે, જ્યારે એર ઇન્ડિયાના પ્રવક્તાએ કહ્યું હતું કે કોઇ ગંભીર રીતે ઘાયલ થયું નથી, બહુ જ ઓછી સંખ્યામાં મુસાફરો અને ક્રૂને સામાન્ય ઇજા પહોંચી હતી.




